એક પછી એક બોરિંગ મીટિંગ્સમાં જોતરાયેલાં રહેતાં સરકારી બાબુઓની છબિ આપણા દિમાગમાં હજુ હમણાં સુધી એક કડક અધિકારી તરીકેની હતી. આપણે એવું સમજતા હતા કે આ પ્રોફેશનમાં એવાં લોકો જ હોય છે, જેઓ ખરેખર ભણવામાં પહેલેથી હોંશિયાર હોય, જેનામાં સમાજ માટે કંઈક કરવાની ભાવના હોય, સમાજના અલગ અલગ વર્ગના લોકોને સમજી શકતા હોય, એ જ સરકારી ઓફિસોમાં ત્રણ મોઢાંવાળા સિંહની નીચે બેસીને તેમના વિભાગના વિવિધ અધિકારીઓ સાથે એક પછી એક બેઠકો લઈ શકતા હોય કે પછી નેતાઓની પાછળ પાછળ ફરી શક્તા હોય! આવા સ્કોલર્સ જ સિવિલ સર્વિસિસ એટલે કે IAS (ભારતીય સનદી અધિકારી) બની શકે.
હજુ પણ તમે આવું વિચારતા હોવ તો તમે હજુ જૂની પેઢીના સરકારી જમાઈઓની વાત કરી રહ્યા છો. હવે એ બધું ભૂલી જજો! આજકાલ સોશ્યલ મીડિયા આ અધિકારીઓની પ્રોફેશનલ લાઈફને ગ્લેમરસ બનાવીને પીરસી રહ્યું છે. જે અધિકારીઓ હજુ ગઈકાલ સુધી તેની ચેમ્બરના બંધ દરવાજા પાછળથી તંત્રને ચલાવતા હતા તેઓ આજે લાખો ફોલોઅર્સ, અઢળક લાઇક્સ અને કમેન્ટ્સ મેળવી રહ્યા છે! IASની ઇન્સ્ટા પેઢી આજે સેલિબ્રિટી સ્ટેટસ ગણાય છે! IAS અધિકારીઓની ડેઇલી લાઈફ આજે ખૂબ જ આકર્ષક બની ગઈ છે! થેન્ક્સ ટુ ઇન્સ્ટાગ્રામ! જો એક કોમન મહિલા કમ્પ્યુટર સામે બેસીને ‘મન્ડે બ્લૂઝ’ની કૅપ્શન લખીને પોસ્ટ શેર કરે તો લોકો તેને સ્ક્રોલ કરીને આગળ નીકળી જશે પણ આ જ પોસ્ટ ટીના ડાબી – IAS, મતલબ કે સિવિલ સર્વિસીઝની પહેલી દલિત ટોપર મહિલા આવી પોસ્ટ મૂકે તો તેને 80 થી 90 હજાર લાઇક્સ તો આમ જ મળી જાય છે!
ટીના ડાબીની જ આ વાત નથી, બ્લ્યૂ રંગના બ્લેઝરમાં કાગળોના ઢગલા સામે આ યુવક તસવીર ખેંચીને જયારે ઇન્સ્ટા પર મૂકે છે ત્યારે તે વાયરલ થઈ જાય છે! આ છે IAS તુષાર સિંગલા, જે આઈઆઈટીયન પણ છે. એટલું જ નહીં, તુષારના મેરેજ એક મહિલા IPS (ભારતીય પોલીસ સેવા) અધિકારી સાથે થયા પછી તો તેની પ્રોફાઈલ ઔર મોટી બની ગઈ છે. તેની એક એક પોસ્ટમાં તસવીરો પર જોવા મળેલા ઘણા બધા હાર્ટ અને ફાયર ઇમોજી દર્શાવે છે કે તે યુવાનોમાં કેટલા લોકપ્રિય છે. આવું જ કંઈક IAS અતહર આમિર ખાનના ઇન્સ્ટા પર જોવા મળે છે. અતહર જયારે એક ઇન્સ્ટા પોસ્ટ દ્વારા તેના ભાવિ જીવનસાથી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે ત્યારે એ પોસ્ટ ‘ઇન્ટરનેટ પર આગ લગાડી દે છે’.
