Sports

ICC નવું રેન્કિંગ લિસ્ટ જાહેરઃ રોહિત શર્મા વિશ્વનો બીજા નંબરનો શ્રેષ્ઠ વન-ડે બેટ્સમેન, જાણો પહેલાં નંબરે કોણ છે..

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આજે તા. 14 ઓગસ્ટ 2024ના રોજ નવું રેન્કિંગ લિસ્ટ બહાર પાડ્યું છે. નવા લિસ્ટમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા વન-ડે બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ત્રીજા નંબરે ઉતર્યો છે. ગિલ પછી ચોથા સ્થાને વિરાટ કોહલી છે.

પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ વનડેમાં બેટ્સમેનોની યાદીમાં ટોચ પર પ્રથમ સ્થાને છે. જોકે, રોહિત શર્મા તેનાથી બહુ પાછળ નથી. રોહિતના 765 રેટિંગ પોઈન્ટ છે જ્યારે બાબર આઝમના 824 રેટિંગ પોઈન્ટ છે. રોહિતે તાજેતરમાં શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં 157 રન બનાવ્યા હતા. શ્રીલંકાના બેટ્સમેન પથુમ નિસાંકા પણ આ જ શ્રેણીમાં 101 રન બનાવીને આઠમા સ્થાને પહોંચી ગયો છે. કુસલ મેન્ડિસ (પાંચ સ્થાન ઉપરથી 39મા ક્રમે) અને અવિષ્કા ફર્નાન્ડો (20 સ્થાન ઉપરથી 68મા ક્રમે)ના રેન્કિંગમાં પણ સુધારો થયો છે.

નેધરલેન્ડનો આક્રમક ઓપનિંગ બેટ્સમેન મેક્સ ઓ’ડાઉડ 54માં ક્રમે અને અમેરિકાના મોનાંક પટેલ 56માં ક્રમે પહોંચ્યા છે. અમેરિકાના નોસ્ટુશ કેન્ઝીગે 49માં ક્રમે અને શ્રીલંકાના સ્પિનર ​​ડ્યુનિથ વેલાલેજ 59માં ક્રમ સાથે ODI બોલિંગ રેન્કિંગમાં પ્રભુત્વ ધરાવે છે. બોલિંગ રેન્કિંગમાં કેશવ મહારાજ પ્રથમ, જોશ હેઝલવુડ બીજા અને એડમ ઝમ્પા ત્રીજા સ્થાને છે.

ટેસ્ટ ક્રિકેટમાં બાવુમાનો ફાયદો
ટેસ્ટ રેન્કિંગમાં પણ થોડો ફેરફાર જોવા મળ્યો છે. બેટ્સમેનોના લિસ્ટમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ તેની ટેસ્ટ કારકિર્દીનું સર્વોચ્ચ રેટિંગ હાંસલ કર્યું છે. બાવુમાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં 6 અને 15* રનની ઈનિંગ્સ રમી હતી. બેટ્સમેનોની યાદીમાં બાવુમા બે સ્થાનની છલાંગ લગાવીને 16માં સ્થાને પહોંચી ગયો છે.

જ્યારે દક્ષિણ આફ્રિકાના ઓપનર ટોની ડી જોર્ઝી 29 સ્થાનના સુધારા સાથે 85માં સ્થાને પહોંચી ગયો છે. જોરજીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન પ્રથમ દાવમાં 78 રન બનાવ્યા હતા. ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં જેસન હોલ્ડર (ત્રણ સ્થાન ઉપરથી 67માં ક્રમે) અને એલેક અથાનાઝ (12 સ્થાન ઉપરથી 76માં ક્રમે)નો પણ ફાયદો થયો છે.

જ્યારે કેશવ મહારાજ ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં પ્રભુત્વ ધરાવે છે. મહારાજે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન બંને દાવમાં ચાર-ચાર વિકેટ લીધી હતી, જેના કારણે દક્ષિણ આફ્રિકાના સ્પિનરે સાત સ્થાનનો સુધારો કર્યો હતો અને હવે તે 21માં સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝનો સ્પિનર ​​જોમેલ વોરિકન હવે 12 સ્થાનના ફાયદા સાથે 54માં સ્થાને છે.

Most Popular

To Top