ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) બોર્ડે ગુરૂવારે અહીં મળેલી બેઠકમાં ડિસીઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)ના એક ભાગ એવા અમ્પાયર્સ કોલને જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે ડીઆરએસ સંબંધિત જે પ્રોટોકોલ છે તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી સીરિઝ દરમિયાન અમ્પાયર્સ કોલ બાબતે ખાસ્સો વિવાદ સર્જાયો હોવા છતાં આ બેઠકમાં તેને યથાવત જાળવી રાખવાની સામાન્ય સમજૂતી સધાઇ હતી.
હાલના સમયે આઇસીસીનો જે નિયમ છે તે અનુસાર જો ફિલ્ડ અમ્પાયર નોટઆઉટ આપે અને તેને પડકારવામાં આવે તો તેને બદલવા માટે બોલનો 50 ટકાથી વધુ ભાગ ઓછઓમાં ઓછું એક સ્ટમ્પ સાથે અથડાવો જોઇએ, એમ ન હોય તો બેટ્સમેન નોટઆઉટ રહે છે.
બુધવારે આઇસીસી બોર્ડની બેઠક પછી ગવર્નીંગ બોડી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આઇસીસીની ક્રિકેટ કમિટીના વડા અને માજી ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ કહ્યું હતું કે અમ્પાયર્સ કોલ બાબતે ક્રિકેટ કમિટીમાં જોરદાર ચર્ચા થઇ હતી અને તેના ઉપયોગનું વિસ્તૃત આકલન કરવામાં આવ્યું હતું.
કુંબલેએ કહ્યું હતુ કે ડીઆરએસનો સિદ્ધાંત એવો છે કે મેચ દરમિયાનની ભુલોને દૂર કરી શકાય અને તેની સાથે જ એ પણ સુનિશ્ચિત થાય કે મેદાન પર નિર્ણય કરનારા અમ્પાયરની ભૂમિકા પણ જળવાઇ રહે. અમ્પાયર્સ કોલથી એવું થાય છે અને એ જ કારણે તેને જાળવી રાખવામાં આવે તે મહત્વપૂર્ણ છે.
એ ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં જ રમાયેલી સીરિઝ દરમિયાન અમ્પાયર્સ કોલ બાબતે વિરાટ કોહલીએ તે મૂંઝવણ વધારનારો હોવાનું કહ્યું હતું. જ્યારે માજી કેપ્ટન સુનિલ ગાવસ્કર, વીવીએસ લક્ષ્મણ અને ઇરફાન પઠાણે પણ આ બાબતે પોતપોતાનો મત આપ્યો હતો.
આઇસીસીએ ડીઆરએસ અને થર્ડ અમ્પાયર સાથે જોડાયેલા નિયમમાં ત્રણ નજીવા ફેરફાર કર્યા
આઇસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે એલબીડબલ્યુ રિવ્યુ માટે વિકેટ ઝોનની ઉંચાઇને વધારીને સ્ટમ્પની ટોચ સુધી કરી દેવામાં આવી છે. તેનો મતલબ એ છે કે હવે રિવ્યુ લેવાય ત્યારે બેલ્સની ઉપર સુધીની ઉંચાઇને ધ્યાને લેવાશે.
આ પહેલા બેલ્સના નીચલા હિસ્સા સુધીની ઉંચાઇને ધ્યાને લેવાતી હતી. તેનાથી વિકેટ ઝોનની ઉંચાઇ વધી જશે. એલબીડબલ્યુના નિર્ણયની સમિક્ષા પર નિર્ણય લેતા પહેલા ખેલાડી અમ્પાયરને પુછી શકશે કે બોલને રમવાનો વાસ્તવિક પ્રયાસ કરાયો હતો કે નહીં. આ સાથે જ થર્ડ અમ્પાયર શોર્ટ રનની સ્થિતિમાં રિપ્લેમાં તેની સમિક્ષા કરી શકશે અને જો કોઇ ભુલ હોય તો તે પછીનો બોલ ફેંકાતા પહેલા તે સુધારી શકશે.
કોવિડ-19 ક્વોરેન્ટાઇનને ધ્યાને લઇને 23 સભ્યોની ટીમ સાથે વધારાના 7 સભ્યોને લઇ જવા આઇસીસીની મંજૂરી
કોવિડ-19 ક્વોરેન્ટાઇનની જરૂરિયાતોને ધ્યાનમાં લઇને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)એ ગુરૂવારે સીનિયર લેવલની પોતાની ઇવેન્ટ દરમિયાન 7 વધારાના ખેલાડી કે સપોર્ટ સ્ટાફને ટીમ સાથે જોડવાની મંજૂરી આપી હતી. આ નિર્ણયને કારણે ભારતીય ટીમ જૂનમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં 30 મજબૂત ખેલાડીઓની ટીમને લઇ જઇ શકશે.
આ નિર્ણય આઇસીસી બોર્ડની શ્રેણીબદ્ધ વર્ચ્યુઅલ મીટિંગ પછી લેવામાં આવ્યો હતો. વૈશ્વિક બોડીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ-19 ક્વોરેન્ટાઇનના નિયમોને ધ્યાને લઇને આઇસીસીની સીનિયર લેવલની ઇવેન્ટ માટે હવે 23 સભ્યોની ટીમની સાથે 7 વધારાના ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફના સભ્યોને લઇ જઇ શકાશે.