સાંપ્રત સમયમાં આપણી આસપાસ બની રહેલા અકલ્પનીય અને અનિચ્છનીય છેતરપિંડીના બનાવો ધ્યાનમાં લઈને હવે દરેક નાગરિકે ખાસ કરીને ગૃહિણીઓએ અને ઘરે જ રહેતાં હોય એવા નિવૃત્ત વયસ્કોએ રોજ જ ખાસ સાવચેતી રાખવાની આવશ્યકતા છે. કોઈ પણ અજાણ્યા વ્યક્તિ વેળા કવેળાએ તમારા ઘરે આવે ત્યારે સૌપ્રથમ પૂરતી ખાતરી કર્યા વગર વાત કરવી નહીં કે ઘરમાં પ્રવેશ આપવો નહીં પણ તમે રહો છો તે એપાર્ટમેન્ટ કે સોસાયટીનાં વોચમેન દ્વારા સૌથી પહેલા આવનાર અજાણ્યા વ્યક્તિનું ઓળખ કાર્ડ માંગીને ચેક થવું જોઈએ અને પછી જ યોગ્ય લાગે તો નામ નોંધણી કર્યા પછી જ સોસાયટીમાં પ્રવેશ મળે એનું ચુસ્ત પાલન થવું જોઈએ.
ઘર જ નહીં શાળા મહાશાળાઓ, હોસ્પિટલ કે અન્ય કોઈપણ જાહેર સરકારી કે ખાનગી સંસ્થાઓમાં પણ એ જ રીતે ઓળખકાર્ડ ચેક કર્યા વગર કોઈ ને પણ સહેલાઈથી પ્રવેશ આપવો જોઈએ નહીં. કોઈપણ ચાલબાજ ફોન દ્વારા તમારા કે પરિજનોના અકસ્માત કે અન્ય કોઈ શુભ કે અશુભ સમાચાર જણાવીને તમારી સાથે સહેલાઈથી છેતરપિંડી કરી શકે છે એ ખાસ ધ્યાનમાં રાખવું. કોઈ પણ અનિચ્છનીય કે લાભદાયક સમાચાર મળે ત્યારે પૂરતી ખાતરી કર્યા વગર ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. તમારી અંગત માહિતી મેળવી કોઈ પણ અજાણી ભેજાબાજ વ્યક્તિ કોઈ પણ વેશ ધારણ કરી આસાનીથી છેતરી શકે છે.
સુરત – વિજયકુમાર બારોટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
