Comments

કોંગ્રેસે 2022માં ટકવું હશે તો…

કોંગ્રેસ 2022 માં વિધાનસભાની ચૂંટણીના આગામી દૌરની ધાંધલ ધમાલ વચ્ચે પણ ખાસ આશાસ્પદ ભાવિ વિના પ્રવેશે છે. જૂથવાદ અને સુકાની વગરના વહાણ જેવી સ્થિતિથી સર્જાતી સમસ્યા કોંગ્રેસનો પીછો છોડતી નથી અને પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાઓની ચૂંટણી માથે ઝળુંબી રહી છે. કોંગ્રેસમાં એક મોટી ઘટના એ બની છે કે પક્ષનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશમાં પક્ષ માટે એકલે હાથે ઝઝૂમી રહ્યાં છે અને ચૂંટણી જંગમાં પ્રચારકાર્ય કરી રહ્યા છે, પણ ‘લડકી હું, લડ શકતી હું’ સૂત્ર દ્વારા સ્ત્રી મતદારોને તે આવા પ્રભાવ હેઠળ લાવી શકશે કે કેમ તે જોવાનું રહે છે.

પ્રિયંકા વાડ્રાના પ્રયાસોથી આશા એટલા માટે બંધાય છે કે સ્ત્રીઓના સશકિતકરણની તેમની વાતે અસર જન્માવી છે અને ભારતીય જનતા પક્ષ અને સમાજવાદી પક્ષ જેવા પક્ષોએ પણ સ્ત્રીઓ સંબંધી મુદ્દાઓની ચર્ચા શરૂ કરી છે. નહીં તો પ્રિયંકાની ઝુંબેશના જવાબમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ત્રીઓની જંગી સભામાં સ્ત્રી કલ્યાણના પગલાંની જાહેરાત કરી તેનું બીજું કયું કારણ હોઇ શકે? કોંગ્રેસમાં બળવાની ગરમ હવા થોડી ઠંડી પડી છે અને ગુલામ નબી આઝાદની આગેવાની હેઠળના 23 બળવાખોર લગભગ શાંત પડી ગયા છે પણ તેનાથી પક્ષ પર ઝાઝી ગરમી નથી આવી અને જૂના જોગીઓ અને નવલોહિયા યુવાનો વચ્ચેની ટક્કરનો તખ્તો ટૂંક સમયમાં જયાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તે જમ્મુ કાશ્મીરમાં ખસેડાયો છે પણ જંગ તો હજી ચાલુ જ છે.

ફરક એટલો છે કે આઝાદ જેવા પીઢ નેતા પક્ષની બહાર ધકેલાઇ જશે તો કેવાં ગંભીર પરિણામ આવશે તેની પરવા કર્યા વગર અંધારામાં તીર છોડયે જ જાય છે. પાટલી બદલવાની પ્રવૃત્તિ પર કોઇ નિયંત્રણ લાવવાનો વ્યૂહ નથી અને ભારતીય જનતા પક્ષની શિકાર પ્રવૃત્તિ રોકવા માટે કોઇ વિચાર નથી. તો આ સંજોગોમાં પક્ષ પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં સારો દેખાવ કરશે તો ય શું? તેના ધારાસભ્યો હાટડી માંડીને બેસે અને ભારતીય જનતા પક્ષ જેવા ખરીદનાર હોય! પક્ષના પ્રમુખ હોય કે જૂના જોગીઓ સાથે મતભેદ હોય, કોંગ્રેસ અવિચારી રીતે ગાડી હાંકયા જ કરે છે.

પક્ષમાં સામસામા ગોળીબાર થયા કરે છે અને રાહુલ ગાંધી આ ગોળીબારની વચ્ચે અફરાતફરી કરી રહ્યા છે. જો કે તેને માટે તેને પોતાને જ દોષ દેવાનો છે. કોંગ્રેસ પ્રમુખની કામગીરી તેઓ કરી રહ્યા છે અને તેઓ પ્રમુખ બનવાની નેમથી કરી રહ્યા છે પણ તેને માટે કોઇ તૈયારી કે પ્રતિબધ્ધતા નહીં હોય તો 2022 માં પક્ષ શું ઉકાળવાનો? તેમના મનમાં કોઇ યોજના ચાલતી હોય અને તે જાહેર નહીં કરવા માંગતા હોય, પણ હાથ પર હાથ મૂકીને બેસી રહેલા દેખાવાથી કંઇ વળવાનું નથી. તેનાથી તો કાર્યકરોમાં હતાશા જ ફેલાવાની છે. કોંગ્રેસમાં અત્યારે હતાશાનું જ વાતાવરણ છે.

2022 ગાંધી અને તેના વ્યૂહરચનાકારો ચોક્કસ દિશામાં આગળ વધવાની તક આપે છે. 2021 માં પક્ષને સારી વાત એ થઇ કે તેની પાસે ભારતીય જનતા પક્ષને ટી.વી.ની ચર્ચામાં પછાડી શકે તેવા પ્રવકતાઓ મળ્યા છે. તેનાથી શું વળે? ભારતીય જનતા પક્ષના વિજયરથને રાજયોમાં રોકી શકાશે? સમાજવાદી પક્ષ, બહુજન સમાજ, તૃણમૂળ કોંગ્રેસ વગેરે પોતાના મનોરથોનો મહેલ બનાવે છે, જે કોંગ્રેસની નિષ્ક્રિયતાથી વધુ મજબૂત બની રહ્યા છે. 2024 ની લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. કોંગ્રેસને તેની હાલની ત્રિશંકુ અવસ્થામાંથી બહાર કાઢવાની પોતાની પાસે કોઇ યોજના છે કે નહીં અને પક્ષ માટે શું ભાવિ યોજના છે તે રાહુલે જાહેર કરવું જ પડશે. હાલની પરિસ્થિતિ ઝાઝો સમય ચાલુ નહીં રાખી શકાય, નહીં તો કોંગ્રેસ અને રાહુલનું રાજકીય ભાવિ ખતમ થઇ જશે.

2022 માં કોંગ્રેસે મુખ્ય વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા ભજવવા પણ સજ્જ થવું પડશે. વિપક્ષી એકતાની ધરી બની રહેવાના ખ્વાબથી કંઇ નહીં વળે. પક્ષે પોતાના પ્રમુખ અને સંગઠનના તંત્ર સહિતના તમામ ધર્મસંકટમાંથી બહાર આવવું પડશે. કોંગ્રેસ જ એક માત્ર રાષ્ટ્રવ્યાપી ઉપસ્થિતિ ધરાવતો પક્ષ છે તેમાં કોઇ શંકા નથી, પણ ચૂંટણીઓમાં એક પછી એક ધબડકા તેને નબળો પક્ષ બનાવે છે. તે પ્રવાહ અટકવો જોઇએ. 2022 ની પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પછી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી તેને પુનરોધ્ધારની તક આપે છે. પણ સૌથી મોટી અને તાકીદની ચિંતા જૂથવાદને ચૂંટણીઓના પ્રથમ દૌર પહેલાં ખતમ કરવાની છે નહીં તો પક્ષ માટે ‘રામ નામ સત્ય હૈ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top