મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં 34 વર્ષીય તાલીમાર્થી IAS ઓફિસર પૂજા (Pooja) ખેડકર તેની UPSC પસંદગીને લઈને વિવાદમાં છે. હવે તેના નામે કરોડોની સંપત્તિનો ખુલાસો થયો છે. પૂજા ખેડકર લગભગ 17-22 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. વર્ષ 2023માં જોડાતા પહેલા સરકારને આપેલી તેની સ્થાવર મિલકતની વિગતોમાં પૂજાએ જણાવ્યું કે તેણે 2015માં પુણેના મ્હાલુંગેમાં 2 પ્લોટ ખરીદ્યા હતા. જેમાં તેણે એક પ્લોટ 42 લાખ 25 હજાર રૂપિયામાં અને બીજો પ્લોટ 43 લાખ 50 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. હાલમાં બંને પ્લોટની બજાર કિંમત રૂ. 6 થી 8 કરોડની વચ્ચે છે.
પૂજાએ 2018માં પુણેના ધાનેરી વિસ્તારમાં 4.74 હેક્ટર જમીન 20 લાખ 79 હજાર રૂપિયામાં ખરીદી હતી. તેની વર્તમાન કિંમત 3 થી 4 કરોડ રૂપિયા છે. પૂજાએ 2020માં કેંધવામાં 724 ચોરસ ફૂટનો ફ્લેટ 44 લાખ 90 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો જેની કિંમત હાલમાં 75 લાખ રૂપિયા છે.
કરોડોની પ્રોપર્ટીમાંથી દર વર્ષે 45 લાખ રૂપિયાની આવક
પૂજાના અહેમદનગરમાં તેના નામે ત્રણ પ્રોપર્ટી પણ છે. જેમાંથી તેની માતાએ તેને 2014માં બે જમીન ભેટમાં આપી હતી. તેમની કિંમત લગભગ 1.25 કરોડ રૂપિયા છે. પૂજાએ પોતે 2019માં સાવેદીમાં 20 લાખ 25 હજાર રૂપિયામાં જમીન ખરીદી હતી. હાલમાં તેની કિંમત 45 લાખ રૂપિયા છે. આ તમામ 7 પ્રોપર્ટીમાંથી પૂજા દર વર્ષે લગભગ 42 લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. પૂજાના પિતા દિલીપ ખેડકરના નામે લગભગ 40 કરોડ રૂપિયાની સંપત્તિ છે. દિલીપ ખેડકર મહારાષ્ટ્ર સરકારના નિવૃત્ત વહીવટી અધિકારી છે. નિવૃત્તિ પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને 2024 માં અહમદનગર બેઠક પરથી બહુજન અઘાડીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી પરંતુ હારી ગયા.
પૂજા ખેડકરની તપાસ માટે સમિતિની રચના
કેન્દ્રએ ગુરુવારે (11 જુલાઈ) વિવાદાસ્પદ તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકરની ઉમેદવારી ચકાસવા માટે એક સભ્યની સમિતિની રચના કરી છે. પૂજા ખેડકર પર IASમાં પદ મેળવવા માટે વિકલાંગતા અને OBC અનામત ક્વોટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. કેન્દ્રએ એક નિવેદનમાં કહ્યું કે આ તપાસ અધિક સચિવ રેન્કના અધિકારી દ્વારા હાથ ધરવામાં આવશે. આ તપાસનો હેતુ 2023 બેચના અધિકારી ખેડકરની ઉમેદવારીના દાવાઓ અને અન્ય વિગતોની ચકાસણી કરવાનો રહેશે. કમિટી બે સપ્તાહમાં પોતાનો રિપોર્ટ આપશે.
જ્યારે પૂજાને તેની તપાસ માટે રચવામાં આવેલી સમિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. પૂજાએ કહ્યું કે મને આ મામલે કંઈપણ કહેવાનો અધિકાર નથી. સરકારી નિયમો અનુસાર મને આ બાબતે બોલવાની છૂટ નથી.