અમેરિકાના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં દસ ઇંચ બરફ પડ્યો છે. અમેરિકાના એક મોટા વિસ્તારને શિયાળુ તોફાને હાલમાં જ ધમરોળ્યા બાદ પણ અનેક વિસ્તારોમાં ભારે બરફ વર્ષા ચાલુ જ છે.
પૂર્વ કાંઠાની નજીકના ન્યૂયોર્ક શહેરમાં વધુ પાંચ ઇંચ બરફ પડ્યો છે અને અહીં દર વર્ષે સામાન્ય રીતે જેટલો પડે છે તેના કરતા લગભગ બમણો એટલે કે ૩૪ ઇંચ બરફ અત્યાર સુધીમાં પડી ગયો છે.
સ્થાનિક સમય પ્રમાણે ગુરુવાર સુધીમાં સેન્ટ્રલ પાર્કમાં કુલ ૩.૨ ઇંચ બરફ હાલના મોજામાં પડી ગયો હતો જ્યારે કે ન્યૂ જર્સી અને મર્સર કાઉન્ટીમાં તો દસ ઇંચ જેટલો બરફ પડ્યો છે. અને હજી તો નોર્થ કેરોલીના, વર્જિનિયા, ડેલાવેર સહિતના અનેક વિસ્તારોમાં બરફ વર્ષા અને ઠંડોગાર વરસાદ પડવાની આગાહી થઇ છે.