ગુરૂવારથી અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં ફરી એકવાર સ્પિનરોને મદદરૂપ પીચ પર જ્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે મેદાને પડશે ત્યારે તેમની નજર લોર્ડસ ખાતે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કરવા પર સ્થિર હશે. સીરીઝમાં 2-1થી આગળ ચાલી રહેલી ભારતીય ટીમ આ ટેસ્ટ ડ્રો કરશે તો પણ તેઓ ફાઇનલમાં પ્રવેશી જશે, પણ જો ઇંગ્લેન્ડની ટીમ આ ટેસ્ટ જીતશે તો તેના કારણે ભારતીય ટીમ પણ ફાઇનલની રેસમાંથી આઉટ થઇ જશે અને તેના કારણે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લેશે. મેચ સવારે 9.30 વાગ્યાથી શરૂ થઇ જશે.
આ પ્રકારની મેચમાં ડ્રો હંમેશા સુરક્ષિત વિકલ્પ રહે છે, પણ આક્રમક વલણ અપનાવવા માટે જાણીતા વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી આ ટેસ્ટમાં સંરક્ષણાત્મક વલણ અપનાવવા નહીં જ માગે. કારણકે એમ કરવું ક્યારેક ભારે પણ પડી શકે છે. મોટેરાની પીચ પર રમાયેલી પિન્ક બોલ ત્રીજી ટેસ્ટમાં પ્રવાસી ટીમે ઘણી સમસ્યા વેઠી હતી અને તેના કારણે બે દિવસમાં જ તેઓ હારી ગયા હતા.
ભારતીય વાઇસ કેપ્ટન અજિંકેય રહાણે અને ઇંગ્લેન્ડના બેટ્સમેન જેક ક્રાઉલી બંનેનું માનવું છે કે ચોથી ટેસ્ટ માટેની પીચ પણ છેલ્લી બે ટેસ્ટ જેવી જ લાગે છે, જો કતે ગુલાબી બોલની તુલનાએ લાલ બોલ પીચ પડ્યા પછી એટલો ઝડપથી નહીં આવે. ભારતીય ટીમના કેપ્ટન કોહલીને માટે ચિંતાનો વિષય પોતાના સહિતના બેટ્સમેનોનું ફોર્મ છે અને રોહિત સિવાય કોઇ આત્મવિશ્વાસથી રમ્યુ નથી. ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહને સ્થાને ઉમેશ યાદવનું રમવુ લગભગ નક્કી છે, તેની સાથે જોડીદાર તરીકે ઇશાંત શર્મા રહે છે કે મહંમદ સિરાજ તે હવે આવતીકાલે સવાલે જ ખબર પડશે.
ઇંગ્લેન્ડ ટેસ્ટ જીતશે તો ભારત આઉટ થશે અને ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ માટે ક્વોલિફાઇ થશે
ગુરૂવારથી શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ માટે આ મેચમાં વધુ કંઇ દાવ પર લાગ્યું નથી. ટીમ આ મેચમાં જીતીને સીરિઝ ડ્રો કરી પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ કરી શકે છે, જો કે ભારતીય ટીમ માટે આ ટેસ્ટમાં ઘણું દાવ પર લાગ્યું છે અને તેના કારણે ભારતીય ટીમ ટેસ્ટ જીતવા કરતાં તે ડ્રોમાં જાય તેવું વધુ ઇચ્છતી હશે. જો ઇંગ્લેન્ડની ટીમ જીતશે તો તેનો સીધો ફાયદો ઓસ્ટ્રેલિયાને થશે અને તેઓ લોર્ડસમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લેશે.
દક્ષિણ આફ્રિકન બોર્ડની ફરિયાદને પગલે ઓસ્ટ્રેલિયા સામે નવી મુશ્કેલી
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ જીતે એવી આશા ધરાવતી ઓસ્ટ્રેલિયન ટીમ સામે એક નવી મુશ્કેલી આવી છે. દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડ દ્વારા પોતાના દેશમાં રમાનારી સીરિઝ સ્થગિત કરી દેવાના ઓસ્ટ્રેલિયન ક્રિકેટના નિર્ણય સામે આઇસીસીને ફરિયાદ કરનારા દક્ષિણ આફ્રિકન બોર્ડે માગ કરી છે કે ઓસ્ટ્રેલિયન બોર્ડના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ કાપવામાં આવે અને તેમની પાસે મોટો દંડ વસુલવામાં આવે. જો આઇસીસી આ માગ સ્વીકારીને પોઇન્ટમાં કપાત કરશે તો ઓસ્ટ્રેલિયાનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું અશક્ય બનશે અને ભારતીય ટીમ ચોથી ટેસ્ટ હારે તો પણ ફાઇનલમાં પ્રવેશી જશે.