યુકેમાં આ વખતે ઘણી જ સખત ઠંડી પડી છે અને પરંપરાગત રીતે થોડા હુંફાળા રહેતા વિસ્તારોમાં પણ ભારે ઠંડી અને બરફ વર્ષા જોવા મળી છે ત્યારે આ સખત ઠંડી વચ્ચે કેટલાક કાંઠાઓ પર દરિયાના પાણી પણ થીજી ગયેલા જોવા મળ્યા હતા.
આયરીશ સમુદ્રનું પાણી અનેક સ્થળે થીજી ગયું હતું. કુમ્બ્રિયાના સમુદ્ર કાંઠે સ્પષ્ટ જોઇ શકાતું હતું કે કિનારે ઉછાળા મારતા દરિયાના મોજા થીજીને બરફમાં ફેરવાઇ ગયા છે. તો વિશ્વ પ્રસિદ્ધ થેમ્સ નદીનું પાણી પણ કેટલાક સ્થળે થીજી ગયું હતું.
મધ્ય અને ઉત્તર સ્કોટલેન્ડમાં તાપમાન માઇનસ ૧૫ ડીગ્રી સેલ્સિયસ જેટલું થઇ ગયું હતું. ઇંગ્લેન્ડમાં ફેબ્રુઆરીમાં આટલું નીચું તાપમાન જાય તે એક વિક્રમ છે. અને આ ઓછું હોય તેમ બ્રિટનમાં હજી તો વધુ બરફ વર્ષા થવાની આગાહી થઇ છે અને ચાર ઇંચ જેટલો બરફ પડી શકે છે અને કલાકના પ૦ માઇલની ઝડપે પવન સાથે શિયાળુ તોફાન ફૂંકાઇ શકે છે એમ જણાવાયું હતું.