Gujarat

કુંવરજી બાવળિયાનું મંત્રીપદ જોખમાયું તો માઠા પરિણામ ભોગવવા પડશે

ગુજરાત ભાજપમાં ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. આંતરિક અસંતોષ અને ડખો ખુલીને બહાર આવ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયાના સમર્થકોએ ભાજપને ખુલ્લી ચેતવણી આપી છે કે, જો બાવળિયાનું મંત્રીપદ જોખમાશે તો તેના માઠા પરિણામ ભાજપને ભોગવવા પડશે.

કોળી સમાજ અને કુંવરજી બાવળિયાના સમર્થકોની તાત્કાલિક બેઠક યોજાઇ છે, આ બેઠકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે કે, જો નવા મંત્રીમંડળમાં કુંવરજી બાવળિયાને નહીં લેવામાં આવે તો, કોળી સમાજના અપમાનની અસર આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં જોવા મળશે. કોળી સમાજ તેના અપમાનનો બદલો વિધાનસભાની ચૂંટણીમાં લેશે, તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે.

આ ઉપરાંત કોળી સમાજના સમર્થકો દ્વારા કુંવરજી બાવળિયાને નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં સમાવવામાં આવે તે માટે ભાજપ હાઈકમાન્ડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે.કુંવરજી બાવળિયાના સમર્થકો અને કોળી સમાજના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે જો બાવળિયાને પ્રધાનમંડળમાંથી પડતા મુકાશે તો તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળશે.

કોળી સમાજના અગ્રણી તરીકે કુવરજી બાવળિયાનુ સ્થાન અન્ય કોઈ લઈ શકે તેમ નથી. છેલ્લા કેટલાક વખતથી કોળી સમાજના અગ્રણી કુંવરજી બાવળિયાના સ્થાને સમાજના અન્ય કેટલાક લોકોને આગળ કરીને સમાજમાં ભાગલા પાડવામાં આવી રહ્યા છે, જે કોળી સમાજ કોઈપણ સંજોગોમાં સાંખી લેશે નહીં. કોળી સમાજ હંમેશા એક જૂઠ છે, અને રહેશે. સમાજનું અપમાન ક્યારે પણ સહન કરવામાં આવશે નહીં, તેવી સોશિયલ મીડિયાના ભાજપ ગ્રુપમાં ધમકી આપવામાં આવી છે.

Most Popular

To Top