વિચાર એટલે મનન, ચિંતન કરવું. અભિપ્રાય આપવો કે મનોભાવ પ્રગટ કરવો. દરેક વ્યક્તિએ વિચારો અને ઉદ્દેશ અલગ અલગ હોય. અલબત્ત, લાંબો વિચાર કરીને બોલવું ઉત્તમ ગણાય. દરેકની વિચાર કરવાની, રજૂ કરવાની દૃષ્ટિ, રીતમાં પણ ફરક જોવા મળે. તે મુજબ તેમાં ગુણ-દોષ પણ જોવા મળે. વિચાર કરવાની શક્તિ મુજબ વિચારધારાને વેગ મળે. જો કે લોકશાહીમાં વિચારો રજૂ કરવાનો સ્વતંત્ર હક્ક હોય છે. વિચાર સારો-માઠો, ખરો-ખોટો હોય તે મુજબ વિચારધારા બને છે. કોઈકે સરસ કહ્યું છે કે, “વિચારધારા દ્વારા વ્યક્તિ વિશ્વને જુએ છે.”દરેક વ્યક્તિની માન્યતાઓ, મૂલ્યો, ધારણાઓને પરિણામે વિચારધારા બને અને તેના આધારે વ્યક્તિની ઓળખ ઊભી થાય. જે તે વ્યક્તિના વિચારસરણી, ક્રિયા, પ્રતિક્રિયાને આધારે સમાજમાં તેનું સ્થાન ઊભું થાય છે. રાજનૈતિક વિચારધારાની વાત કરીએ તો દરેક પક્ષની, તેમાં વિશ્વાસ ધરાવતાં લોકોની વિચારધારા જુદી-જુદી હોય છે. જો કે વ્યક્તિને ક્યારે, કેવું અને કેટલું બોલવું એની ખબર હોય તો સારી બાબત ગણાય. સારું એ છે કે, નકારાત્મક વિચારધારાથી ચડિયાતી હકારાત્મક વિચારધારા છે. ચાલો ત્યારે હકારાત્મક વલણ અપનાવીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
આહારવિહાર
તંદુરસ્તી માટે આહારવિહાર જરૂરી છે. સજીવો વિવિધ પ્રકારના આહાર પર નભે છે. માનવસમાજ શાકાહારી કે માંસાહારી છે. અરણ્ય સંસ્કૃતિમાં શિકાર અને માંસાહારનો માનવ સમક્ષ વિકલ્પ જ ન હતો અને તેમાંયે અગ્નિ અને રાંધણની સુવિધા વિના અન્ય પશુપંખીઓની જેમ કાચું માંસ આરોગવાનું જ રહેતું. ખેતીવાડીની શોધ પછી રાંધણકળા સાંપડી, વિવિધ સ્વાદો અને મસાલાઓ સાથે ભોજન તૈયાર કરતો થયો. સંસ્કૃતિના વિકાસ સાથે આનંદ પ્રમોદ પણ ભળ્યા મોરંજ, વિહાર અને પ્રવાસન પ્રવૃત્તિનો ક્રમ ચાલ્યો. આધ્યાત્મિકતા, સાત્ત્વિકતા અને સ્વાસ્થ્યના હેતુસર સામાન્ય ઉપવાસ અને નિર્જળા-નિરાકારી ઉપવાસ કરવાનું શરૂ થયું જેમાં ધાર્મિક મહત્ત્વ પણ ઉમેરાયું.
વાર તહેવારના કે માનતાના ઉપવાસ ઉપરાંત રમઝાન જેવા પવિત્ર ધાર્મિક મહત્ત્વના મહિનામાં રોઝા નામે નિર્જળા, નિરાહારી ઉપવાસ નિયત સમય, દિવસના નિર્ધારિત કલાકોની સૂર્યાસ્ત સુધીની ચુસ્તપણે આચરવાની બંદગી થવા લાગી. વાર તહેવારે કે રજાના દિવસોમાં હરવા ફરવાના કૌટુંબિક કે મિત્રવર્તુળના નાસ્તા વેચાણ થવા લાગ્યું. જુદી જુદી કક્ષાની હોટલો સ્થપાઈ. સારા નરસા પ્રસંગોએ જમણવાર થવા લાગ્યા. ભઠિયારા અને રસાઈયાઓનો ધંધો ચાલ્યો. જીભને રસના કહે છે, તેના ચટાકા ભારે હોય છે. છ પ્રકારના રસોનો અનુભવ થતો રહે છે. સ્વાદશોખીનો ખાવાપીવાના, સ્વાસ્થ્યહિતકારી નિયમો પાળવાનું ચૂકી જાય છે.
પૌષ્ટિક અને ગરમાગરમ ખોરાક સૌને ગમે છે. ઋતુ અનુસાર ભોજનો બનતાં રહે છે. ગરમ ભોજન, ચા, કોફી અને ઠંડા પીણાં સૌને પસંદ છે. તાજો કે વાસી ખોરાક સમજી વિચારીને લેવો જોઈએ. ભારત જેવા વિકાસશીલ દેશમાં સરકાર બ્યાંસી કરોડ ગરીબોને મફત અનાજ આપે છે. જનસેવા સંસ્થાઓ ભૂખ્યાઓને ભોજન માટે ભંડારા કે લંગર ચલાવે છે. દુકાળ, કુદરતી આપત્તિ કે ભૂખમરામાં નવલકથા ‘માનવીની ભવાઈ’ દૃશ્યમાન થાય છે. સભ્ય માનવસમાજમાં ભૂખ્યા દુખિયાને ભોજન પ્રદાન માનવતા જ કહેવાય.
સુરત – યુસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.