ગુજરાત વિધાનસભામાં 150 થી વધુ ધારાસભ્યો ભાજપના છે. સંસદમાં ૨૬ સાંસદો ભાજપના છે. બન્ને જગ્યાએ ભાજપ સત્તામાં છે. દેશના શીર્ષસ્થાન પર બે ગુજરાતી બેઠા છે પણ ગુજરાતની હાઇકોર્ટમાં ગુજરાતી ભાષામાં કેસ લડી શકાતો નથી. ગૃહમંત્રીશ્રી પ્રવચનમાં બોલ્યા હતા કે એક દિવસ એવો આવશે કે માત્ર અંગ્રેજી જાણનારે શરમાવું પડશે પણ અત્યારે હાલત એ છે કે ગુજરાતીવાળા શરમમાં મુકાય છે.
૨૧ ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસની ઉજવણીનો દિવસ છે. આમ તો સાહિત્ય અને ભાષા બે અલગ બાબત છે અને માતૃભાષા દિવસની ઉજવણી પણ સાહિત્યના ગાન ગાવા માટે શરૂ નથી થઇ. બાંગ્લા દેશના સ્વતંત્ર થયા પછી બંગાલી ભાષા જાણતા બાંગલાનાં વિદ્યાર્થીઓએ ઢાકા યુનિવર્સિટીમાં મને મારી ભાષામાં શિક્ષણ મળવું જોઈએ તેવી માંગ કરી તે મમતે આંદોલન કર્યું અને સરકારની ગોળી ખાધી. માતૃભાષામાં શિક્ષણની માંગ માટે મોતને ભેટવાનો આ પ્રથમ કિસ્સો હતો.
યુનેસ્કોએ આ ઘટનાને યાદ રાખીને ૧૯૯૯ થી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી શરૂ કરી જેનો મૂળ આશય નાગરિક અધિકારો વ્યવહારોમાં માતૃભાષાનું મહત્ત્વ અને ઉપયોગ વધે. એટલે કે ફટાકડાના, દૂધના પેકેટથી માંડીને યુનિવર્સિટી અને ન્યાયાલયોમાં માતૃભાષાનો સ્વીકાર થાય. આજે તો માતૃભાષા દિવસની ઉજવણીમાં સાહિત્યકારો ચડી બેઠા છે અને સાહિત્ય સ્વરૂપ ભાષાની મીઠાશ અને અમે સારા તમે સારાના વાડકી વ્યવહારમાં લાગ્યા છે.
ગુજરાત સરકારે પરિપત્ર કર્યો છે કે દરેક જાહેર જગ્યાએ ગુજરાતીમાં સૂચના લખવી ફરજીયાત છે પણ મલ્ટીપ્લેક્ષથી માંડીને બેન્કોમાં બધે આજે પણ પાટિયાં અંગ્રેજીમાં હોય છે. ગુજરાત હાઈકોર્ટે તો હમણાં જ બે કેસમાં સ્પષ્ટ ના પાડી કે ગુજરાતી નહિ ચાલે. હવે તો ગરબામાં પણ ગુજરાતી ગીતોનું સ્થાન હિન્દી ગીતો લેવા લાગ્યાં છે. અમુલ આમ તો વિશ્વ કક્ષાએ પહોંચ્યું છે પણ તેની દૂધની થેલી પર અગત્યની સૂચનાઓ અંગ્રેજીમાં હોય છે. કારણ અંગ્રેજી અધિકારીઓની ભાષા છે. ગુલામી ગઈ નથી.
શું યુનિવર્સિટી કે હાઈકોર્ટમાં માતૃભાષા ના ચાલે? ચાલે, પણ આ માટે દેશની સંસદમાં આપણા સંસદ સભ્યોએ દેશની માતૃભાષાઓ માટે નિસ્બતપૂર્વક ચર્ચા કરવી પડે. આમ તો વહીવટનું વિકેન્દ્રીકરણ કરવા માટે એક જ કાયદો પસાર થાય કે દેશમાં દરેક રાજ્યની રાજ્યભાષા એટલે કે જે તે રાજ્યની માતૃભાષામાં શિક્ષણ, ન્યાય અને ગ્રાહક અધિકારની વાત માતૃભાષામાં થશે તો કોઈ પ્રશ્ન જ ના રહે. જો આપણે કાશ્મીરમાં ૩૭૦ કલમ દૂર કરી શકતાં હોઈએ, અનેક બંધારણીય સુધારા કરી શકતાં હોઈએ તો રાજ્યોની હાઈ કોર્ટમાં માતૃભાષાનો વિકલ્પ પણ મળશે તે નક્કી કરી જ શકીએ પણ આપણા નેતાઓને આવી નિસ્બત હોય તેવું દેખાતું નથી.
યાદ રાખો, માતૃભાષા એ રોજિંદા જીવન વ્યવહારની ભાષા છે. રીક્ષાવાળો, શાકવાળો, દૂધવાળો, લુહાર, સુથાર બધાં બોલે છે તે આ ભાષા છે. તે માત્ર પંડિતોની ભાષા નથી. સાહિત્યકારો ભાષા નથી જીવાડતાં. હા, કેટલાક સાહિત્યકારો, વક્તાઓ, ગાયકોનાં ઘર ભાષાના કારણે ચાલે છે. ભાષાને ખોળે માથું મૂકનાર નર્મદ કે કોશિયો સમજે તેવી સરળ ભાષા લખનારા મહત્મા ગાંધી ખરા ભાષાપ્રેમી હતા. નરસિંહ મહેતા માત્ર કૃષ્ણ ભક્તિના કવિ નથી. એ તો સામાજિક ક્રાંતિ અને જનસામાન્ય સુધી ગુજરાતીને પહોંચાડનારો કવિ છે.
પ્રેમાનંદ થકી ગુજરાતમાં ઘરે ઘરે ગુજરાતી ગવાતી થઇ છે અને દેશવિદેશમાં વસતાં કરોડો ગુજરાતીઓની ભાષા ભૂખ ગોતી લો ગીતના દસ કરોડ વ્યૂ અપાવે છે. માતૃભાષાને આજે તો વિક્રમ ઠાકોર અને જીગ્નેશ કવિ રાજ જીવાડે છે. ગુજરાતને મણિરાજ બારોટ ‘સનેડો’ ફરી યાદ અપાવે છે. ૨૧ ફેબ્રુઆરી ગુજરાતી યુવાનોમાં બાંગલાદેશી યુવાનોમાં જાગેલા આત્મસન્માન અને મારું શિક્ષણ મારી ભાષામાં મારો ન્યાય મારી ભાષામાં જેવા ઝનૂન જગાડે અને વેવલી વેવલી વાતોમાં ઉજવણીનો કર્મકાંડ ના થઇ જાય તે શુભેચ્છા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.