રોજીંદી ઘટમાળમાથી છુટ્ટી એટલે વેકેશન, ને વેકેશન એટલે એકલા બાળકોનું જ નહીં, પોતાના માટે કાઢવામાં આવેલો એવો સમય કે, જ્યારે તમે રિલેક્સ થઈ શકો અને આવનારા સમય માટે રિચાર્જ થઈ શકો. તો એના માટે બહાર ફરવા જવા સિવાય બેસ્ટ ઓપ્શન બીજું કયુ હોઇ શકે? ત્યારે હાલમાં ચાલી રહેલા વેકેશનમાં આપણા મિત્રો, પાડોશીઓ અને પરિવારજનોના હિલ સ્ટેશન, દરિયા કિનારે કે ધાર્મિક સ્થળોએ ફરવા જવાના ફોટો જોવા મળતા જ હશે ત્યારે કેટલાંક લોકો એવા પણ છે કે, જે ખાસ કરીને એક સરખા સ્થળોની જ પસંદગી કરતા હોય છે તેઓ ભાગ્યેજ બહાર જવા માટે કોઈક નવા સ્થળો પર પસંદગી ઉતારે છે. તો આજે આપણે એવા કેટલાંક લોકો સાથે વાત કરીશું કે જેઓ બહાર ફરવા જવું એટલે કેવી જગ્યા પર જવું એ ફિક્સ જ હોય.
ટ્રેકીંગ માટે ગમે ત્યારે તૈયાર થઈ જાઉં છું: સ્વાતી વેકરીયા
શહેરના ઘોડદોડ રોડ ખાતે રહેતી સ્વાતી વેકરિયા ટ્રેકીંગના નામથી જ ખુશ થઇ જાય છે. જ્યારે પણ બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરે ત્યારે તેમની પસંદગી ટ્રેકીંગ જ હોય. સ્વાતિ કહે છે કે મેં અત્યાર સુધી મણીકરા કસોલ વગેરે સ્થળો પર ટ્રેકીંગ કર્યંું છે. પણ કસોલ મારું ફેવરિટ છે. ક્યારેક અન્ય જગ્યાઓ પર પણ ફરવા જાઉં છું. પણ મારી ફસ્ટ ચોઇસ તો ટ્રેકીંગ જ.
ભગવાનની ભક્તિ સાથે ફરવા પણ મળે એવી જગ્યા ગમે : હિરલ પટેલ
શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી હિરલ પટેલ કહે છે કે મને ધાર્મિક સ્થળોએ ફરવા જવાનું વધુ ગમે છે કારણ કે એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ફરવા લાયક સ્થળોની સાથે જ પ્રસિધ્ધ ભગવાનના મંદિરો પણ આવેલા છે. જેથી ભગવાનની ભક્તિ પણ થઇ જાય અને બહાર ફરવા પણ મળે. જેથી ખાસ કરીને હુ઼ં પરિવાર સાથે જ બહાર જવાનું પસંદ કરું છું. મને દ્વારકા, સોમનાથ, પાવાગઢ જેવી જગ્યાઓ ગમે છે.
હિલસ્ટેશનનું આકર્ષણ હંમેશા રહ્યું છે : મહેશભાઇ મકવાણા
શહેરના પીપળોદ વિસ્તારમાં રહેતાં 29 વર્ષીય મહેશભાઇ મકવાણા જણાવોે છે કે, મને કુદરત હંમેશા આકર્ષે છે. જેથી હું હિલ સ્ટેશન પર જવાનું વધુ પસંદ કરું છું. હિલસ્ટેશનની શાંતિના કારણે મને મનની શાંતિ તો મળેજ છે. સાથે શહેરના શોર બકોરથી દુર હુ઼ં મારો લખવાનો શોખ પણ પુરો કરી શકું છું. આ ઉપરાંત કુદરતને નજીકથી માણવાનો અને જાણવાનો અનુભવ આહલાદક હોય છે. જેનો ભરપુર આનંદ લઉં છું.
મહિનામાં 2 થી 3 વાર દરિયાકિનારાની અચૂક મુલાકાત લઉં છુ: આકાશ
શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતાં 30 વર્ષીય આકાશ કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા છે અને તેમને દરિયા કિનારે ફરવા જવાનું એટલું ગમે છે કે તે મહિનામાં 2 થી 3 વાર તો તેઓ દરિયાકિનારની મુલાકાત અચૂક લેતા હોય છે.’ આકાશ કહે છે કે, ‘મારૂ કામ એવું છે કે મગજ પર સતત પ્રેશર રહેતું હોય છે તેથી હું એ દૂર કરવા માટે દરિયા કિનારે જવાનું વધુ પસંદ કરું છુ. કારણ કે, દરિયા કિનારે મને કુદરતી વાતાવરણમાં શાંતિનો અહેસાસ થાય છે અને હું એવા દિવસે જ દરિયા કિનારે જવાનું પસંદ કરું છુ જ્યારે પબ્લિક ના હોય, જેથી હું રવિવારના દિવસે જવાનું એવોઈડ કરું છુ. આમ તો મને પહાડો પર જવું પણ ગમે છે કારણ કે ત્યાં કુદરતી વાતાવરણ હોય છે પણ હું ક્યારેક જ એવા સ્થળોએ જવાનું પસંદ કરું છુ. બાકી બહાર જવાની વાત હોય તો મારી ફર્સ્ટ ચોઈસ સમુદ્ર કિનારો જ હોય. આ જ કારણે મે અત્યાર સુધી સુરતની આજુબાજુ સિવાય ગોવા સુધીના દરિયા કિનારા જોઈ લીધા છે.’