સિવિલસેવકોએ હંમેશાં પોતાને લો પ્રોફાઇલ રાખ્યા છે, પરંતુ IAS ની એક નવી પેઢીએ સોશ્યલ મીડિયા પર પોતાના માટે એક અલગ જ સ્થાન બનાવ્યું છે. તેઓ ઝડપથી સોશ્યલ મીડિયા સેન્સેશન બની રહ્યા છે! એક રિપોર્ટ એવું દર્શાવે છે કે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા IAS અધિકારીઓએ લોકપ્રિયતાનું એક સ્તર હાંસલ કરી લીધું છે, જ્યાં તેઓ દેશની કોઈ સેલિબ્રિટી કે ઈનફ્લુએન્સરથી તેઓ જરા પણ પાછળ નથી. સિવિલ સર્વન્ટ અને અભિનેતા અભિષેક સિંઘ (જેના 30 લાખ ફોલોઅર્સ છે)થી શરૂ કરીને સર્જના યાદવ (જેના 2.27 લાખ ફોલોઅર્સ છે) સૌથી વધુ ફોલો કરવામાં આવતા નવી પેઢીના સનદી અધિકારીઓ છે.
ભારતના ટોચના આવા 10 IAS અધિકારીઓની દરેક પોસ્ટ માટે સરેરાશ 20,000 લાઈક્સ મળે છે! ભલે, હજુ આ ઊગતી એક નવી સેલિબ્રિટીની પેઢી ટોપ-10 સેલિબ્રિટી એકાઉન્ટ્સ (જેમ કે ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેતા કેટરિના કૈફ)ની જેમ પોપ્યુલર નથી, જે સરેરાશ પોસ્ટ દીઠ 6,71,800 લાઇક્સ મેળવે છે. બાય ધ વે, આ અધિકારીઓ હજુ પણ ટોપ-10 ઈનફ્લુએન્સર (જેમ કે કેરીમિનાટી વગેરે)થી દૂર છે, જેની દરેક પોસ્ટને 81,965 લાઈક્સ મળે છે. આમ છતાં તેમની સિદ્ધિ અને પ્રભાવની આભા અને તેમની સરકારી કચેરીઓમાંથી આવતા તેમના ફોટોગ્રાફ્સ જોતાં, આ IAS ઇન્સ્ટાગ્રામર પ્રશંસાનો જે સ્વાદ માણી રહ્યા છે, તેને ઓછો આંકી શકાય તેમ નથી.
તમને એવો પ્રશ્ન નથી થતો કે આખરે, આ યુવા સનદી કર્મચારીઓને ઈન્સ્ટા પર પોસ્ટ કરવાથી શું મળે છે, ખાસ કરીને જ્યારે તેમને સોશ્યલ મીડિયા પર સ્થાન બનાવવાની અથવા પ્રખ્યાત થવાની જરૂર નથી! અલબત્ત, જયારે પણ ઇન્સ્ટા પર આ ટોચના 10 IAS અધિકારીઓને પૂછવામાં આવ્યું કે – તેઓ સોશ્યલ મીડિયા પર કેમ સક્રિય છે, ત્યારે તેમના જવાબો સામાન્ય રીતે લોકો સાથે ‘જોડાવા’થી લઈને સરકારી યોજનાઓ વિશે અપડેટ્સ શેર કરવા સુધીના હતા. આવા જ એક IAS જુનૈદ અહમદ, હાલમાં ઉત્તર પ્રદેશમાં ઝાંસીના મુખ્ય વિકાસ અધિકારી છે, 2018માં સિવિલ સર્વિસ પરીક્ષામાં ત્રીજા ક્રમે આવ્યા હતા અને હાલમાં ઇન્સ્ટા પર લગભગ 3 લાખ ફોલોઅર્સ ધરાવે છે.
