Columns

જો બિડેનનો ખતરનાક નિર્ણય ત્રીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ કરી શકે છે

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતાની સાથે યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ રોકી દેવાનું વચન આપ્યું હતું; પણ હાલના રાષ્ટ્રપતિ જો બાઈડન યુદ્ધને વધુ વકરાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. જો બાઈડને યુક્રેનને યુદ્ધમાં લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી. અમેરિકા પોતે આ મિસાઈલો યુક્રેનને મોકલતું રહ્યું છે. આ પગલાં બાદ આ મામલે રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. રશિયન સેનેટર વ્લાદિમીર ઝાબ્રોવે તેને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફનું પગલું ગણાવ્યું હતું.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે જો આવો નિર્ણય લેવામાં આવે તો તેનો અર્થ એ થશે કે તણાવનું એક નવું ચક્ર શરૂ થશે અને આ વિવાદમાં અમેરિકાના પ્રવેશથી ગંભીર પરિસ્થિતિ સર્જાશે. તાજેતરમાં રશિયાએ ઉત્તર કોરિયાના સૈનિકોને યુદ્ધ ક્ષેત્રમાં તૈનાત કર્યા છે. તેઓ રશિયન સૈનિકોની સાથે યુક્રેન પર હુમલો કરી શકે છે. સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ પુતિને ચેતવણી આપી હતી કે જો આવું થવા દેવામાં આવશે તો મોસ્કો સમગ્ર ઘટનાને યુક્રેન સાથે રશિયાના ચાલી રહેલા યુદ્ધમાં નાટો દેશોની સીધી સંડોવણી તરીકે જોશે. તેમણે કહ્યું હતું કે આનો અર્થ એ થશે કે નાટો દેશો રશિયા સામે લડી રહ્યા છે. આ જ મહિનામાં રશિયાએ દેશના પરમાણુ કાયદામાં સુધારાની જાહેરાત કરી હતી.

ગત જૂનમાં યોજાયેલી બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પૂછવામાં આવ્યું કે જો યુક્રેનને યુરોપ દ્વારા મોકલવામાં આવેલા શસ્ત્રોથી રશિયન પ્રદેશોને નિશાન બનાવવાની તક આપવામાં આવે તો રશિયાની પ્રતિક્રિયા શું હશે? આ સવાલના જવાબમાં રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે સૌથી પહેલાં અમે અમારી એર ડિફેન્સ સિસ્ટમમાં સુધારો કરીશું. અમે તેમની મિસાઈલોનો નાશ કરીશું. તેમણે કહ્યું હતું કે જો કોઈ તેમને આપણા ક્ષેત્રોને નિશાન બનાવવા માટેનાં હથિયારો આપે છે, તો અમે વિશ્વના એવા દેશોને પણ હથિયાર આપી શકીએ છીએ, જે તેમનાં સંવેદનશીલ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો મોસ્કો એવા દેશોને શસ્ત્રો મોકલવાનું પણ વિચારી રહ્યું છે જેઓ યુરોપિયન દેશો ઉપર રશિયન શસ્ત્રો વડે હુમલો કરી શકે છે.

બેલારુસના નેતા એલેક્ઝાંડર લુકાશેન્કોએ તાજેતરમાં કહ્યું હતું કે ક્રેમલિન આ દિશામાં વિચારી રહ્યું છે. લુકાશેન્કોને પુતિનની નજીક માનવામાં આવે છે. તેમણે કહ્યું કે તેઓ પશ્ચિમી અધિકારીઓ સાથે આ બાબતે મળ્યા અને ચર્ચા કરી હતી. મેં તેમને ચેતવણી આપી હતી કે મિત્રો, લાંબા અંતરની મિસાઇલો વિશે સાવચેત રહો. યેમેનના હુથી બળવાખોરો પુતિન પાસે આવી શકે છે અને દરિયાકાંઠાના મિસાઈલની માંગણી કરી શકે છે, જે જહાજો પર વિનાશક હુમલા કરી શકે છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને શસ્ત્રો મોકલવાના તમારાં પગલાંના બદલામાં જો રશિયા પણ હુથી બળવાખોરોને બેસ્ટિયન મિસાઇલ સિસ્ટમ મોકલશે તો તમારું શું થશે? જો કોઈ બ્રિટિશ કે અમેરિકન એરક્રાફ્ટને આવી મિસાઈલ દ્વારા નિશાન બનાવવામાં આવે તો શું થશે? અમેરિકાએ અગાઉ આવા હુમલાઓને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેને આશંકા હતી કે તે રશિયા-અમેરિકા યુદ્ધમાં પરિણમશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા સોંપવાના બે મહિના પહેલા આ મુખ્ય નીતિમાં ફેરફાર કર્યો છે. યુક્રેન એક વર્ષથી વધુ સમયથી યુક્રેનની અંદર રશિયન અધિકૃત લક્ષ્યો પર આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ (ATACMS) નો ઉપયોગ કરી રહ્યું છે.

યુક્રેને ક્રિમિઅન દ્વીપકલ્પના હવાઈ મથકો અને ઝાપોરિઝિયામાં રશિયન લશ્કરી મથકો પર હુમલો કરવા માટે ATACMS નો ઉપયોગ કર્યો છે, પરંતુ અમેરિકાએ હજુ સુધી યુક્રેનને રશિયાની અંદર લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી. લોકહીડ માર્ટિન બેલેસ્ટિક મિસાઇલો યુક્રેનને પુરી પાડવામાં આવેલ સૌથી શક્તિશાળી મિસાઇલોમાંની એક છે, જે ૩૦૦ કિમીની રેન્જમાં પ્રહાર કરવામાં સક્ષમ છે. યુક્રેને દલીલ કરી હતી કે રશિયાની અંદર આવાં હથિયારોના ઉપયોગને મંજૂરી ન આપવી એ તમારી પીઠ પાછળ એક હાથ બાંધીને તમને લડવા માટે કહેવા સમાન છે.

