ભારતીય તત્ત્વચિંતકોએ શિક્ષણની વ્યાખ્યા તેમનાં, જ્ઞાન સમજ અને અનુભવને આધારે જુદી જુદી આપી છે અને તેને શિક્ષણજગતે સર્વમાન્ય ગણીને સ્વીકારી છે. સ્વામી વિવેકાનંદ શિક્ષણની વ્યાખ્યા આપતાં કહે છે: ‘માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે શિક્ષણ’. રવીન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ એટલે ‘સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ’ ગાંધીજીના મતે શિક્ષણ એટલે – ‘બાળકના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ.’ આ સિવાય મહર્ષિ અરવિંદ, ડો. રાધાકૃષ્ણન વગેરે ચિંતકોએ પણ શિક્ષણને વ્યાખ્યાયિત કર્યું છે.
ઉપરોકત વ્યાખ્યાઓ વર્ષોથી શિક્ષક તાલીમના ભાગ રૂપે શીખવવામાં આવે છે. આ તમામ વ્યાખ્યાઓ શિક્ષણનો એક ઉચ્ચ અને આદર્શ રજૂ કરે છે. હવે આજના શિક્ષણ સંદર્ભે ઉપરોકત વ્યાખ્યાઓ તપાસીએ. આજના શિક્ષણ દ્વારા શું વ્યક્તિનું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી ઊઠે છે ખરું? શિક્ષણ દ્વારા સત્યની સનાતન ખોજ થાય છે ખરી? અરે…! સત્ય પણ અભિવ્યક્ત થાય છે ખરું? શિક્ષણ દ્વારા બાળકનાં શરીર, મન અને આત્માના ઉત્તમ અંશો બહાર લાવી શકાય છે ખરા?
જો ઉપરોકત પ્રશ્નોના ઉત્તર ‘ના’માં મળતા હોય તો આવી ઉચ્ચ, આદર્શ, વ્યાખ્યાઓ શા કામની? ઉચ્ચ અને આદર્શ ખ્યાલો, વ્યવહાર જગતમાં ઉપયોગી સાબિત ન થતાં હોય તો તેનું પ્રયોજન શું? તેનું ઉપયોગિતામૂલ્ય અને વ્યવહારુમૂલ્ય શું? આજના સંદર્ભમાં શિક્ષણની વાસ્તવિકતા તપાસીશું તો એક ભયાનક ચિત્ર આપણી સામે ખડું થાય છે! આજના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીને માત્ર ને માત્ર માહિતી જ પૂરી પાડવામાં આવે છે, જાણે તેઓ માહિતી સંઘરવાનાં યંત્રો ન હોય! અરે,… આ માહિતી પણ કેટલીક વાર સાચી નથી હોતી! અભ્યાસક્રમમાં અનેક પ્રકારના માહિતીદોષો જોવા મળે છે.
વિદ્યાર્થી આ માહિતી સમજ્યા વિના ગોખી નાંખે છે, પછી પરીક્ષામાં ઓકી નાંખે છે અને માર્કસ કે ગ્રેડ લઇ આવે છે! અંતે વ્યવસાયના માર્કેટમાં સદંતર નિષ્ફળ નિવડે છે. શિક્ષણની પ્રક્રિયા, ક્રમશ: નીચેથી, ઊર્ધ્વ દિશામાં ગતિ કરે છે. પ્રથમ માહિતી-પછી જ્ઞાન સમજ ઉપયોગ અને અંતે કૌશલ્ય શિક્ષણ પ્રક્રિયાની અંતિમ નિપજ કૌશલ્ય (Skills) છે. કોઇ ચોક્કસ વિષયમાં જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વિદ્યાર્થી તેનો જો વ્યવહારમાં ઉપયોગ ન કરી શકે તો તે અર્થહીન છે.
ભાષાશિક્ષણનો એક હેતુ, વિદ્યાર્થીમાં સંવેદના જગાડવાનો છે. કાવ્યનો રસાસ્વાદ કરાવવાનો છે. ગદ્યમાંથી કોઇ સંદેશો ગ્રહણ કરવાનો કે કોઇ બોધ ગ્રહણ કરવાનો છે. એ તો થતું જ નથી! આખું ભાષાશિક્ષણ વ્યાકરણ અને માહિતીસભર સવાલ-જવાબમાં જ પૂર્ણ થાય છે! કોઇ સંવેદના, લાગણી કે બોધ વિદ્યાર્થીના જીવનનો હિસ્સો બનતાં નથી! વિદ્યાર્થી તો સમજયા પરંતુ શીખવનારના જીવનનો હિસ્સો પણ બનતાં નથી!
કવિએ, લેખકે, સર્જકે કોઇ વિશિષ્ટ સંજોગોમાં ઊર્મિભાવો અનુભવ્યા હશે ત્યારે કાવ્યનું સર્જન થયું હશે! શિક્ષક, કવિના આ ભાવસંદર્ભો પકડી ન શકે તો તે પોતાના ભાવસંદર્ભોથી કાવ્ય શીખવશે અને સામે પક્ષે વિદ્યાર્થી કયો ભાવસંદર્ભ પકડશે એ તો રામ જાણે…! વિદ્યાર્થીને તો પરીક્ષા સાથે સંબંધ છે! વધુ માર્કસ કે ગ્રેડ સાથે સંબંધ છે! ગદ્ય-પદ્યના બોધને જીવનમાં ઊતારી સારા માનવ બનવા સાથે તેને કોઇ લેવા દેવા નથી! આ વાસ્તવિકતા છે જેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.
