નવી દિલ્હી: વિશ્વભરના ક્રિકેટ ચાહકો લાંબા સમયથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (World Test Championship) અંતિમ તારીખોની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે એટલે કે બુધવારે ICCએ તારીખોની જાહેરાત કરી છે. આ મોટી મેચ ઈંગ્લેન્ડના (England) ઓવલ (Oval) મેદાન પર રમાશે. જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (Final) જૂનના પહેલા સપ્તાહમાં રમાશે.
ICCએ તારીખો જાહેરા કરી
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજા એડિશનની ફાઇનલ 7 થી 11 જૂન દરમિયાન લંડનમાં ઓવલ મેદાનમાં રમાશે. ત્યારે 12 જૂને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. આ પહેલા ગયા વર્ષે ન્યુઝીલેન્ડે સાઉથમ્પટનમાં 2021ની ફાઇનલમાં ભારતને આઠ વિકેટે હરાવીને પ્રથમ ટાઇટલ જીત્યું હતું. હાલમાં, ઓસ્ટ્રેલિયા 75.56 પોઈન્ટ ટકાવારી સાથે પોઈન્ટ ટેબલમાં નંબર વન છે અને તેમની પાસે ક્વોલિફાઈ થવાની સૌથી વધુ તકો છે. આ પછી ભારતનો નંબર આવે છે જેમના 58.93 પોઈન્ટ છે. નાગપુરમાં 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં બંને ટીમો આમને-સામને થશે. આ સિરીઝમાં ફાઈનલ રમનાર બંને ટીમો માટે નિર્ણય લેવામાં આવશે.
આ લીસ્ટમાં ત્રીજું નામ શ્રીલંકાનું છે. જેની જીતની ટકાવારી 53.33 છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકા 48.72 જીતની ટકાવારી સાથે ચોથા નંબર પર છે. આ બંને ટીમો પાસે હજુ પણ ફાઇનલમાં પહોંચવાની મોટી તક છે. શ્રીલંકાને ન્યુઝીલેન્ડ સામે બે ટેસ્ટ રમવાની છે. જ્યારે દક્ષિણ આફ્રિકા બે મેચની હોમ ટેસ્ટ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાવાનું છે.
ઓસ્ટ્રેલિયાએ પહેલા જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ સાથે જ ભારતને ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે જ 4 મેચનો સીરિઝમાં ધૂળ ચટાડવી પડશે. હાલમાં, ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ટોચની બે ટીમો છે, જો કે તેઓ ટોચ પર રહેશે કે નહીં તે બોર્ડર ગાવસ્કર શ્રેણી અને ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા શ્રેણી પર નિર્ભર રહેશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે 4-0થી સિરીઝ જીતવી પડશે. જો યજમાન ટીમ 3-0થી જીતે અથવા 3-1થી જીતે તો પણ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી શકે છે. ત્યારે નાગપુરમાં 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું બાકીનું શેડ્યૂલ:
- ભારત વિ ઓસ્ટ્રેલિયા (1લી ટેસ્ટ) – નાગપુર, ભારત, 9-13 ફેબ્રુઆરી
- ભારત વિ ઓસ્ટ્રેલિયા (બીજી ટેસ્ટ) – દિલ્હી, ભારત, 17-21 ફેબ્રુઆરી
- ભારત વિ ઓસ્ટ્રેલિયા (ત્રીજી ટેસ્ટ) – ધર્મશાલા, ભારત, 1-5 માર્ચ
- ભારત વિ ઓસ્ટ્રેલિયા (ચોથી ટેસ્ટ) – અમદાવાદ, ભારત, 9-13 માર્ચ
- દક્ષિણ આફ્રિકા વિ વેસ્ટ ઈન્ડિઝ (1લી ટેસ્ટ) – સેન્ચુરિયન, દક્ષિણ આફ્રિકા, 28 ફેબ્રુઆરી-4 માર્ચ
- દક્ષિણ આફ્રિકા વિ વેસ્ટ ઈન્ડિઝ (બીજી ટેસ્ટ) – જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા, 8-12 માર્ચ
- ન્યુઝીલેન્ડ વિ શ્રીલંકા (1લી ટેસ્ટ) – ક્રાઈસ્ટચર્ચ, ન્યુઝીલેન્ડ, 9-13 માર્ચ
- ન્યુઝીલેન્ડ વિ શ્રીલંકા (બીજી ટેસ્ટ) – વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ, 17-21 માર્ચ