Sports

ICC Awards: જસપ્રીત બુમરાહ 2024ના શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર, સ્મૃતિ મંધાના પ્લેયર ઓફ ધ ઇયર

ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને 2024ના શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઉપરાંત ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટ, ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બ્રુક અને શ્રીલંકાના કમિન્ડુ મેન્ડિસને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા પરંતુ બુમરાહે તે બધાને હરાવીને એવોર્ડ જીત્યો. આ દરમિયાન મહિલા ICC પ્લેયર ઓફ ધ યરનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ICC એ આ ખિતાબ સ્મૃતિ મંધાનાને આપ્યો છે.

બુમરાહે તાજેતરમાં ટેસ્ટમાં 200 વિકેટ પૂર્ણ કરી છે. બુમરાહ 2024 માં ટેસ્ટ ક્રિકેટનો શ્રેષ્ઠ બોલર રહ્યો છે. તેણે ૧૩ મેચોમાં ૧૪.૯૨ ની સરેરાશ અને ૩૦.૧૬ ના સ્ટ્રાઇક રેટથી ૭૧ વિકેટ લીધી, જે પરંપરાગત ફોર્મેટમાં કોઈપણ બોલર દ્વારા શ્રેષ્ઠ છે. ICC એ પર્થમાં બુમરાહના મેચ બદલનારા સ્પેલને તેના સૌથી યાદગાર પ્રદર્શનમાંનો એક ગણાવ્યો, જેના કારણે ભારતને 295 રનથી જીત મળી.

બુમરાહ દિગ્ગજોની યાદીમાં જોડાયો
૭૧ વિકેટ લીધા પછી, બુમરાહ એક કેલેન્ડર વર્ષમાં ૭૦ થી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ચોથો ભારતીય બોલર બન્યો છે. આ રીતે તે રવિચંદ્રન અશ્વિન, અનિલ કુંબલે અને કપિલ દેવની યાદીમાં જોડાયો છે.

આ દરમિયાન મહિલા ICC પ્લેયર ઓફ ધ યરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ICC એ આ ખિતાબ સ્મૃતિ મંધાનાને આપ્યો છે. વર્ષ 2024 માં ડાબોડી ઓપનર સ્મૃતિ મંધાનાએ ODI ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને રનનો વિશાળ પર્વત બનાવ્યો હતો. તેણે વર્ષ દરમિયાન માત્ર પોતાની જાતમાં વધુ સુધારો જ કર્યો નહીં પરંતુ સાથે ઉચ્ચ સ્તરની ટીમો સામે સતત મોટી ઇનિંગ્સ પણ રમી.

જૂનમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની 3-0થી શ્રેણી જીતમાં સ્મૃતિ મંધાનાએ બે સદી ફટકારી હતી. આ પછી ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડ સામેની કરો યા મરો મેચમાં બીજી સદી ફટકારી, જેનાથી તેનું મનોબળ વધ્યું, અને તેણે ડિસેમ્બરમાં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે પડકારજનક સદી ફટકારીને પોતાની સાતત્યતા દર્શાવી. ૨૦૨૪માં મંધાનાએ ૧૩ મેચમાં ૭૪૭ રન બનાવ્યા, જે તેના કરિયરનો શ્રેષ્ઠ આંકડો હતો. તે આ વર્ષે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની, ત્યારબાદ લૌરા વોલ્વાર્ડ (697), ટેમી બ્યુમોન્ટ (554) અને હેલી મેથ્યુઝ (469)નો ક્રમ આવે છે.

Most Popular

To Top