મહેસાણા: આજકાલ વિદેશ અભ્યાસ (Education) માટે જવાની ઈચ્છા સૌ કોઈની હોય છે. તેમજ વિદેશ જવા માટે આપવામાં આવતી IELTSની પરીક્ષા (Exam) માટે પણ વિદ્યાર્થીઓ (Student) મહેનત કરતા હોય છે. મળતી માહિતી મુજબ મહેસાણા એટલેકે ઉત્તરગુજરાતમાં વિદેશ જવા માટેની ઉત્સુકતા વધુ જોવા મળી છે. મળતી માહિતી મુજબ મહેસાણામાં વિદેશ ભણવા જવા માટેના IELTS પેપરની ખુલ્લેઆમ લૂંટ (Robbery) કરવામાં આવી હતી. મહેસાણામાં ગુરુવારની રાત્રિએ ગાડીમાં કેટલાક ઈસમોએ કુરિયરની ઓફિસમાં તોડફોડ કરી પેપરની ત્રણ બેગ લૂંટી ફરાર થઈ ગયા હતાં. આ અંગે ત્યાંના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આ અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
મહેસાણા શહેરમાં માલગોડાઉન રોડ ઉપર સરદાર પટેલ સંકુલ કોમ્પ્લેક્સમાં આવેલી બ્લૂ ડાર્ટ કુરિયર નામની ઓફિસમાં ગઈ કાલે રાત્રિના 9 વાગ્યે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન એક સફેદ સ્કોર્પિયો કારમાં ચાર જેટલા ઈસમ ઓફિસ આગળ આવી ઊભા રહ્યી હથિયાર લઈ સીધા ઓફિસમાં ઘૂસી કર્મચારીઓને માર માર્યો હતો, જેમાં ઓફિસમાં મૂકેલા કોમ્પ્યુટર, ટીવી સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી હતી. તોડફોડ પછી બે ઈસમો ઓફિસમાં જ્યાં કુરિયર મૂકવામાં આવે છે તે જગ્યાએ જઈ IELTSનાં 3 પેપર બેગ ઉઠાવી લીઘી હતી. કર્મચારીઓએ આ ઈસમોને રોકવાના પૂરતા પ્રયાસો કર્યા હતાં પરંતુ ઈસમોએ તેઓને માર મારી ઘાયલ કર્યા હતા. સમગ્ર મામલે ગાડીમાં લૂંટ કરવા આવેલા આ ચાર ઈસમો 25થી 30ની ઉંમરના હોવાનું સામે આવ્યું છે આ સાથે તેઓ લૂંટ કરી અને ત્યાર પછી ફરાર થઈ ગયાની પણ જાણ થઈ છે.
આ મામલાની જાણ મહેસાણા બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. પોલીસે હાલમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસની 3 ટીમ આરોપીઓને શોધવા કામે લાગી છે તેમજ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને મહેસાણા બી ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન કર્યાં છે.