વિજ્ઞાન શિક્ષણનો હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ વિકસાવવાનો છે. આજે વિજ્ઞાન શિક્ષણ પણ સૂત્રો, વ્યાખ્યાઓ સંકલ્પનાઓ અને સમીકરણોમાં કેદ છે! વૈજ્ઞાનિક વલણ વિકસતું નથી તેથી સમાજમાં અંધશ્રદ્ધા, વહેમ ઘર કરી ગયાં છે! કેટલાંક વિજ્ઞાન શિક્ષકો અને અધ્યાપકોની આંગળીઓ મંત્રેલા નંગવાળી, જાત-જાતની વીંટીઓથી શોભતી જોવા મળે છે ! વાતો વૈજ્ઞાનિક વલણની કરવાની, સ્તુતિ વૈજ્ઞાનિક વલણના વિકાસની ગાવાની અને પાછલે બારણે ચમત્કારોમાં શ્રદ્ધા રાખવાની! પોતે અશાંતિ ઊભી કરવાની અને પછી ઓમ શાંતિના યજ્ઞો કરાવવાના! આ કયાંનો ન્યાય છે? શિક્ષણ ક્ષેત્રે આપણો દંભ પ્રતિપળ પ્રદર્શિત થતો જોવા મળે છે. આજનું શિક્ષણ પ્રશ્નનો ઉકેલ નથી આપતું, પ્રશ્નો સર્જે છે. શાળામાં વિદ્યાર્થી સંખ્યાના પ્રશ્નો, શિક્ષકોના પ્રશ્નો, વાલીના પ્રશ્નો, સંચાલકમંડળના પ્રશ્નો, વિદ્યાર્થીઓની હાજરીના પ્રશ્નો, ફીના પ્રશ્નો, શિક્ષકોના કાર્યભારના અને મહેનતાણાના પ્રશ્નો, પરીક્ષાના પ્રશ્નો,… બસ પ્રશ્નો જ પ્રશ્નો. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા કોઇને પણ સંતોષ હોય એવું જણાતું નથી!
શિક્ષકને શીખવવાનો આનંદ કે નિજાનંદ પ્રાપ્ત થતો નથી! કેમ કે તે પ્રશ્નોના ઢગલા નીચે અને શિક્ષણ સિવાયનાં અન્ય કાર્યોના બોજ નીચે દટાયેલો છે! હતાશ છે, નિરાશ છે. દિલમાં આક્રોશના અગ્નિને લઇને બેઠો છે! આવાં શિક્ષકો ઉત્તમ શિક્ષણ કેવી રીતે આપી શકે? અને જો તે આવું શિક્ષણ આપી ન શકે તો સમાજને સારાં નાગરિકો કયાંથી મળે? શિક્ષણની ઉચ્ચ-આદર્શોની વ્યાખ્યા આપનાર તત્ત્વચિંતકો કયાંથી મળે? પહેલાંના વખતમાં શિક્ષકોના કાર્ય સંતોષ (Job Satisfaction) પર ઘણાં સંશોધનો થતાં હતાં. આજે તે થતાં નથી! કેમ કે સંતોષનો છાંટોય નથી! આજે સમાજમાં જે અરાજકતા જોવા મળે છે. તેનું કારણ આજનું શિક્ષણ છે! શિક્ષણનો ઠેકો લેનાર શિક્ષણ તંત્ર છે!
શિક્ષણ ક્ષેત્રે થયેલાં કેટલાંક સંશોધનોએ એવું પુરવાર કર્યું છે કે, આજનું શિક્ષણ વ્યક્તિને સામાજિક બનાવવાને બદલે અસામાજિક બનાવે છે! ટોપટેનમાં આવેલાં વિદ્યાર્થીઓ કરતાં અભ્યાસ છોડીને બૂટ પોલીશ કરતો વિદ્યાર્થી વધુ સામાજિક જણાયો છે! આજના શિક્ષણે સામાજિક રાષ્ટ્રીય લૂંટારાઓ પેદા કર્યા હોય તેવી પ્રતીતિ થાય છે! વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ, સત્યની ખોજ, આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ આ બધાં શબ્દો બ્રહ્મવાક્યો બનીને નેપથ્યમાં સરી પડયાં છે અને તેથી આજના શિક્ષણ દ્વારા સદાચાર, સદ્વૃત્તિ, મૂલ્યો વગેરે પ્રસ્થાપિત થતાં નથી!
સમાજને ડોકટરો મળે છે પરંતુ પ્રામાણિક ડોકટરો નથી મળતાં! શિક્ષકો મળે છે આદર્શ શિક્ષકો નથી મળતાં! ઇજનેરો મળે છે કૌશલ્યયુકત, શ્રેષ્ઠ ઇજનેરો નથી મળતાં! કેમ કે આપણે શિક્ષણનો માર્ગ જ ખોટો પસંદ કર્યો છે! કોને કોને દોષ દઇશું? અને એનો અર્થ પણ શું? આટઆટલા પંચો નિમાયા, તેણે નીતિઓ ઘડી, ભલામણો કરી, આપણે પ્રયોગો કર્યા, અખતરાઓ કર્યા, સંશોધનો કર્યાં પછી પણ ઠેરના ઠેર! શિક્ષણની આ જ નરી વાસ્તવિકતા છે. શિક્ષણ ક્ષેત્રે હવે ધરમૂળથી ફેરફારની આવશ્યકતા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નો અભ્યાસ કરતાં થોડી આશા બંધાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.