નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023ની (ICC ODI World Cup 2023) આખીય ટુર્નામેન્ટમાં તમામ 10 મેચો જીત્યા બાદ ભારત (India) 19મી નવેમ્બરના રોજ અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાયેલી ફાઈનલ મેચ (The final match) ઓસ્ટ્રેલિયા (Australia) સામે ખરાબ રીતે હારી ગયું હતું.
આ સાથે જ ભારતે વર્લ્ડકપ જીતવાની તક ગુમાવી હતી. હવે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર જે પીચ (Pitch) પર ફાઈનલ મેચ રમાઈ હતી તે અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. ખુદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ માટેની પિચ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જૂની પીચ પર યોજાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો હતો, ત્યારબાદ તેણે અમદાવાદની ધીમી પીચ પર ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા રમવા આવેલી ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં માત્ર 240 રન જ બનાવી શકી હતી. આ પછી કાંગારૂ ટીમના ઓપનર ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રનની મદદથી માત્ર 43 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
હવે આઈસીસીએ વન ડે વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં તમામ મેચો જે પીચો પર રમાઈ હતી તેનું રેટિંગ જાહેર કર્યું છે. આઈસીસી અનુસાર 19મી નવેમ્બરે ફાઈનલ મેચ જે પીચ પર રમાઈ હતી તે એવરેજ હતી. તે ઉત્તમ નહોતી. આ ઉપરાંત કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી સેમીફાઈનલની પિચને પણ ‘એવરેજ’ તરીકે રેટિંગમાં વર્ણવવામાં આવી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચની પીચને લઈને ઘણો વિવાદ થયો હતો, જોકે આઈસીસીએ તેને ‘ગુડ’ ની કેટેગરીમાં સામેલ કરી છે. વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 49.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ત્યારબાદ 47.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
ભારતની પાંચ મેચોની પિચ એવરેજ
એકંદરે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં 11 મેચ રમી છે. ICCએ આમાંથી પાંચ મેચમાં પિચને એવરેજ રેટિંગ આપ્યું છે. ફાઈનલ ઉપરાંત કોલકાતામાં દક્ષિણ આફ્રિકા, લખનૌમાં ઈંગ્લેન્ડ, અમદાવાદમાં પાકિસ્તાન અને ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની યજમાન ટીમની મેચોની પીચોને સરેરાશ રેટિંગ આપવામાં આવ્યું છે.
આશ્ચર્યજનક રીતે, વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ સેમિફાઇનલની પીચ એક મોટા વિવાદ થયો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લી ઘડીએ પીચ બદલવામાં આવી હતી, જોકે તે પીચને ગુડ રેટિંગ મળ્યું છે. જૂની પિચ પર રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટે 397 રન બનાવ્યા હતા જેના જવાબમાં કિવી ટીમે 48.5 ઓવરમાં 327 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામેની ભારતની મેચોમાં ICCની બે પીચોની રેટિંગની ટીકા કરી હતી.
એન્ડી પાયક્રોફ્ટ અને જાવાગલ શ્રીનાથે પિચ રેટિંગ આપ્યું
ફાઈનલ માટેની પિચ રેટિંગ ICC મેચ રેફરી અને ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ બેટ્સમેન એન્ડી પાયક્રોફ્ટ દ્વારા આપવામાં આવી હતી. બીજી સેમિફાઇનલ માટે પીચ રેટિંગ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે આપ્યું છે.