ICC ODI વર્લ્ડ કપ (World Cup) 2023થી એક ખાસ સમાચાર સામે આવી રહ્યા છે. ICCએ ત્રણ ખેલાડીઓને (Players) ઓક્ટોબર 2023ના પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ કર્યા છે. દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક, ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર અને ભારતના જસપ્રિત બુમરાહે ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીઓએ વિસ્ફોટક પ્રદર્શન કર્યું છે અને પોતાની ટીમ માટે ઘણી મેચો જીતી છે. આજ કારણ છે કે ICCએ આ ત્રણ ખેલાડીઓને ઓક્ટોબર 2023ના પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ કર્યા છે.
જસપ્રીત બુમરાહ
ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શાનદાર ફોર્મમાં છે. એશિયા કપમાં ઈજામાંથી સાજા થયા બાદ તેણે પુનરાગમન કર્યું હતું. તે ટીમ ઈન્ડિયા માટે મોટો મેચ વિનર સાબિત થયો છે. તેણે ઓક્ટોબર મહિનામાં ટીમ માટે કુલ 14 વિકેટ લીધી હતી. તેનો ઈકોનોમી રેટ 3.91 રહ્યો છે. જે તદ્દન યોગ્ય પણ સાબિત થયો છે. તેણે અફઘાનિસ્તાન સામે 4 અને ઈંગ્લેન્ડ સામે 3 વિકેટ ઝડપી હતી.
ક્વિન્ટન ડી કોક
દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક ઓપનર ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. તે વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે ટીમ માટે 8 મેચમાં 550 રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધી વર્લ્ડ કપમાં ચાર સદી ફટકારી છે. તેણે બાંગ્લાદેશ સામે 174 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય તેણે ઓક્ટોબર મહિનામાં 10 કેચ અને એક સ્ટમ્પિંગ પણ કર્યું હતું.
રચિન રવિન્દ્ર
ન્યુઝીલેન્ડનો યુવા ખેલાડી રચિન રવિન્દ્ર પોતાનો પહેલો વર્લ્ડ કપ રમી રહ્યો છે. તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા છે. તેણે ઓક્ટોબર મહિના દરમિયાન ટૂર્નામેન્ટમાં કિવિઝની પ્રથમ છ મેચમાં 81.20ની સરેરાશથી કુલ 406 રન બનાવ્યા છે. રવિન્દ્રએ ઈંગ્લેન્ડ સામે 123 રનની અણનમ ઈનિંગ રમીને હેડલાઈન્સ બનાવી હતી. આ પછી તેણે ઓસ્ટ્રેલિયા સામે પણ 116 રન બનાવ્યા હતા. હાલ તે વર્તમાન ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ત્રીજા સ્થાને છે.