ગાંધીનગર : વર્ષ 2015થી શરૂ થયેલા 2017 સુધીના વિવિધ સામાજિક આંદોલનમાંથી ઉભરી આવેલા ત્રણ યુવા નેતાઓ 2022 વિધાનસભા ચૂંટણીનાં મેદાનમાં છે. ભાજપમાંથી અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને કોંગ્રેસમાંથી જીજ્ઞેશ મેવાણી ચૂંટણી લડી રહ્યા છે. આવતીકાલે તા.5મી ડિસે.ના રોજ થનારા બીજા તબક્કાની 93 બેઠકો માટેના મતદાનની સાથે- સાથે આ ત્રણેય નેતાઓનું ભાવિ નક્કી ઘડાશે. આ ત્રણેય નેતાઓ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેનો રાજકીય ઇતિહાસ શું છે. સામાજિક સમીકરણો શું છે. સ્થાનિક લોકોના મુદ્દાઓ શું છે. આ ઉપરાંત, આ ત્રણેય યુવા નેતાઓને વિશે સ્થાનિક જનતા શું વિચારી રહી છે તે પણ મહત્વનું બની રહેશે. અલ્પેશ ઠાકોર ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. હાર્દિક પટેલ વિરમગામ અને જીજ્ઞેશ મેવાણી વડગામથી ચૂંટણી લડી રહ્યા છે. આ ત્રણેય નેતાઓને કોંગ્રેસે રાજકીય પ્લેટફોર્મ પુરુ પાડ્યુ પણ સમાયાંતરે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કહી ભાજપના સાથે જોડાયા. હવે ચૂંટણી મેદાનમાં છે. આ હાલના તબક્કે આ ત્રણેય નેતાઓની શું સ્થિતિ છે તે પણ રસપ્રદ છે.
અલ્પેશ ઠાકોર – અલ્પેશ ઠાકોરે 2017માં ઠાકોર સમાજ માટે આંદોલન શરૂ કર્યા. આંદોલનનો મુખ્ય મુદ્દો શિક્ષણ, રોજગાર અને વ્યસનમુક્તિ હતા. આ ત્રણ મુદ્દા સાથે અલ્પેશ ઠાકોરે સામાજિક પ્રસિદ્ધિ મેળવી અને સમાજને એક કરવામાં સફળ રહ્યાં. અલ્પેશ ઠાકોરે છૂટા છવાયા ઠાકોર સમાજને એક કરીને યુવાનોનું સંગઠન બનાવ્યું અને સમગ્ર ગુજરાતમાં રેલી તથા સભા થકી સમાજના વિકાસની વાતો લોકો સુધી પહોંચાડી વિશ્વાસ જીત્યો. અલ્પેશ ઠાકોરે વિસનગરથી પ્રથમ સભાની શરૂઆત કરી હતી. એટલે કે ઉત્તર ગુજરાતથી અલ્પેશ ઠાકોરની સામાજિક લડાઇની શરૂઆત થઇ હતી. 2017માં અલ્પેશ ઠાકોરે સામાજિક લડાઇને રાજકીય લડાઇમાં ફેરવી દીધી અને સમાજને રાજકીય નેતૃત્વ પુરુ પાડવા માટે કોંગ્રેસ પક્ષમાં જોડાયા. ઠાકોર સમાજના જ કેટલાંક નેતાઓએ અલ્પેશ ઠાકોર સામે બાંયો ચઢાવીને લડત શરૂ કરી.
2017ની ચૂંટણીમાં નજીકના ગણાતા લોકોને કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવી હતી
2017ની ચૂંટણીમાં કોંગ્રેસે અલ્પેશ ઠાકોર પર ભરોસો મુકીને તેમને અને તેમના આપસાપના યુવા નેતાઓને ટિકિટ ફાળવી હતી. જેમાં ઘવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોરનો પણ સમાવેશ થાય છે. 2017માં કોંગ્રેસ સત્તા મેળવી શક્યુ નહી એટલે સમીકરણો બદલાયા. અલ્પેશ ઠાકોરની મહેચ્છા લીલી પેનથી સહી કરવાની હતી એટલે કે મંત્રી બનવાની હતી. રાજ્ય સભાની ચૂંટણી સમયે અલ્પેશ ઠાકોર અને તેનો સાથી મિત્ર ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસના સભ્ય પદ પરથી રાજીનામુ આપ્યું હતું. તમામ પ્રકારના સમાધાન કરીને કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં જોડાયા હતા. હવે અલ્પેશ ઠાકોરની ભાજપમાં રાજકીય સફળ શરૂ થઇ. ભાજપની ટિકિટ પર રાધનપુર સીટ પરથી પેટા ચૂંટણી લડી પરંતુ તેમાં પરાજય થયો અને કોંગ્રેસના રઘુ દેસાઈનો વિજય થયો હતો. આ હાર પાછળ પણ પોતાના માણસોની નારાજગી સામે આવી હતી. હવે ફરી 2022 ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરની રાજકીય કેરિયર પરિણામ આધીન છે.
