
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં જોરદાર બોલિંગ પ્રદર્શન કરનાર ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે આજે જાહેર થયેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલની ટેસ્ટ રેન્કિંગમાં 10 ક્રમનો કુદકો મારીને ટોપ ટેનમાં વાપસી કરી છે, જો કે ભારતીય કેપ્ટનને બેટિંગમાં મળેલી નિષ્ફળતાને કારણે નુકસાન થતાં તે ચોથાથી પાંચમા સ્થાને સરકી ગયો છે. સપ્ટેમ્બર 2019માં કેરિયર બેસ્ટ ત્રીજા ક્રમે પહોંચેલા બુમરાહે નોટિંઘમ ટેસ્ટમાં 9 વિકેટ ખેરવી તેની સાથે તે 10 ક્રમની છલાંગ લગાવીને ટોપ ટેનમાં 9માં ક્રમે પહોંચી ગયો છે. કોહલી આ ટેસ્ટમાં શૂન્ય રને આઉટ થવાના કારણે એક ક્રમ નીચે સરકી ગયો છે, જ્યારે ટેસ્ટમાં એક સદી અને અર્ધસદી ફટકારનાર ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ એક ક્રમ ઉપર ચઢીને ચોથા સ્થાને પહોંચ્યો છે. રોહિત શર્મા અને ઋષભ પંત છઠ્ઠા અને સાતમા ક્રમે યથાવત રહ્યા છે.