Sports

‘ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા નહીં આવે તો…’, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે BCCIને આપી ધમકી

નવી દિલ્હી: ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન પાકિસ્તાનમાં કરવાની દરખાસ્ત છે. પાકિસ્તાનને આ ટુર્નામેન્ટની યજમાની મળી હોવાથી સૌથી મોટો મુદ્દો એ છે કે શું ભારતીય ટીમ આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં…?

ભારતીય ટીમ પ્રવાસ કરે તેવી શક્યતા ઓછી છે. જો કે આ અંગેનો અંતિમ નિર્ણય ભારત સરકારે જ લેવાનો છે. ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન નહીં જાય તો ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમની મેચનું આયોજન દુબઈમાં થઈ શકે છે. જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન પોતાના દેશમાં કરવા માંગે છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીના તેના સ્ટેન્ડમાંથી પીછેહઠ કરશે નહીં અને આગામી સપ્તાહે શ્રીલંકામાં યોજાનારી ICCની બેઠક દરમિયાન બોર્ડ આ જ વલણ જાળવી રાખશે. પીસીબી અધ્યક્ષ મોહસિન નકવી 19 થી 22 જુલાઈ દરમિયાન કોલંબોમાં યોજાનારી ICC બોર્ડની બેઠકમાં ભાગ લઈ શકે છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય તો તે 2026માં યોજાનાર T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે. T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવનાર છે. ભારતે ગયા વર્ષે આયોજિત એશિયા કપ માટે પાકિસ્તાન જવાની પણ ના પાડી દીધી હતી.

ત્યાર બાદ પીસીબીને એશિયા કપ હાઈબ્રિડ મોડલ હેઠળ રમાડવાની ફરજ પડી હતી. હવે પાકિસ્તાનને ડર છે કે એશિયા કપ 2023ની જેમ આ ટૂર્નામેન્ટ પણ ‘હાઈબ્રિડ મોડલ’ હેઠળ યોજવી પડી શકે છે. જો ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચો દુબઈ અથવા શ્રીલંકામાં શિફ્ટ થઈ શકે છે.

આઈસીસી (ICC) બોર્ડની બેઠકોમાં દરેક સભ્ય પોતાનો મુદ્દો ઉઠાવી શકે છે જેના પર મતદાન થાય છે. પરંતુ જો સભ્ય દેશની સરકાર કહે છે કે તેઓ ત્યાં રમી શકતા નથી તો આઈસીસીએ વિકલ્પો શોધવા પડશે. ગયા વર્ષે એશિયા કપ દરમિયાન બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પાકિસ્તાન ગયા હતા.

પીસીબીએ ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ તૈયાર કરી આઈસીસી અને તેના સભ્ય દેશોને મંજૂરી માટે મોકલી દીધું છે. દરેક જગ્યાએથી લીલી ઝંડી મળ્યા બાદ તેને રિલિઝ કરવામાં આવશે. પરંતુ તે પહેલા જ આ શેડ્યુલ વાયરલ થઈ ગયું છે.

બ્રિટિશ અખબાર ‘ધ ટેલિગ્રાફ’ એ તેને પ્રકાશિત કર્યું હતું. તે રિપોર્ટ અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 કરાંચીમાં 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. તેમજ શેડ્યુલ મુજબ ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે લાહોરમાં મેચ રમાશે. શિડ્યુલ અનુસાર ભારતની તમામ મેચ લાહોરમાં છે.

BCCI તરફથી પાકિસ્તાન પ્રવાસ અંગે કોઈ નિવેદન આવ્યું નથી
આ બધું હોવા છતાં, BCCI દ્વારા ભારત પ્રવાસ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એક સૂત્રએ કહ્યું કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જાય તેવી શક્યતા ઓછી છે, પરંતુ આ મામલે અંતિમ નિર્ણય સરકાર લેશે. તેથી હાઇબ્રિડ મોડલ પર કામ કરવામાં આવી રહ્યું છે. ભારતીય ટીમે છેલ્લે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારપછી મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસ પર એશિયા કપ રમી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી, જ્યાં શ્રીલંકાના હાથે 100 રને હાર થઈ

Most Popular

To Top