આ નવી મંજૂરી સાથે, યુક્રેન હવે સંભવિતપણે રશિયન સરહદની અંદર કુર્સ્ક ક્ષેત્રની આસપાસ સ્થિત લક્ષ્યો પર હુમલો કરી શકશે. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે યુક્રેન હવે આ મિસાઇલોનો ઉપયોગ રશિયન અને ઉત્તર કોરિયાના સૈનિકોના જવાબી હુમલાઓ સામે રક્ષણ કરવા માટે કરી શકશે. કુર્સ્કના રશિયન વિસ્તારને ફરીથી કબજે કરવાના હેતુથી આ હુમલો થોડા દિવસોમાં શરૂ થઈ શકે છે. યુક્રેનિયન દળો કુર્સ્કમાં સૈનિકો, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દારૂગોળાના સ્ટોર્સ સહિત રશિયન લક્ષ્યો પર હુમલો કરી શકશે. જો કે, આ સુપરસોનિક મિસાઇલો યુદ્ધની પરિસ્થિતિને બદલવા માટે પૂરતાં નહીં હોય. આવા નિર્ણયની અપેક્ષા રાખીને રશિયાએ તેની તૈયારીઓ કરી લીધી છે અને તેના એરપોર્ટ પર લશ્કરી સાધનો પહોંચાડી દીધાં છે.

રશિયા અને યુક્રેન વચ્ચે વધતા સંઘર્ષના ડરથી બાઈડન વહીવટીતંત્રે મહિનાઓ સુધી યુક્રેનને લાંબા અંતરની મિસાઇલો સાથે રશિયા પર હુમલો કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયા પર હુમલો કરવા માટે પશ્ચિમી હથિયારોના ઉપયોગને મંજૂરી આપવા સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે રશિયા આને યુક્રેનના યુદ્ધમાં નાટો દેશોની સીધી સંડોવણી તરીકે જોશે. આનાથી સંઘર્ષનો સાર અને સ્વરૂપ બદલાઈ જશે. આનો અર્થ એ થશે કે નાટો દેશો, અમેરિકા અને યુરોપિયન દેશો રશિયા સામે લડી રહ્યા છે. આ પહેલા પણ રશિયાએ કેટલીક યુદ્ધ સંબંધિત સીમાઓ નક્કી કરી છે.

જોકે રશિયા અને નાટો વચ્ચે સીધું યુદ્ધ શરૂ કર્યા વિના યુક્રેનને આધુનિક યુદ્ધ ટેન્કો અને ફાઈટર એરક્રાફ્ટ આપવા સહિત અન્ય કેટલાક કિસ્સાઓમાં આ લાલ રેખા ઓળંગવામાં આવી છે. નાટોમાં ભૂતપૂર્વ અમેરિકન એમ્બેસેડર કર્ટ વોલ્કરે જણાવ્યું હતું કે યુક્રેન દ્વારા અમેરિકન શસ્ત્રોના ઉપયોગને મર્યાદિત કરીને અમેરિકા અયોગ્ય રીતે યુક્રેનના સ્વબચાવ પર એકપક્ષીય નિયંત્રણો લાદી રહ્યું છે. તેમણે કહ્યું કે ATACMSના ઉપયોગને મર્યાદિત કરવાનો નિર્ણય સંપૂર્ણપણે મનસ્વી હતો અને રશિયાને ઉશ્કેરણી કરવાના ડરથી લેવામાં આવ્યો હતો. જોકે, આવા ફેરફારને સાર્વજનિક બનાવવો એ ભૂલ હશે, કારણ કે તે રશિયાને સંભવિત યુક્રેનિયન હુમલાઓની આગોતરી સૂચના આપશે.

આ બાબતમાં એક મુદ્દો એ છે કે જો બાઈડન એવા પ્રમુખ છે, જેમનો કાર્યકાળ હવે સમાપ્ત થઈ રહ્યો છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા સોંપતા પહેલા તેમના કાર્યકાળમાં માત્ર બે મહિના બાકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ નીતિ ચાલુ રાખશે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ તેમના કેટલાક નજીકના સહયોગીઓએ બાઈડનના નિર્ણયની ટીકા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ટ્વિટર પર લખ્યું કે એવું લાગે છે કે મારા પિતાને શાંતિ સ્થાપવાનો મોકો મળે તે પહેલાં અમેરિકાનું આર્મી અને ડિફેન્સ ડિપાર્ટમેન્ટ ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરવા માંગે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનમાં યુદ્ધ અંગેની તેમની નીતિ વિશે હાલમાં કશું કહ્યું નથી. તેમણે આ સંઘર્ષને એક દિવસમાં ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. જોકે તેમણે જણાવ્યું નથી કે તેઓ આ કેવી રીતે કરશે. હાલમાં એ સ્પષ્ટ નથી કે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ દિશામાં જશે, પરંતુ યુક્રેનમાં ઘણાને ડર છે કે તેઓ ATACMS માટે દારૂગોળા સહિત શસ્ત્રોનો પુરવઠો કાપી નાખશે. ગમે તે હોય; યુક્રેન યુદ્ધ બાબતમાં જો બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ બાબતમાં આસમાન-જમીન વચ્ચેનું અંતર છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળે તે પહેલાં જો બાઈડન અમેરિકાને યુદ્ધમાં હોમવા તૈયાર થઈ જાય તો અમેરિકાની પ્રજા તે ચલાવી લેશે ખરી?આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top