નડિયાદ: ખેડા જિલ્લામાં હાલ લગ્નસરાંની સિઝન ચાલું થઈ ગઈ છે. આવનાર અખાત્રીજના દિવસે ઠેર-ઠેર લગ્નો યોજાશે. જે દરમિયાન બાળલગ્ન થતું અટકાવવા માટે તંત્ર સક્રિય બન્યું છે. આ માટે તંત્ર દ્વારા સંપર્ક નંબરો પણ જાહેર કરવામાં આવ્યાં છે. જે નંબર પર સંપર્ક કરવાથી તંત્રની ટીમ સ્થળ પર પહોંચી બાળલગ્ન થતું અટકાવશે અને બાળલગ્ન કરનાર તેમજ કરાવનાર સામે પગલાં ભરાશે. લગ્ન માટે સરકાર દ્વારા વયમર્યાદા નક્કી કરી છે. આ વયર્યાદા કરતાં ઓછી ઉંમરના એટલે કે 18 વર્ષથી નીચેની યુવતિ અને 21 વર્ષથી નીચેનો યુવક જો લગ્ન કરે તો તેને બાળલગ્ન ગણવામાં આવે છે. 18 વર્ષથી નીચેની યુવતી અને 21 વર્ષથી નીચેના યુવકના લગ્ન કરવા, કરાવવા, કે લગ્ન કરનારને મદદગારી કરવી એ બાળ લગ્ન પ્રતિબંઘક અઘિનિયમ 2006 મુજબ ફોજદારી ગુનો બને છે.
જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યાના માતા-પિતા, વર અને કન્યામાંથી જે પુખ્ત વયનું હોય તે, ગોર મહારાજ, મંડ૫વાળા, ડી.જે વાળા તેમજ લગ્નમાં સહભાગી થનાર તમામ લોકો સામે ફોજદારી ગુનો બને છે. આ કાયદાનો ભંગ કરવા બદલ એક લાખ રૂપિયા સુઘીનો દંડ અને 2 વર્ષની સખત કેદની સજાની જોગવાઇ છે. જો આવા લગ્ન થતા હોય અને લગ્ન થતા ૫હેલા જાણ કરવામાં આવે તો આવા લગ્ન અટકાવવામાં આવે છે અને જો લગ્ન થઇ ગયા હોય તો તેઓની સામે જરૂરી તપાસ કરી ફરીયાદ દાખલ કરવામાં આવે છે. જેથી સમાજના કોઇ ૫ણ વ્યકિતએ આ પ્રકારના લગ્ન કરવા કે કરાવવા નહીં. હાલમાં લગ્નની સીઝન ચાલુ થયેલ હોય અને અખાત્રીજે વણમાગ્યુ મુહુર્ત હોય, ઘણા બઘા સમાજમાં સમુહ લગ્નના આયોજન થઇ રહયા છે ત્યારે સમુહ લગ્નના આયોજકોએ સમુહ લગ્નમાં જોડાનાર દરેક વરઘોડીયાના જન્મ તારીખના દાખલાની ચકાસણી કરી અને કાયદા મુજબ પાત્રતા ઘરાવતા હોય તેવા છોકરા- છોકરીઓના જ લગ્ન કરાવવા અપીલ કરી છે.
તંત્ર દ્વારા સંપર્ક નંબર જાહેર કરાયાં
કોઇ જગ્યાએ બાળલગ્ન થતાં હોવાનું ધ્યાને આવે તો નજીકના પોલીસ સ્ટેશન (100), ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, મહિલા અભયમ 181 ઉ૫ર જાણ કરવી. તેમજ બાળલગ્ન પ્રતિબંઘક અઘિકારી સહ સમાજ સુરક્ષા અઘિકારી, એલ. જી. ભરવાડ મો.નં.97241 42503, સરનામુ : રૂમ નં.13, બ્લોક-સી, સરદાર ૫ટેલ ભવન, નડિયાદ, જિ.ખેડા ફોન નંબર : 0268-2550640, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એમ.આર. ૫ટેલ, મો.નં.94268 68027, કાનૂની સહ પ્રોબેશન અધિકરી કિર્તીબેન પી. જોષી, મો.નં.8849306942, સુરક્ષા અધિકારી – બિન સંસ્થાકીય અધિકારી કૃણાલ એ. વાઘેલા, મો.નં.9484450668 જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, રૂમ નં.20, બ્લોક-સી, સરદાર પટેલ ભવન, મીલ રોડ, નડિયાદ, ફોન નં.0268- 2563077 ઉ૫ર જાણ કરવી. બાળલગ્નની જાણ કરનારની ઓળખ રખાશે.