Comments

ઓળખ માતૃત્વની

અકબર બાદશાહના દરબારમાં એક ઘોડાનો મોટો સોદાગર આવ્યો. તેની પાસે જાતજાતનાં જાતવાન ઘોડા ઘોડીઓ હતાં. એમાં સૌરાષ્ટ્રની ઘોડીઓ વિશેષ હતી. અકબર બાદશાહ બીરબલ અને અન્ય દરબારીઓ સાથે સોદાગરના ઘોડા નિહાળી રહ્યા હતા.  દરેક ઘોડા પાસે લઈ જઈને સોદાગર ઘોડાની જાત, તેની જાતિ, તેની ઉંમર, તેની ખાસિયત વગેરેની ખાસ માહિતીઓ આપી રહ્યો હતો. એક પછી એક ઘોડા જોતાં બધા આગળ વધતા જતા હતા. સોદાગર બે ઘોડા આગળ આવીને ઊભો.

તેણે આંગળી ચીંધીને કહ્યું કે ‘આ એક અનોખી જોડી છે. આ બંને ઘોડી છે, દેખાવે, રંગે, રૂપે, શરીરના કદ, કાઠી, બધી જ રીતે એકદમ સરખી છે. બધા બંને ઘોડીઓને ધ્યાનપૂર્વક જોવા લાગ્યા. સાચે જ બંને ઘોડીઓ આબેહુબ સરખી હતી. સોદાગરે હવે એક પડકાર આપતાં કહ્યું કે, ‘આ બંને સરખી ઘોડીઓમાં એક મા છે અને એક દીકરી છે. હવે આ જોડીમાં મા કોણ છે? અને દીકરી કોણ છે? એ આપમાંથી કોઈ કહી બતાવે તો મારા તરફથી આ બંને ઘોડીઓ તેને ભેટ આપવામાં આવશે.’બધા એક પછી એક બારીકાઇથી નિરીક્ષણ કરવા લાગ્યા. 

બાદશાહ અકબરની અશ્વશાળાના નિષ્ણાતો, ઘોડાના રક્ષકો દરબારીઓ બધાએ જ નિરીક્ષણ કર્યું પણ કોઈને કોઈ જ ખબર પડી નહીં. હવે શું કરવું? બધાની નજર બીરબલ પર ગઈ. બીરબલ ઊંડા વિચારોમાં હતો. બીરબલે ઊભા થઈ બાદશાહના અશ્વપાલકોમાંથી એકને કહ્યું “બે સરખા માપની એક ઘોડાનું મોઢું જ જાય એવી તપેલીમાં બે બે કિલો ચણા અને ગોળ ભરી આ બંને ઘોડીની સામે મૂકી દો.’  અશ્વપાલકે બીરબલની સૂચના પ્રમાણે કર્યું. બંને ઘોડીઓ ચણા ગોળ ખાવા લાગી. બંનેમાંથી જે જુવાન ઘોડી [ દીકરી ] હતી તે ઝડપભેર પોતાની તપેલીના ચણા ખાઈ ગઈ અને પછી તેણે તરત જ બીજી તપેલીના ચણા ગોળ ખાવા મોઢું નાખ્યું.

પરંતુ બીજી તપેલીમાં એક જ ઘોડીનું મોઢું અંદર જઈ શકે અને ચણા ખાઈ શકે તેમ હતું એટલે મોટી ઘોડી, જે મા હતી તેણે તરત જ પોતાનું મોઢું હટાવી દીધું અને પોતાના ભાગના ચણા યુવાન ઘોડી એટલે પોતાના બચ્ચા, પોતાની દીકરીને ખાવા માટે આપી દીધું, પોતે દૂર ખસી ગઈ.  બીરબલે આ બધું જ ધ્યાનપૂર્વક જોયું અને નિર્ણય જાહેર કર્યો કે જેણે તપેલી છોડી દીધી છે તે ઘોડી મા છે અને બીજી ઘોડી તેની દીકરી છે. સોદાગરે બંને ઘોડી બીરબલને ભેટ આપી. બાદશાહે કહ્યું, ‘બીરબલ, શાબાશ પણ તેં કઈ રીતે પારખી લીધું?’બીરબલે જવાબ આપ્યો, ‘બાદશાહ, કોઈ પણ માતા હોય, પોતાના બચ્ચા અને બાળક માટે ત્યાગ કરવો તે જ માતૃત્વની ઓળખ છે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top