આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલમાં, રાષ્ટ્રપતિની આ ચૂંટણીમાં મહત્ત્વના ઉમેદવારો વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. અમેરિકાના રાજકારણમાં ડોનાલ્ડ ટ્રમ્પ જબરદસ્ત લડવૈયા સાબિત થયા છે. ૨૦૨૦માં તેઓ પ્રમુખપદની ચૂંટણી હારી ગયા તે પછી તેમની સામે સંખ્યાબંધ ફોજદારી કેસો ઠોકી દેવામાં આવ્યા હતા અને અમેરિકાની એક કોર્ટ દ્વારા તેમના પર પ્રમુખપદની ચૂંટણી લડવા માટે પ્રતિબંધ પણ ફરમાવી દેવામાં આવ્યો હતો. હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટે તે પ્રતિબંધ ઉઠાવી લીધો છે.
બીજી બાજુ રિપબ્લિકન પક્ષના ઉમેદવાર બનવાની સ્પર્ધામાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં નજીકના પ્રતિસ્પર્ધી નિક્કી હેલીથી આગળ નીકળી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ દરમિયાન ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધ ફાટી નીકળ્યું હતું. વર્ષ ૨૦૧૮માં અમેરિકાએ ૨૦૦ અબજ ડોલરથી વધુની ચીની પ્રોડક્ટ્સ પર ૧૦ ટકા વેરો લાદવાની જાહેરાત કરી હતી, જેના કારણે અમેરિકામાં અડધોઅડધ ચીની સામાન પ્રભાવિત થયો હતો. તેની સામે ચીને પણ ૬૦ અબજ ડોલરના અમેરિકન સામાન પર પાંચ ટકાના બદલે ૧૦ ટકા વેરો લાદ્યો હતો. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પે દલીલ કરી હતી કે ચીનને અમેરિકાથી ફાયદો થાય છે પરંતુ અમેરિકાને નુકસાન થાય છે.
જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રમુખ બનશે તો ચીન અને અમેરિકા વચ્ચે અણુયુદ્ધ ફાટી નીકળવાની સંભાવના પણ વધી જશે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને કરવામાં આવેલા એક સર્વેમાં મોટો દાવો કરવામાં આવ્યો છે અને તે એ છે કે જો આજે ચૂંટણી થશે તો આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જ જીતશે, કારણ કે લોકોનું સમર્થન તેમની સાથે છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અને સીએના કોલેજ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ૪૩ ટકા લોકોએ જો બિડેનને પોતાનું સમર્થન આપ્યું છે, જ્યારે ૪૮ ટકા લોકોએ ટ્રમ્પને સમર્થન આપ્યું છે, તો ૧૦ ટકા લોકોએ આ બંનેના નામ રિજેક્ટ કર્યાં છે.
આ સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે ચારમાંથી એક મતદાતાનું કહેવું છે કે જો બિડેનના નેતૃત્વમાં અમેરિકા સાચી દિશામાં જઈ રહ્યું છે, જ્યારે બમણાથી વધુ મતદારોનું કહેવું છે કે જો બિડેનની નીતિઓએ અમેરિકાને ઘણું પાછળ ધકેલી દીધું છે અને તેને અંગત રીતે પણ નુકસાન પહોંચાડ્યું છે. અમેરિકાના ૪૭ ટકા લોકોએ જો બિડેનને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા હતા. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૦માં ચૂંટણી યોજાઈ ત્યારે ટ્રમ્પને વોટ આપનારા મતદારો પૈકી ફરીથી ૯૭ ટકા મતદારોનું સમર્થન મળી રહ્યું છે, જ્યારે જો બિડેનની બાબતમાં તેમને વોટ આપનારા મતદારો પૈકી માત્ર ૮૩ ટકા મતદારોનું સમર્થન છે.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિશિગનમાં રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ પ્રાઇમરીમાં મોટા માર્જિનથી જીત મેળવી છે. તેમની જીત સાથે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે વ્હાઇટ હાઉસમાં તેમના નોમિનેશન માટેના પ્રબળ દાવેદાર બનશે. આ પ્રાથમિક ચૂંટણીમાં તેમની કટ્ટર હરીફ ભારતીય મૂળની નિક્કી હેલી બીજા ક્રમે આવી હતી. રિપબ્લિકન મતોના ૮ ટકાની ગણતરી સાથે, ટ્રમ્પને હેલીના ૩૨% સામે ૬૪% સમર્થન હતું. આ પરિણામો પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ આગામી ચૂંટણી ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચેની કઠિન સ્પર્ધા માટેની યુદ્ધભૂમિ તૈયાર થઈ રહી છે.
વર્ષ ૨૦૨૦માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બિડેને મિશિગનમાં ડોનાલ્ડ ટ્રમ્પને માત્ર ૨.૮ ટકા પોઈન્ટથી હરાવ્યા હતા. મિશિગનના આરબ અમેરિકન સમુદાયના ઘણા લોકોએ ૨૦૨૦માં જો બિડેનને ટેકો આપ્યો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે, કારણ કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધમાં અમેરિકા ઈઝરાયેલને સમર્થન આપી રહ્યું છે, જે આ સમુદાયને સ્વીકાર્ય નથી. આ વસ્તી જો બિડેનથી નારાજ છે, કારણ કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ ૩૦ હજાર પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.
