Columns

તમને નહિ જવા દઉં

એક સત્યનિષ્ઠ વેપારી હતા. એકદમ નીતિ જાળવીને વેપાર કરતા અને એટલે જ તેમના વેપારમાં રાતદિવસ પ્રગતિ થતી હતી.સાત પેઢી ખૂટે નહિ તેટલું ધન હતું અને શેઠ શેઠાણી આ લક્ષ્મી કૃપાનો સદમાર્ગે ઉપયોગ કરતા. કર્મયોગે એક દિવસ રાત્રે લક્ષ્મીજીએ વેપારી શેઠના ઘરનો ત્યાગ કરી નીકળી જવાનું નક્કી કર્યું.રાત્રે લક્ષ્મીજી રુમઝુમ કરતાં ચાલ્યાં…વેપારીએ પૂછ્યું, ‘આપ કોણ છો?’લક્ષ્મીજીએ પોતાનો પરિચય આપતાં કહ્યું, ‘હું દેવી લક્ષ્મી છું;અત્યાર સુધી તારા ઘરમાં નિવાસ કરતી હતી, પણ હવે દૈવ યોગે અહીંથી જાઉં છું.’વેપારીએ નમ્રતાથી નમન કરી કહ્યું, ‘મા, આપ જેમ ઈચ્છો તેમ મારા ઘરમાં કોઈ તકલીફ પડી હોય તો માફ કરજો.’લક્ષ્મીજી ઘરની બહાર નીકળી ગયાં.

હજી લક્ષ્મીજી ગયાં અને પાછળ જ એક દૈવી પુરુષ બહાર નીકળતો દેખાયો.વેપારીએ પૂછ્યું, ‘આપ કોણ છો?’દૈવી પુરુષે કહ્યું, ‘હું દાન છું. હવે તારા ઘરમાં લક્ષ્મીજી જ નથી રહ્યાં એટલે હું અહીં રહી શકું તેમ જ નથી એટલે હું જાઉં છું.’ થોડી વાર થઇ અને બીજો એક સફેદ વસ્ત્ર ધારણ કરેલો પુરુષ બહાર જતો દેખાયો.શેઠે તેની સામે પ્રશ્નાર્થભરી નજરે જોયું.તે બોલ્યો, ‘હું સદાચાર છું…તારી પાસે હવે લક્ષ્મીની ખોટ થશે ત્યારે તું સત્કર્મો નહિ કરી શકે અને લક્ષ્મીની અછતમાં દુરાચાર પણ કરે તેવી શક્યતા છે એટલે હું અહીંથી સદા માટે જાઉં છું.’

લક્ષ્મીજીની વિદાય બાદ દાન અને સદાચાર પણ છોડીને ચાલ્યા ગયા અને વેપારી શેઠે કોઈને રોક્યા નહિ. પોતાના ભાગ્યનો સ્વીકાર કરી લીધો અને ઘરના મંદિર પાસે બેસી ગયા ત્યાં તો એક તેજોમય પુરુષ પણ ઘરની બહાર નીકળી રહ્યો હતો,શેઠ તેની સામે જોઈ રહ્યા.તે પુરુષ બોલ્યો, ‘હું યશ છું અને હવે તારા ઘરમાં અને જીવનમાં મારી કોઈ જગ્યા રહી નથી.’વેપારી શેઠે તેને પણ નમન કરી જવા દીધો. હવે શેઠ ઘરના દરવાજે જ બેસી પડ્યા…થોડી વાર બાદ એક સજ્જન પુરુષ ઘરની બહાર જવા માટે દરવાજા પાસે આવ્યો.શેઠે તેને પૂછ્યું, ‘હવે તમે કોણ છો?’તે સજ્જન બોલ્યા, ‘હું સત્ય છું.’ આ સાંભળતાં જ શેઠે તે પુરુષના ચરણ પકડી લીધા અને બોલ્યા, ‘તમને નહિ જવા દઉં …

ભલે મારા કર્મફ્ળે કે દૈવયોગે મા લક્ષ્મી અને દાન ,સદાચાર અને યશ મારું ઘર છોડી ગયા પણ તમને હું મારો સાથ છોડી ક્યાંય નહિ જવા દઉં.કંઈ પણ થઈ જાય. હું જીવનમાં સત્યનો સાથ નહિ છોડું.’વેપારી શેઠની સાચી ભાવના જોઈ, આગ્રહને વશ થઇ સત્ય સાથ છોડી ગયું નહિ.વેપારીએ વેપારમાં કે કોઈ પણ કાર્યમાં સત્યનિષ્ઠા છોડી નહિ.તકલીફોનો સામનો કર્યો, પણ સત્યનો સાથ જાળવી રાખ્યો અને એટલે ધીમે ધીમે ફરીથી મા લક્ષ્મી અને તેમની સાથે જ દાન ,સદાચાર અને યશ ફરી પાછા વેપારીના ઘરે આવી ગયા. જીવનની કોઇ પણ કપરી પરિસ્થિતિમાં સત્યનો સાથ છોડવો નહિ.

Most Popular

To Top