દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના તોયણી ગામેથી એક વ્યક્તિની ઈકો ફોર વ્હીલર ગાડી ચાર જેટલા ઈસમોએ ભાડા ઉપર ફેરવી આપવા અને રોજના ૨૦૦૦ ભાડુ નક્કી કરી આપવાના પાકો વિશ્વાસ આપી અને ઈકો ફોર વ્હીલર ગાડી લઈ ગયાં બાદ પરત ગાડી નહીં આપી અને પોતાને રોડ ખાતાના માણસો છે. તેવી ખોટી ઓળખ આપી રૂા.૪,૫૦,૦૦૦ની કિંમતની ઈકો ફોર વ્હીલર ગાડી લઈ ભાગી જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
જસવંતભાઈની ઈક્કો ફોર વ્હીલર ગાડી ગત તા.૧૩.૧૦.૨૦૨૧ના રોજ મારવા હડફ મુકામે લઈ ગયાં હતાં. જ્યાં એક અજાણ્યો ૨૩ વર્ષીય યુવક જસવંતભાઈને મળ્યો હતો અને ગાડી ભાડે (વર્દી) માં ફેરવવા માટે વાતચીત કરી હતી. એકબીજાના મોબાઈલ નંબરોની પણ આપેલ કરી તા. ૨૨.૨૦૨૧ના રોજ ગાડીનું ભાડુ રોજનું ૨૦૦૦ એ માગ્યું હતું અને અજાણ્યા આરોપીએ રૂા.૧૫૦૦ ભાડુ રોજ સાંજે મળી જશે અને ડીઝલ, પેટ્રોલ, ગેસ ગાડીમાં પુરાવવાનો થાય તે અમારા તરફથી ખર્ચ કરીશું, તેવુ જણાવીને પાકો વિશ્વાસ આપી અને ભરોસો આપી જસવંતભાઈ પાસેથી ઈકો લઈ ગયો હતો.
સાંજે જસવંતભાઈએ પોતાની ઈકો ફોર વ્હીલર લેવા પોતાના માણસ રાજેશભાઈ પાદરીયાને મોરવા હડફ મોકલ્યો હતો. ત્યારે આરોપી યુવક અને તેની સાથે અન્ય ૩ ઈસમોએ રાજેશને પોતે રોડ ખાતાના માણસો છે, તેવી ખોટી ઓળખ આપી અને રાજેશભાઈને કારમાં બેસાડી અલગ અલગ જગ્યાએ ફેરવ્યો હતો અને ત્યાર બાદમાં રસ્તામાં ઉતારી દઈ ચાર ગઠિયાઓ રૂા.૪,૫૦,૦૦૦ની ઈકો લઈ નાસી જતાં આ સંબંધે રાજેશભાઈ પાદરીયાએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.