સુપર ટ્યુસડેમાં બિડેન ઝુંબેશ માટે સૌથી ચિંતાજનક સ્થિતિ કેલિફોર્નિયાના એક્ઝિટ પોલ છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે અશ્વેત મતદારોમાં નિક્કી હેલીને ખરાબ રીતે હરાવ્યા છે. તે દર્શાવે છે કે ટ્રમ્પ અશ્વેત મતદારોમાં ખૂબ લોકપ્રિય થઈ ગયા છે, જે બિડેન માટે ખતરાની ઘંટડી છે, કારણ કે અત્યાર સુધી અશ્વેત મતદારો ડેમોક્રેટિક પાર્ટીને મત આપતા આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પને અશ્વેત મતદારોના ૭૨ ટકા વોટ મળ્યા હતા જ્યારે નિક્કી હેલીને માત્ર ૨૩ ટકા વોટ મળ્યા હતા. હિસ્પેનિક મતદારોને ડેમોક્રેટિક પાર્ટીના મતદારો ગણવામાં આવે છે. જાન્યુઆરીમાં રોઇટર્સ-ઇપ્સોસના સર્વેમાં હિસ્પેનિકોમાં ડોનાલ્ડ ટ્રમ્પ જો બિડેનથી માત્ર ૧૦ ટકા પોઈન્ટથી પાછળ હતા અને હવે સુપર ટ્યુઝડે હરીફાઈમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે ગળાકાપ હરીફાઈ દેખાઈ રહી છે. જો બિડેને ૨૦૨૦ની ચૂંટણીમાં હિસ્પેનિક મતદારોમાં ૨૦ ટકા પોઈન્ટથી ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા હતા.
જો બિડેને ડેમોક્રેટ પાર્ટીની પ્રાથમિક ચૂંટણીમાં જબરદસ્ત જીત નોંધાવી છે અને સુપર ટ્યૂસડેના યોજાયેલી પ્રાથમિક ચૂંટણીમાં એક રાજ્ય સિવાયનાં તમામ રાજ્યોમાં જીત મેળવી છે. જો બિડેનના વિરોધી ડોનાલ્ડ ટ્રમ્પ પણ રિપબ્લિકન પ્રાથમિક ચૂંટણીમાં મોટા ભાગનાં રાજ્યોમાં જીત્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ નિક્કી હેલી પર રાષ્ટ્રપતિપદની રેસમાંથી બહાર થવાનું દબાણ વધી ગયું છે. જો બિડેન સરહદો સિવાયનાં તમામ રાજ્યોમાં ડેમોક્રેટિક પ્રાથમિક ચૂંટણીમાં જીત્યા છે. જો બિડેનને પ્રાથમિક ચૂંટણીમાં ખાસ પડકારનો સામનો કરવો પડી રહ્યો નથી.
જો બિડન ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રમુખપદ માટેના મજબૂત દાવેદાર છે. જો બિડેનની વધતી ઉંમર વિશે ઘણી વાતો થઈ રહી છે, પરંતુ જે રીતે બિડેને પ્રાઈમરીઝ જીતી છે તે જોતા એવું લાગે છે કે ભાગ્યે જ કોઈ નેતા બિડેનનું સ્થાન લઈ શકશે. ડોનાલ્ડ ટ્રમ્પે સુપર ટ્યુઝેડેના યોજાયેલી ૧૫ રાજ્યની પ્રાથમિક ચૂંટણીઓમાંથી ૧૧ જીતી છે. નિક્કી હેલી માત્ર વર્મોન્ટમાં જ જીતી શકી છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કેલિફોર્નિયા, ટેક્સાસ, નોર્થ કેરોલિના, ટેનેસી, અલાબામા, વર્જિનિયા, ઓક્લાહોમા, અરકાનસાસ, મેસેચ્યુસેટ્સ, ઉટાહ, મિનેસોટા, કોલોરાડો અને મેઈનમાં જીત મેળવી છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર બનવા માટે ૧,૨૧૫ ડેલિગેટ્સનું સમર્થન જરૂરી છે. સુપર ટ્યુઝડેનાં પરિણામો પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પને ૨૪૪ ડેલિગેટ્સનું સમર્થન હતું, જ્યારે હેલીને ૪૩ પ્રતિનિધિઓનું સમર્થન હતું. હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સુપર ટ્યુઝડેની ચૂંટણીમાં લગભગ ક્લીન સ્વીપ કરી લીધું છે ત્યારે ટ્રમ્પ ચોક્કસપણે પ્રમુખપદની હોડ જીતવાની નજીક આવી ગયા છે. નિક્કી હેલીએ ગયા શનિવારે કોલંબિયામાં પ્રાથમિક ચૂંટણી જીતી હતી. પ્રાથમિક ચૂંટણી જીતનાર અમેરિકન ઇતિહાસમાં પ્રથમ રિપબ્લિકન મહિલા છે. તે પ્રાથમિક ચૂંટણી જીતનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા પણ છે. હવે તેને વર્મોન્ટમાં જીતથી થોડી રાહત મળી છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદની હોડ જીતવાની ખૂબ નજીક પહોંચી ગયા છે.
આ બાજુ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને કેપિટોલ હિલ રમખાણો માટે જવાબદાર ઠેરવવાના પ્રયાસોને નકારી કાઢ્યા હતા. અગાઉ એક કોર્ટે ટ્રમ્પને કોલોરાડોના રિપબ્લિકન પ્રાથમિક મતદાનમાંથી ગેરલાયક ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ સર્વસંમતિથી નીચલી અદાલતના ચુકાદાને ઉલટાવી દીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોએ દલીલ કરી હતી કે ૬ જાન્યુઆરીના રમખાણો બળવો ન હતા અને જો તે બળવો હોય તો પણ ડોનાલ્ડ ટ્રમ્પ તોફાનીઓમાં જોડાયા ન હતા. આ ચુકાદાથી ડોનાલ્ડ ટ્રમ્પનો ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જો ફરીથી અમેરિકાના પ્રમુખ બનશે તો ભારત માટે પણ તેઓ જોખમી બની રહેશે.