હાર્દિક પટેલ
સતત ચર્ચિત રાજકીય વ્યક્તિ એટલે હાર્દિક પટેલ. 2015મા રાજ્યમાં પાટીદાર સમાજની અનામત અને સામાજના મુદ્દાઓને લઇને મોટુ આદોલન થયું. આ આદોલનની શરૂઆત ઉત્તર ગુજરાતના વિસનગરથી થઇ હતી. આદોલની આગેવાની હાર્દિક પટેલ કરી રહ્યા હતા. આંદોલનની શરૂઆત વિસનગરના સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની કાર્યાલયમાં થયેલી તોડફોડથી થઇ હતી. જેની સમગ્ર ગુજરાતમાં આદોલનની અસર જોવા મળી હતી. અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર સમાજે વિવિધ મુદ્દાઓ લઇને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ આદોલનામાં પાટીદાર સમાજે પોતાના કેટલાંક સંતાનો પણ ગુમાવ્યા હતા. આદોલન દરમિયાન સરકારી પ્રોપર્ટીને થયેલા મુકસાન બદલ પાટીદાર યુવાન પર સરકારે કેસ પણ કર્યા છે. કોંગ્રેસમાં હાર્દિકને કાર્યકારી પ્રમુખનુ પદ આપવામાં આવ્યું. જો કે, થોડો સમય હાર્દિકે કોંગ્રેસમાં પોતાની ભૂમિકા ભજવી અને ત્યાર બાદ કોંગ્રેસને અલવિદા કહી દીધુ. જ્યારે ભાજપમાં હાર્દિક પટેલ જોડાયો ત્યારે ટીકાઓ થઇ.
2017માં હાર્દિકે કોંગ્રેસ તરફી કામ કર્યું
પાટીદાર ઓદાલનની અસર 2017ની વિધાનસભા ચૂંટણી પર જોવા મળતી હતી. કારણ કે ભાજપની પરંપરાગત મતદારો ભાજપથી નારજ થયા હતા. ભાજપે પાટીદારોની નારાજગી દૂર કરવા માટે સામાજિક આગેવાનો સાથે બેઠકો કરી અને સમજાવવાના પ્રયત્નો કર્યા. પાટીદાર આદોલનમાં હાર્દિક પટેલા સાથીદાર, રેશ્મા પટેલ, વરૂણ પટેલ, ચિરાગ પટેલ જેવા યુવા નેતાઓને ભાજપમાં સામેલ કર્યા હતા. પરંતુ હજી હાર્દિક પટેલ પર સૌની નજર હતી. હાર્દિક પટેલે 2017ની ચૂંટણીમાં રાજકીય પક્ષોથી દૂર રહીને કોંગ્રેસમાં તેમના સાથી મિત્રોને ટિકિટ આપાવી હતી. જેમાં 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલના મિત્રોની જીત પણ થઇ હતી.
જિજ્ઞેશ મેવાણી
2017ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં વિવિધ મુદ્દાઓને લઇને દલિત સમાજ દ્વારા આદોલન કરવામાં આવ્યા. જેમાં સૌથી મોટુ આદોલન પાટણમાં દલિત યુવાને કરેલા આત્મવિલોપનનુ હતું. ઘટના બાદ જીજ્ઞેશ મેવાણી દલિત નેતા તરીકે ઉભરી આવ્યા. આ પહેલા જીજ્ઞેશ મેવાણી દલિત સમાજના લોકોના જમીનના મુદ્દે લડતા હતા. વ્યવસાયે પત્રકાર અને ત્યાર બાદ વકિલાત કરવાનું શરૂ કર્યું. દલિત સમાજને થતા અન્યાયને લઇને તેઓ સતત સરકાર સામે લડત આપી હતી. જીજ્ઞેશ મેવાણી યુવાઓના મુદ્દાને લઇને લડત આપવાની શરૂઆત કરી. ગુજરાતમાં જીજ્ઞેશ મેવાણીએ દલિત યુવાનોને એક કરવાના પ્રયત્નો શરૂ કર્યા. દલિત સમાજના મુદ્દાને લઇને ભાજપના દલિત સમાજના મંત્રી અને નેતાઓને પણ ઘેરવાના પ્રયત્નો કર્યા હતા.
2017ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવીને વિજય મેળવ્યો હતો
2017ની વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર ઠાકોર અને દલિત સમાજના વિરોધ વચ્ચે જીજ્ઞેશ મેવાણીએ રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું. જીજ્ઞેશ મેવાણીએ 2017ની ચૂંટણીમાં વડગામ વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવારી નોધાવી. 2017ના પરીણામ આધારે જીજ્ઞેશ મેવાણી પર વડગામના મતદારોએ ભરોસો મુક્યો. જીજ્ઞેશ મેવાણીને 95497 મત મળ્યા હતા. 2022 ચૂંટણી પહેલા જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા. કોંગ્રેસે જીજ્ઞેશ મેવાણીને કાર્યકારી પ્રમુખ પદ આપી સામેલ કર્યા હતા. જીજ્ઞેશ મેવાણીના કોંગ્રેસમાં પ્રવેશથી દલિત વોટ બેંન્કનો કોંગ્રેસ તરફ ઝૂકાવ જોવા મળે તો નવાઇ નહી. અત્રે ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશ મેવાણી ગુજરાતમાં દલિત નેતા તરીકે ઉભરી આવ્યા છે અને તેઓ મોદીની પણ ખુલ્લેઆમ ટીકા કરે છે. જોકે આ ટીકા કરવામાં તેમની ધરપકડ કરીને આસામ લઈ જવાયા હતાં. તેમ છતાં તેઓ ગભરાયા ન હતાં. તેઓ ચૂંટણી હારી પણ જાય છતાં કોંગ્રેસમાં તેમનું સ્થાન એટલું જ મજબૂત રહેશે.