Charchapatra

આદર્શ શિક્ષક કે વિદ્યાર્થી?

આજના શિક્ષણક્ષેત્રમાં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે આદર્શ શિક્ષક જરૂરી છે કે આદર્શ વિદ્યાર્થી? વાસ્તવમાં, બંને એકબીજાના પ્રતિબિંબ છે, પરંતુ આજની પરિસ્થિતિમાં બંને તરફ ખામી સ્પષ્ટ દેખાય છે. એક તરફ શિક્ષક પર અભ્યાસક્રમ પૂર્ણ કરવાની દોડ, પ્રશાસનિક કામો અને પરિણામનો દબાણ છે, જેના કારણે શિક્ષણમાં સર્જનાત્મકતા ઘટી રહી છે. ઘણા સ્થળોએ શિક્ષક માત્ર પાઠ્યપુસ્તક પૂરતા જ સીમિત થઈ ગયા છે. બીજી તરફ, વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને શીખવાની તલપ ઘટતી જાય છે; તેઓ માટે શિક્ષણનો અર્થ ગુણ અને પરીક્ષા સુધી જ સીમિત થઈ ગયો છે.

આ સ્થિતિમાં પ્રશ્ન એ નથી કે દોષ કોનો છે, પરંતુ એ છે કે ઉકેલ શું છે. જો શિક્ષક પ્રેરણાદાયક નહીં હોય તો વિદ્યાર્થી ઉત્સાહી નહીં બને, અને જો વિદ્યાર્થીમાં શીખવાની ઈચ્છા નહીં હોય તો શિક્ષકનું શ્રેષ્ઠ પણ નિષ્ફળ જશે. આથી સ્પષ્ટ થાય છે કે આદર્શ શિક્ષણ માટે આદર્શ શિક્ષક અને આદર્શ વિદ્યાર્થી બંને અનિવાર્ય છે. શિક્ષણ એક સહયાત્રા છે, જેમાં બંનેની સક્રિય ભાગીદારી જરૂરી છે. નહીં તો શિક્ષણ માત્ર ઔપચારિકતા બની રહેશે અને પ્રશ્ન યથાવત રહેશે… “આદર્શ શિક્ષક શોધીએ કે આદર્શ વિદ્યાર્થી?”
સુરત      – પ્રા. સાગર અનિલભાઈ ગાંધી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top