અહમદનું કહેવું છે કે, તેઓ તેમના કામ વિશે અપડેટ્સ શેર કરવા અને તેમની સાથે વાત કરવા માગતાં લોકો માટે એક કમ્યુનિકેટ ચેનલ તરીકે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. ખાસ કરીને કોવિડ દરમિયાન, સોશ્યલ મીડિયા તેમના માટે એક વરદાન હતું. લોકો મદદ માટે સીધો સંદેશો મોકલી શકતા હતા. જ્યાં પણ શક્ય હોય, હું સહાય માટે સંકલન કરવામાં સક્ષમ હતો. ઇન્સ્ટા પર IAS અધિકારીનું એકાઉન્ટ્સ હોય તો હકીકત એ છે કે તેઓ ઝડપથી ફોલોઅર્સ મેળવી લે છે. ટીના ડાબીના માર્ચ 2020માં લગભગ 5 લાખ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ હતા પરંતુ હવે 10.6 લાખ છે. સૃષ્ટિ દેશમુખના નવેમ્બર 2020માં 5.73 લાખ ફોલોઅર્સ હતા અને હવે 10.9 લાખ છે. ટીનાની બહેન રિયા ડાબી, જે એક નવા IAS અધિકારી છે, જુલાઈથી માત્ર 6 વખત પોસ્ટ કરી છે પરંતુ ત્યારથી તેના 19,000 ફોલોઅર્સ થઈ ગયા છે.
જો કે, આજકાલ નવી પેઢીના આ IAS ઇન્સ્ટાગ્રામરથી તેમના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ ખાસ પ્રભાવિત નથી. તેઓ એવું સ્પષ્ટ માને છે કે નવી પેઢીના ઇન્સ્ટાગ્રામર IAS દ્વારા શેર કરાતી પોસ્ટ મોટાભાગે પ્રસિદ્ધિ મેળવવા માટે જ હોય છે. તે નાગરિક સેવાઓના ‘સિદ્ધાંતો’નું ઉલ્લંઘન કરે છે અને તેમની કારકિર્દીને પણ નુકસાન પહોંચાડી શકે છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર અને 1971 બેચના IAS ડૉ. એસ.વાય.કુરેશીનું કહેવું છે કે – કરિશ્મેટિક પબ્લિક ઓફિસર કે જેને લોકો પસંદ કરે છે એ અને પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરતા અધિકારી વચ્ચે એક ભેદરેખા છે.
તેઓ આગળ કહે છે કે, એક IAS છે જે દિવસમાં 4 થી 5 વખત અલગ અલગ પોશાક પહેરીને તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે છે. મને શરૂઆતમાં લાગ્યું કે તે એક ફેશન મોડલ છે! વધુમાં તેમનું કહેવું છે કે – જાહેર અધિકારીઓ અસરકારક કમ્યુનિકેટર હોવા જોઈએ. તેઓ તેમની સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકેની પ્રથમ પોસ્ટિંગથી સમાજને સીધી સેવા આપતા હોવાથી સમાજના એ વર્ગ સાથે સીધી રીતે જોડાવું જોઈએ. આ માટે જો સોશ્યલ મીડિયા ઉપયોગી હોય તો તેનો યુઝ કરવામાં કોઈ વાંધો નથી.
અલબત્ત, તેઓ એવું પણ માને છે કે, આજકાલની બ્યુરોક્રેટ્સની આ પેઢી સોશ્યલ મીડિયા દ્વારા મંત્રીઓ અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓના ધ્યાનમાં રહેવાની કોશિશ પણ કરતા રહે છે. અલબત્ત, સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો સોશ્યલ મીડિયા એક અસરકારક સાધન બની શકે છે પરંતુ તેની વિપરીત અસર પણ થઈ શકે છે. એ ન ભૂલવું જોઈએ કે સોશ્યલ મીડિયા તમારી રોજિંદી જિંદગીનો પીછો કરે છે. એક અધિકારી માટે સોશ્યલ મીડિયા તેમના કામ, સરકારી કાર્યક્રમો અને યોજનાઓ વિશેની માહિતી પ્રસારિત કરવા માટે શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે છે પરંતુ સ્વ-પ્રમોશન અને વ્યક્તિગત લાભ માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ તેમને લાંબા ગાળે અસર કરશે અને તે તેમની કારકિર્દીને ખતમ કરી શકે છે એટલે નવી પેઢીના સનદી અધિકારીએ આ વાત સુપેરે સમજવી જરૂરી છે કારણ કે એક વખત પોસ્ટિંગ મળ્યા પછી તેઓ પબ્લિક સર્વન્ટ બની જતા હોય છે.