National

પુલવામા હુમલાની બીજી વરસીએ જમ્મુમાં મોટું ત્રાસવાદી કાવતરું નિષ્ફળ: આઇઇડી વિસ્ફોટક, શસ્ત્રો પકડાયા

પુલવામા હુમલાની બીજી વરસીએ આજે જમ્મુ અને કાશ્મીરના જમ્મુ શહેરમાંથી આજે એક શક્તિશાળી આઇઇડી મળી આવ્યું હતું અને આ સંદર્ભમાં ચારને અટકાયતમાં લેવામાં આવ્યા હતા તે સાથે ત્રાસવાદી હુમલાનું એક મોટું કાવતરું નિષ્ફળ બનાવી શકાયું હતું.

મળતી માહિતી પ્રમાણે જમ્મુ બસ સ્ટેન્ડ પાસેથી સાત કિલોગ્રામ વજનનું એક આઇઇડી વિસ્ફોટક મળી આવ્યું હતું. આ સંદર્ભમાં નર્સિંગના એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય ત્રણની પણ બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ રેન્જના આઇજીપી મુકેશ સિંહે જણાવ્યું હતું કે એક જુદા ઓપરેશનમાં સામ્બા જિલ્લામાંથી છ પિસ્તોલો અને ૧૫ નાના ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસીસ(આઇઇડી) પણ શોધી કાઢવામાં આવ્યા હતા.

છેલ્લા ચાર દિવસથી અમે હાઇ એલર્ટ પર હતા કારણ કે એવી સામાન્ય ગુપ્તચર બાતમી હતી કે ત્રાસવાદી જૂથો જમ્મુ શહેરમાં પુલવામા હુમલાની બીજી વરસીએ મોટો ધડાકો કરવા માગે છે. તમામ અગત્યના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી હતી અને ચેકિંગ વધારવામાં આવ્યું હતું એમ આઇજીપીએ જણાવ્યું હતું.

આઇજીપીએ જણાવ્યું હતું કે જમ્મુ જનરલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક યુવક એક બેગ સાથે શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યો હતો અને તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી આ સાત કિલોગ્રામનું આઇઇડી મળી આવ્યું હતું જે હજી એક્ટિવ કરવામાં આવ્યું ન હતું. આ યુવકનું નામ સુહેલ બશીર હોવાનું આઇજીપીએ જણાવ્યું છે જે ચંદીગઢની એક કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરે છે અને પુલવામાના એક ગામનો વતની છે.

આ યુવકને અલ-બદ્ર સંગઠનના પાકિસ્તાન સ્થિત હેન્ડલર દ્વારા જમ્મુમાં આઇઇડી ગોઠવવાનું કામ સોંપવામાં આવ્યું હતું, તેને ચાર ટાર્ગેટ સોંપવામાં આવ્યા હતા એમ આઇજીપીએ જણાવ્યું હતું. કામ પતાવ્યા બાદ તે ફ્લાઇટ પકડીને શ્રીનગર જતો રહેવાનો હતો અને અતહર શકીલ ખાન નામનો અલ-બદ્રનો કાર્યકર તેને એરપોર્ટ પર રિસિવ કરવાનો હતો એવી માહિતી મળી હતી અને ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ ઉપરાંત કાશ્મીરનો સુહેલનો સાથી વિદ્યાર્થી કાઝી વસીમ જે આ યોજનાથી વાકેફ હતો તેની ચંદીગઢથી ધરપકડ કરવામાં આવી હતી તથા તેમના અન્ય એક સાથીદાર આબિદ નબીની શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી હતી એમ આઇજીએ જણાવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top