Editorial

દુનિયાના વિરોધ વચ્ચે ઇઝરાયેલ ગાઝાપટ્ટી પર કબજો કરી લેશે તો હિંસા વધુ વકરશે

ગાઝા શહેર પર ઇઝરાયલી કબજાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઇઝરાયલી સેનાના આ પગલાના કારણે શહેરમાંના પેલેસ્ટિનિયન્સ પલાયન કરી રહ્યા છે. શહેરના અધિકારીઓએ જણાવ્યું કે ગાઝા સિટીના કેટલાક વિસ્તારોમાંથી લોકો ભાગી રહ્યા છે, કેમ કે, ઇઝરાયલી સેનાએ યોજનાબદ્ધ જમીની હુમલાના પ્રથમ તબક્કાની શરૂઆત કરી દીધી છે. ઇઝરાયલી સૈનિકોએ ઘણા દિવસ સુધી સતત બૉમ્બમારો અને ટૅન્કો દ્વારા ગોળાબાર કર્યા પછી શહેર બહારના વિસ્તારોમાં પોતાની પકડ જમાવી લીધી છે.

આ શહેર 10 લાખ કરતાં વધારે પેલેસ્ટિનિયન્સનું ઘર છે. ગાઝાના અધિકારીઓ અનુસાર આ વિસ્તાર પહેલાંથી જ, ઘણા દિવસોથી બૉમ્બમારાનો ભોગ બનતો રહ્યો છે, જ્યાં 10 લાખ કરતાં વધુ લોકો રહે છે. ઇઝરાયલી સેના અનુસાર, ગાઝા સિટીના બહારના વિસ્તારો તેના નિયંત્રણ હેઠળ આવી ગયા છે.ઇઝરાયલના સુરક્ષા મંત્રી ઇઝરાયલ કાટ્ઝે મંગળવારે આ સૈન્ય અભિયાનને મંજૂરી આપી હતી અને તેને આ અઠવાડિયાના અંતે સુરક્ષા કૅબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેના હેઠળ, લગભગ 60 હજાર રિઝર્વ સૈનિકોને બોલાવાશે, જેથી સક્રિય ડ્યૂટી પરના જવાનોને આ અભિયાનમાં જોડી શકાય.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, હમાસે આરોપ કર્યો છે કે ઇઝરાયલ નિર્દોષ નાગરિકો વિરુદ્ધ આ નિર્મમ યુદ્ધ ચાલુ રાખવા માગે છે. તેથી તેઓ યુદ્ધવિરામમાં અડચણો ઊભી કરી રહ્યા છે. ગાઝા પટ્ટીના ઉત્તર તરફના ભાગમાં આવેલા ગાઝા સિટીમાં લાખો પેલેસ્ટિનિયન્સ રહે છે. યુદ્ધની પહેલાં તે આ વિસ્તારની સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર હતું. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફૉક્સ ન્યૂઝને કહેલું કે, ઇઝરાયલની યોજના આખી ગાઝા પટ્ટી પર કબજો કરવાની છે, તે તેને અરબની શક્તિઓને સોંપવા માગે છે.

દુનિયાભરના ઘણા નેતાઓએ આ યોજનાની નિંદા કરી છે અને સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે તેનાથી ખૂબ મોટા પાયે બળજબરીનું વિસ્થાપન અને ખૂબ વધુ હત્યાઓ થશે.હમાસે કહ્યું છે કે, તે આ પગલાનો સખત વિરોધ કરશે. તો ચાલો, જાણીએ કે ઇઝરાયલની ગાઝા સિટી પર કબજો કરવાની યોજના શી છે અને તેના હેઠળ તે શું શું કરશે.ઇઝરાયલની કૅબિનેટ બેઠકની પહેલાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહેલું કે તેઓ સમગ્ર ગાઝા પટ્ટી પર પોતાનું નિયંત્રણ ઇચ્છે છે.

પરંતુ નવી યોજનામાં તેમણે માત્ર ગાઝા સિટીનો ઉલ્લેખ કર્યો છે. ઇઝરાયલી મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, આ મુદ્દે વડા પ્રધાન અને સેનાના ચીફ ઑફ સ્ટાફ વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો, કેમ કે, સેના પ્રમુખે આખા ગાઝા પર નિયંત્રણનો સખત વિરોધ કર્યો હતો. ઇઝરાયલનું કહેવું છે કે હાલમાં ગાઝાના 75 ટકા ભાગ પર તેમનું નિયંત્રણ છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે લગભગ 86 ટકા વિસ્તાર કાં તો સૈન્ય ક્ષેત્ર છે અથવા એવો વિસ્તાર છે જ્યાંથી લોકોને બહાર નીકળી જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે સમગ્ર ગાઝા પર નિયંત્રણની ધમકીનો ઉપયોગ હમાસ પર દબાણ લાવવાની રણનીતિ પણ હોઈ શકે છે, જેથી તેઓ યુદ્ધવિરામની અટકી ગયેલી વાતચીત દરમિયાન છૂટછાટ આપે. ફૉક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં નેતન્યાહૂએ કહેલું કે ઇઝરાયલ ગાઝાને પોતાના અંકુશમાં નહીં રાખે. નેતન્યાહૂ તેને અરબ શક્તિઓને સોંપી દેશે. તેમણે કહ્યું હતું, અમે એક સુરક્ષાઘેરો ઇચ્છીએ છીએ. અમે તેના પર શાસન કરવા નથી માગતા.

બેન્જામિન નેતન્યાહૂએ હમાસ તરફથી બંધક બનાવવામાં આવેલા લોકોના પરિવારો અને દુનિયાભરના નેતાઓની ટીકાઓનો સામનો કરવો પડે છે. બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે ઇઝરાયલના આ પગલાને ‘ખોટું’ ગણાવ્યું છે અને કહ્યું છે કે તેનાથી હિંસામાં ખૂબ વધારો થશે. જ્યારે, જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ત્ઝે કહ્યું કે તેમની સરકાર હવે ઇઝરાયલને કોઈ પણ એવાં હથિયાર મોકલવાની મંજૂરી નહીં આપે જેનો ઉપયોગ ગાઝામાં કરી શકાય.

ઐતિહાસિક રીતે જર્મની ઇઝરાયલના સૌથી મોટા હથિયાર સપ્લાયરોમાંનું એક રહ્યું છે. બીજી તરફ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે આ પગલાને ‘સંપૂર્ણ ગુનો’ ઠરાવ્યો છે. તુર્કીના વિદેશ મંત્રાલયે કહ્યું કે ઇઝરાયલનો ઉદ્દેશ પેલેસ્ટિનિયન્સને બળપૂર્વક તેમની પોતાની જમીન પરથી વિસ્થાપિત કરવાનો છે. સંયુક્ત રાષ્ટ્રના માનવ-અધિકાર પ્રમુખ વોલ્કર ટુર્કેએ કહ્યું કે ગાઝામાં યુદ્ધ હવે સમાપ્ત થવું જોઈએ.

Most Popular

To Top