Comments

ચીનની અર્થવ્યવસ્થા થોડી જલદી ડૂબે તો ભારતની અર્થવ્યવસ્થા એમાં પાછળ તો નહીં જ હોય

ચીનની અર્થવ્યવસ્થા ઝોલે ચઢી છે. તેને કારણે સપ્ટેમ્બર, ૨૦૨૪માં ચીનની સરકારે બૉન્ડ વેચી નાણાં ઊભાં કરવાનો નિર્ણય લીધો. હેતુ તો સારો હતો પણ છેલ્લા બે મહિનામાં વિદેશી રોકાણકારોએ ધડાધડ પોતાનું રોકાણ આ બૉન્ડમાંથી પાછું ખેંચવા માંડ્યું. આમાં ચીન માટે બાવાના બેય બગડ્યા એવો ઘાટ થયો. આ વાત કેટલી સાચી છે એનો ખ્યાલ આવી શકે તે માટે થોડી સ્પષ્ટતા જરૂરી છે. રોકાણકારોએ ૧૩૦ અબજ ડૉલર કરતાં વધારે રોકાણ નવેમ્બર, ૨૦૨૩ અને ઑગસ્ટ ૨૦૨૪ વચ્ચે ટ્રેડિંગ વ્યૂહરચનાના ભાગરૂપે કર્યું. આ રોકાણ એક એવી વ્યવસ્થા ઊભી કરવા માટે હતું જે મુજબ રોકાણકારો ચીનની સંસ્થાઓને ડૉલ૨માં નાણાં ધીરતાં હતાં અને તેમાંથી ચીનની ડિઝિટલ કરન્સી રેન્મિન્બી (Rmb)માં જે રકમ પ્રાપ્ત થાય તેનો ઉપયોગ ચાઇનીઝ બૉન્ડ્સ ખરીદવા માટે કરતા હતા.

અમેરિકાના ટ્રેઝરી બૉન્ડમાં આ લોકો રોકાણ કરે એની સરખામણીમાં ૬ ટકા જેટલું વધુ વળતર આ વ્યવસ્થા થકી એમને મળતું હતું. પણ ચીને પોતાની અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ આપવા માટે જે જંગી સ્ટીમ્યુલસ પેકેજ સપ્ટેમ્બર, ૨૦૨૪માં જાહેર કર્યું તેણે ચીની સરકારના બૉન્ડ્ઝમાં મોટી વેચવાલ ઊભી કરવાનું કામ કર્યું. વિદેશી રોકાણકારોએ ૩૮ અબજ ડૉલર જેટલું રોકાણ સપ્ટેમ્બર-ઓક્ટોબર, ૨૦૨૪ દરમિયાન મહદ્ અંશે સરકારી બૉન્ડઝમાંથી પાછું ખેંચ્યું.

નોમુરાના મત મુજબ આ એનસીબીનો સૌથી મોટો માસિક આઉટફ્લો હતો. ઑક્ટોબર-નવેમ્બર, ૨૦૨૪ દરમિયાન ચાઇનીઝ બૉન્ડઝ એનસીબીમાં આ પ્રકારનો સતત ઘટાડો ચાલુ રહ્યો. આનો અર્થ એ થાય કે, પહેલાં Rmb-યુઆન અને અમેરિકન ડૉલર વચ્ચેના આંતરચલણ બદલાના દર જે એનસીબી માટે આકર્ષક હતા તે હવે રહ્યા નથી. આ વ્યાપારમાંથી છેલ્લા મહિનાઓમાં વળતર સતત ઘટતું ગયું છે. સપ્ટેમ્બર-૨૦૨૪માં ચીનના દસ વર્ષીય ગવર્નમેન્ટ બૉન્ડ્સનું વળતર ૨.૭ ટકાથી ઘટીને લગભગ ૨ ટકા જેટલું થઈ જવા પામ્યું હતું.

બૉન્ડ્ઝની કિંમતમાં વધારે પડતી તરલતા ઑગસ્ટ, ૨૦૨૪થી સેન્ટ્રલ બૅન્ક ઑફ ચાઇનાની દરમિયાનગીરીને કારણે ઊભી થઈ છે અને ચીનના નાણાં મંત્રાલય દ્વારા વધારાના બૉન્ડ ઇસ્યૂ કરાવાના કારણે પણ બૉન્ડમાં આકર્ષણ ઘટ્યું છે. દરમિયાનમાં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રમુખપદ માટેની સ્પર્ધામાં જીત અમેરિકન ટ્રેઝરી બૉન્ડના વળતરના રોકાણને ઓછું આકર્ષક બનાવે એવી શક્યતા નહીં હોવાથી ચાઇનીઝ બૉન્ડની સરખામણીમાં એ રોકાણ પ્રમાણમાં વધુ આકર્ષક બન્યું છે. આ બધાને પરિણામે ચાઇનીઝ બૉન્ડ્ઝમાં રોકાણની લાંબા ગાળાની માંગ પણ પ્રમાણમાં હળવી રહેશે.

કારણ કે Rmb જેમ જેમ ડૉલ૨ મજબૂત બનશે તેમ નબળું પડશે. આ ઉપરાંત ચીનની આયાતો ઉપર અમેરિકન ટેરિફમાં અપેક્ષિત મોટો વધારો પણ ચીન માટે એક નકારાત્મક પરિબળ હશે. આની સરખામણીમાં જેમને જોખમ લેવું છે એવા ચીનના રોકાણકારો ચીનના શૅરબજારમાં વધુ રોકાણ કરવા પ્રેરાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. ચીનના બૉન્ડમાંથી પાછું ખેંચાતું જતું વિદેશી રોકાણ, Rmbનું ડૉલર મજબૂત બનવાને કારણે નબળા પડવું અને ચીનની અમેરિકામાં થતી નિકાસ ૫૨ તોળાઈ રહેલો ટેરિફમાં જંગી વધારો – આ બધાં ચીનના બૉન્ડમાં રોકાણ માટેના નકારાત્મક પરિબળો છે અને એ સંયોગોમાં ચીનની અર્થવ્યવસ્થા ટૂંકા ગાળાના ભવિષ્યમાં સુધરે એવી શક્યતાઓ દેખાતી નથી.

ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા એને કારણે તાત્કાલિક તો ચીનની નિકાસને અને એની અર્થવ્યવસ્થાને ફટકો પડશે. ભારતે આમાં કાંઈ રાજી થવા જેવું નથી. કારણ કે, ડૉલરની સામે રૂપિયો ગગડતો જ જવાનો છે અને આમેય વિશ્વવેપારમાં પોણા બે ટકાનો ફાળો ધરાવતું ભારત કશું ઉકાળે એવું દેખાતું નથી. જે રીતે ચાલ્યું તો આવનાર પાંચ વર્ષ ભારત માટે બેરોજગારી અને મંદીનાં હશે. પણ જે દેશની પ્રજા, તેની સરકાર પોતાના જ પૈસે ખેરાત કરે એમાં રાજી થતી હોય એ પ્રજાને આનાથી વધારે સારું કશું મળી શકે નહીં. ભારતીય અર્થવ્યવસ્થાનાં આવતાં પાંચ વર્ષ અગ્નિપરીક્ષાનાં હશે એમાં કોઈ શંકા દેખાતી નથી.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top