શાળાકીય અભ્યાસ બાદ ઉચ્ચ શિક્ષણ માટે કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને એક જ પરોક્ષ ડર સતાવે છે અને તે છે રેગિંગનો. રેગિંગનું દૂષણ દૂર થવું જરૂરી છે. જૂનિયર વિદ્યાર્થીઓની નબળાઈઓને ધ્યાને લઈ તેમની ક્ષમતા બહારના કાર્ય કરવા સિનીયર વિદ્યાર્થી તેમને ફરજ પાડે છે. આ કાર્ય કરવામાં અસમર્થ થનારની હાંસી ઉડાવવામાં આવે છે. નવી ઊર્જા, ઉત્સાહ અને તાજગી સાથે કોલેજમાં પ્રવેશ બાદ થયેલ આ પ્રકારનો કડવો અનુભવ જૂનિયર વિદ્યાર્થીના ભાવાવરણને હતાશા, નિરાશાની ગમગીનીમાં ગરકાવ કરી દે છે.
ક્યારેક તે ન ભરવાનું પગલું ભરી આત્મવિલોપન કરવા તૈયાર થઈ જાય છે. પરંતુ, રેગિંગના આ દૂષણને દૂર કરવા માટે જો તેના નકારાત્મક સ્વરૂપને પરિવર્તિત કરી તેને સર્જનાત્મક સ્વરૂપ આપવામાં આવે કે જે અંતર્ગત જૂનિયર વિદ્યાર્થીને સ્વયંની અંદર સુષુપ્ત અવસ્થામાં રહેલ કોઈ પણ કૌશલ્યને પ્રદર્શિત કરતી કોઈ પણ કૃતિ રજૂ કરવા અંગેની સ્વતંત્રતા આપવામાં આવે તો સમગ્ર રેગિંગની પ્રક્રિયા દૂષણ બની ન રહેતા વિદ્યાર્થીઓની કળા, કૌશલ્યનું આભૂષણ બની જાય! બની શકે કે કોઈક આભૂષણની ચમક આગળ જતાં સમગ્ર વિશ્વને પણ ચકિત કરે!
સુરત – દિપ્તી ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
તો સ્ટેટ્સ કે સ્ટોરી શું કામ મૂકવા જોઈએ?
હાલ સોશ્યલ મીડિયાના પ્રભાવનો સમય છે એ સર્વવિદિત છે. આપણે બધાં જ કોઈકને કોઈક રીતે વિવિધ પ્રકારના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાયેલા હોઈએ છીએ. આપણામાંથી ઘણાં લોકો વિવિધ સોશ્યલ મીડિયા પર સ્ટેટ્સ કે સ્ટોરી મૂકતા હોય છે. એ યોગ્ય છે કે અયોગ્ય છે એની ચર્ચા અહીં અસ્થાને છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં ખાસ કરીને કપલ્સ દ્વારા મૂકવામાં આવતા સ્ટેટ્સ/સ્ટોરી અંતર્ગત એવું જોવા મળ્યું છે કે સ્ત્રીનો ચહેરો જાહેર ન થાય એ માટે સ્ત્રીના ચહેરા પર ઇમોજી મૂકી દેવામાં આવે છે અને સ્ત્રીના ચહેરાને ઢાંકી દેવામાં આવે છે! એ જોઈને વિચાર આવે છે કે જો સ્ત્રીનાં ચહેરાને સંતાડવાનો જ હોય, એને જાહેર ન કરવો હોય, એનો દુરુપયોગ ન થાય એની કાળજી જ રાખવી હોય તો પછી સ્ટેટ્સ કે સ્ટોરી મૂકવા જ શું કામ જોઈએ?
નવસારી – ઇન્તેખાબ અનસારી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે