Business

પ્રભાસની ‘બાહુબલી’ ની ઓળખનો ‘રાધે શ્યામ’ ને લાભ ના મળ્યો!

અનુપમ ખેરની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ને સમીક્ષકો સાથે દર્શકોએ પણ સારો પ્રતિભાવ આપ્યા પછી પહેલા વીકએન્ડમાં રૂ.27 કરોડની આવક થઇ અને દરરોજ તેના સ્ક્રીનની સંખ્યા વધી રહી હોવાથી બોક્સ ઓફિસ પર અનેક નવા રેકોર્ડ બનાવી શકે છે. એ બાબત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પસંદ આવી હોવાના દર્શકોના હસ્તાક્ષર સમાન છે. ફિલ્મ સમીક્ષક દીક્ષા શર્માએ કહ્યું છે કે કેટલીક ફિલ્મો મોટા સ્ટાર્સને કારણે અથવા જબરદસ્ત પ્રચારને કારણે દર્શકોને ભેગા કરે છે ત્યારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા દર્શકો જાતે ઉમટી પડ્યા છે એનું કારણ એમાં ફિલ્મી મસાલા કે આઇટમ ગીત નહીં પણ સત્ય કિસ્સાઓ છે. ફિલ્મને IMDB પર 10 માંથી 10 રેટિંગ મળ્યું છે એ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. સૌથી મોટી વાત એ છે કે કોઇ રજાના દિવસ વગર, સ્ટાર્સ વગર અને પહેલા દિવસે ઓછા સ્ક્રીન પર રજૂ થવા છતાં તેની સાથેની પ્રભાસની ‘રાધે શ્યામ’ અને અગાઉની આલિયાની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ ને બોક્સ ઓફિસ પર સ્પર્ધા પૂરી પાડી એક અલગ સ્થાન બનાવવામાં સફળ રહી છે.

નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પીડિતોના સાચા કિસ્સા અને દસ્તાવેજો માટે ભારે સંશોધન કરીને તૈયાર કરેલી વાર્તામાં કાશ્મીરી પંડિતોનું દર્દ વાસ્તવિક લાગે એટલી સહજતાથી બતાવ્યું છે. નિર્દેશક દર્શકોને એક અલગ દુનિયામાં લઇ જાય છે. ફિલ્મની વાર્તા કાશ્મીરના એક શિક્ષક પુષ્કરનાથ પંડિતના જીવનની આસપાસ ફરે છે. અનુપમે રુંવાડા ઊભા કરી દે એવો અભિનય કર્યો છે બલકે પોતાના પાત્રને એવી રીતે જીવી બતાવ્યું છે કે લાંબા સમય સુધી લોકો યાદ કરશે. અગાઉ અનુપમ ખેર અનુપમ અભિનય માટે અનેક વખત પ્રશંસા મેળવી ચૂક્યા છે પણ તેમનો અભિનય આ ફિલ્મને એક નવી ઊંચાઇ આપે છે. મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શનકુમાર પણ પ્રભાવિત કરે છે.

અનેક એવોર્ડસની હકદાર બને એવી આ ફિલ્મની લંબાઇ થોડી વધી ગઇ છે અને કેટલાંક દ્રશ્યો નબળા દિલના લોકો જોઇ શકે એમ નથી. દમદાર વિષયવાળી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ નો ખાસ કોઇ પ્રચાર થયો ન હતો જ્યારે તેની સાથે જબરદસ્ત પ્રચાર સાથે રજૂ થયેલી ‘રાધે શ્યામ’ ને હિન્દીમાં સારો આવકાર મળ્યો નથી. પ્રભાસની ૨૦૧૯ માં છેલ્લી રજૂ થયેલી ફિલ્મ ‘સાહો’ કરતાં પાંચગણું ઓછું ઓપનિંગ મળ્યું છે. હિન્દી દર્શકો માટે ‘બાહુબલી’ ને કારણે પ્રભાસ જાણીતો ચહેરો રહ્યો છે પણ પહેલા વીકએન્ડમાં રૂ.14 કરોડ જ મેળવી શકી હોવાથી થિયેટર માલિકો નિરાશ થયા છે. તેની આગામી ફિલ્મો ‘આદિપુરુષ’ અને ‘સાલાર’ ના નિર્માતાઓની ચિંતા વધી ગઇ છે.

પ્રભાસને ફિલ્મની પસંદગીમાં સાવચેતી રાખવાની સલાહ આપવાનું શરૂ થઇ ગયું છે. મોટા પાયા પર શૂટિંગ કરીને રૂ.350 કરોડમાં મોટા પડદા પર જોવા માટે ખાસ તૈયાર થયેલી ‘રાધે શ્યામ’ ની ધડમાથા વગરની વાર્તાને કારણે OTT પર આવે ત્યારે જોવાની સમીક્ષકોએ સલાહ આપી છે એ પરથી જ સમજી શકાશે કે ખર્ચ પાણીમાં ગયો છે. ફિલ્મને ‘ટાઇટેનિક’ ની જેમ બનાવવા ગયેલા નિર્દેશકે જ એને ડૂબાડી દીધી છે. ફિલ્મને સાય-ફાય તરીકે ઓળખાવામાં આવી હતી છતાં એમાં સાયન્સ અને રોમાન્સનું મિશ્રણ જોવા મળતું નથી. અલ્લુ અર્જુનની ‘પુષ્પા : ધ રાઇઝ’ ની સરખામણીએ દક્ષિણની આ ફિલ્મ ‘નામ બડે ઔર દર્શન છોટે’ કહેવતની યાદ અપાવે છે. નિર્દેશક રાધા કૃષ્ણકુમારની વાર્તા થોડી અટપટી લાગે એવી છે. એમાં ઘણાં ઝોલ છે.

 એક દ્રશ્યમાં પ્રભાસ એવી ભવિષ્યવાણી કરે છે કે પૂજા હેગડેની જીવનરેખા લાંબી છે અને વિજ્ઞાનના કહેવા પ્રમાણે બે મહિનાની જિંદગી છે એ ખોટું છે. ત્યારે પૂજાના કાકા પ્રભાસને ખીજવાય છે. એ પૂજાને જીવતા રહેવાની આશા આપી રહ્યો છે ત્યારે એના કાકા પ્રભાસથી નારાજ થઇ હોસ્પિટલની બહાર જવાનું કહે છે એ બાબત સમજી શકાય એવી નથી. એક રીતે વિજ્ઞાન અને જ્યોતિષવિદ્યા વચ્ચેની જંગ જેવી વાર્તા છે પણ તે જ્યોતિષવિદ્યા વિશે ખૂલીને કંઇ કહી શક્યા નથી. લવસ્ટોરી હોવા છતાં ગીત-સંગીતમાં દમ નથી.  આમ તો ફિલ્મમાં લવસ્ટોરી હોવાનો દાવો થયો છે પણ પ્રભાસ- પૂજાની જોડીમાં એ કેમેસ્ટ્રી દેખાતી નથી. પ્રભાસના ચાહકો સિવાય ખાસ કોઇને પસંદ પડે એવી નથી. પ્રભાસનું કામ સારું છે પણ તેનું પોતાનું હિન્દી ડબિંગ નબળું છે. ઘણાં દ્રશ્યોમાં તેના ભાવ સંવાદો સાથે મેળ ખાતા નથી. પૂજાએ પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે અને તે સુંદર દેખાય છે.

Most Popular

To Top