Madhya Gujarat

માતૃસંસ્થાના ‘ઉત્કર્ષ’માં IAS-IPSની તાલીમ અપાશે

આણંદ: ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ- માતૃસંસ્થા દ્વારા આણંદ-વિદ્યાનગર રોડ પર નવનિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના અત્યાધુનિક વર્લ્ડ ક્લાસ મલ્ટીપર્પઝ-મલ્ટી કલ્ચરલ કોમ્પ્લેક્સ “ઉત્કર્ષ” નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ મલ્ટીપર્પઝ કોમ્પ્લેક્સમાં કોમ્પ્યુટર લેબ, લાઈબ્રેરી, મ્યુઝિક રૂમ, મલ્ટી કુઝિન ડાઈનિંગ હોલ, વીઆઇપી ડાઈનિંગ હોલ, સોલાર રૂફટોપ, ઓડિટોરિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિઝિયોથેરાપી સેન્ટરમાં ડોક્ટર્સ રૂમ, મેડિટેશન, યોગા રૂમ, થેરાપી રૂમ, ઓપન ટેરેસ યોગા સેન્ટરનું નિર્માણ થશે. સાથોસાથ આઇએએસ અને આઈપીએસની તાલીમ આપવામાં આવશે.

ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ- માતૃસંસ્થા દ્વારા નવનિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના અત્યાધુનિક વર્લ્ડ ક્લાસ મલ્ટીપર્પઝ-મલ્ટી કલ્ચરલ કોમ્પ્લેક્સ “ઉત્કર્ષ” નું ખાતમુહૂર્ત બાપ્સ સ્વામીનારાયણ મંદિર આણંદના કોઠારી ભગવતચરણસ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. માતૃસંસ્થાએ 6 માળનું સુવિધાયુક્ત મલ્ટીપર્પઝ કોમ્પ્લેક્સ રૂ. 25 કરોડના ખર્ચે ઉત્કર્ષ’નું નિર્માણ કરવાનો મેગા પ્રોજેકટ હાથ ધર્યો છે. બાપ્સ સ્વામીનારાયણ મંદિર આણંદના કોઠારી ભગવતચરણસ્વામી અને સંતોના હસ્તે ભગવાનની પૂજા વિધિ કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભગવતચરણસ્વામી અને સંતોએ આ પ્રોજેકટ વેળાસર પરિપૂર્ણ થાય તેવા આશીર્વચન આપ્યા હતા. બિલ્ડક્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ચેરમેન પરેશ ઠાકર દ્વારા માતૃસંસ્થાના ઉપસ્થિત તમામ હોદ્દેદારોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું અને સમયમર્યાદામાં પ્રોજેકટ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.

આ મલ્ટીપર્પઝ કોમ્પ્લેક્સમાં માતૃસંસ્થાના સેન્ટ્રલ હેડ ક્વાર્ટર જેમાં પ્રેસિડન્ટ રૂમ, ટ્રસ્ટીઓની રૂમ, કોન્ફરન્સ રૂમ, એડમિનિસ્ટ્રેટીવ ઓફિસ, ગેસ્ટ રૂમ, રિસેપ્શન/વેઇટિંગ લોન્જ, મહેમાનો/વીઆઇપી માટે ડાઈનિંગ રૂમ, રેકોર્ડ રૂમ બનશે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે આવાસ/રૂમો, રેકટર રૂમ, ઓફિસ-સ્ટાફ રૂમ, ઈન્ડોર ગેમ્સ રૂમ, ઓડિયો-વિડીયો રૂમ, જિમ્નેશિયમ નિર્માણ થશે. આ ઉપરાંત અન્ય સુવિધાઓમાં આઈએએસ – આઈપીએસ ટ્રેનીંગ સેન્ટરમાં મલ્ટી-પર્પઝ રૂમ અને ટીચિંગ એન્ડ લર્નિંગ ક્લાસ-રૂમ થશે.

શોપિંગ કોમ્પ્લેક્સમાં વિવિધ શોપ તેમજ પાર્કિંગ અને લિફ્ટની સુવિધા ઉભી કરાશે.અંદાજે 45 હજાર ચોરસ ફૂટમાં હોસ્ટેલના 4 માળ બંધાશે ત્યાર પછી 3 થી 6 સુધીના 4 માળમાં હોસ્ટેલ બિલ્ડીંગ 60 એર કંડીશન રૂમોની બનશે જેમાં 180 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. હોસ્ટેલની 60 રૂમોની એટ્લે કે 180 વિદ્યાર્થીઓની જે જોગવાઈ કરાઇ છે તે તમામ રૂમો એર કંડીશન તથા એટેચ ટોઇલેટ બાથરૂમની જોગવાઈ છે. ઉપરાંત દરેક રૂમમાં 3 બેડ, 3 ટેબલ, 3 ખુરશી તથા 3 કબાટની જોગવાઈ છે. દરેક ફ્લોર પર 15 રૂમ બનશે. આથી બીજા 120 વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા કરવામાં આવશે. કુલ 240 વિદ્યાર્થીઓની એક્સટેન્શન માટેની જરૂરિયાતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દરેક રૂમનો કારપેટ એરિયા 200 ચોરસ ફૂટ કરતાં વધુ લેવામાં આવ્યો છે. પ્લોટના આગળના ભાગમાં અંદાજે 15 હજાર ચોરસ ફૂટમાં વધારાની અન્ય પર્પઝ માટેની વધારાના પાર્કિંગ સાથેની જોગવાઈ થઈ છે. આ પ્રોજેકટ 18 માસમાં પૂર્ણ થવાની શક્યતા છે.આ હોસ્ટેલમાં ડી. ઝેડ. પટેલ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, ચારુસેટના વિદ્યાર્થીઓ, NRI વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રસંગે માતૃસંસ્થા, કેળવણી મંડળ અને સીએચઆરઆફના મંત્રી ડો. એમ. સી. પટેલ સીએચઆરઆફના ઉપપ્રમુખ-કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ- માતૃસંસ્થા-સીએચઆરઆફના ખજાનચી કિરણભાઈ પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ નવનીતભાઈ પટેલ, માતૃસંસ્થાના સહમંત્રી ભારતીબેન પટેલ, પ્રોજેકટ ચેરમેન વી. એમ. પટેલ, ચંદ્રકાંત પટેલ એક્ટર, જમીન દાતા પરિવારના વીપેન્દ્રભાઈ ભાઈલાલભાઈ પટેલ (સમાજ છાત્રાલય), બિલ્ડક્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ચેરમેન પરેશ ઠાકર, માતૃસંસ્થા–કેળવણી મંડળના પદાધિકારીઓ, હોદેદારો, કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top