ગાંધીજીને જેટલો વિશ્વાસ પોતાની જાત પર હતો એટલો જ વિશ્વાસ કોઈને આપેલ વચન પાળવામાં પણ એમણે જાળવ્યો હતો. વિશ્વાસની આ તાકાત તો વિલાયતમાં ભણવા ગયા ત્યારે માતાને, દારૂ કે માંસનું સેવન કરવાનું વચન આપ્યું ત્યારથી એમનામાં આવેલી હતી. માતાને આપેલ વિશ્વાસને કાયમ રાખવા કેટલાય કિલોમીટર પગે ચાલીને શાકાહારી ભોજન શોધવા જતાં. ક્યારેક ભૂખ્યા પણ રહેતા હતા. પોતાના પર એટલો અતૂટ વિશ્વાસ હતો કે ‘કાગડા કૂતરાને મોતે મરીશ પણ દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું એવી પ્રતિજ્ઞા સુધ્ધાં એમણે લઈ લીધી હતી. એમણે ન માત્ર દેશવાસીઓ પરંતુ અંગ્રેજો પણ પોતાના પર વિશ્વાસ કરી શકે એવી પોતાની છબી બનાવી હતી. જાત પરના વિશ્વાસને કારણે જ તેઓ કેટલાક દિવસો સુધી અભ્યાસ કરી શકતા હતા.
એમના વિશ્વાસનો પ્રભાવ જ એવો હતો કે લોકો મન મૂકીને દાન આપવા તૈયાર થઈ જતાં. પોતાના પર અને સાથી પર એમને જેટલો વિશ્વાસ હતો એટલો જ વિશ્વાસ તેઓ દુશ્મનો પર પણ કરતાં અને એ ત્યાં સુધી કે દુશ્મનના ખોળે માથું મૂકી સૂઈ રહેવાની એમની તૈયારી હતી. વિશ્વાસને જોરે જ વહાણ ચાલે છે. કોઈના પર વિશ્વાસ રાખવાનો અર્થ છે એની કાબેલિયત અને ચારિત્ર્ય પર વિશ્વાસ. જે એને ગર્વની અને ગૌરવની લાગણી કરાવે છે. ટીમ પાસે કામ લેવામાં જેટલો ફાળો ઉત્સાહ અને પ્રેરણાનો હોય છે એટલો જ ફાળો, કદાચ એથી વધુ ફાળો વિશ્વાસનો હોય છે.
સુરત – ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.