Madhya Gujarat

હું છુટાછેડા નહીં આપું, તારા બીજે ક્યાંય લગ્ન પણ થવા નહીં દઉં

નડિયાદ: નડિયાદમાં રહેતી પરિણીતાએ લગ્નના દોઢ વર્ષમાં જ પતિથી અલગ થયાં બાદ છુટાછેડા માટે કોર્ટમાં કેસ મુક્યો હતો. જેનાથી નારાજ પતિએ છુટાછેડા આપવાની ચોખ્ખી ના પાડી પત્નિ સાથે ભરબજારમાં ઝઘડો કર્યો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં પતિએ ત્રણ-ચાર લાફા માર્યાં હતાં. નડિયાદના ડુમરાલ બજાર વિસ્તારમાં આવેલ નાની કડીયાવડમાં રહેતાં રેશ્માબેન હર્ષદભાઈ પટેલે છ વર્ષ અગાઉ શહેરના કાકરખાડ વિસ્તારમાં આવેલી દવેપોળમાં રહેતાં આશીષ મહેન્દ્રભાઈ પટેલ સાથે લગ્ન કર્યા હતાં. જોકે, બંને વચ્ચે મનમેળ બેસતો ન હોવાથી લગ્નના દોઢ વર્ષ બાદ રેશ્માબેન પતિ આશીષને છોડી પોતાના પિયર ચાલ્યાં ગયાં હતાં અને પરસ્પર સહમતિથી છુટાછેડા લેવા માટે ઓગસ્ટ-૨૦૨૦ માં નડિયાદ કોર્ટમાં કેસ મુક્યો હતો. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

દરમિયાન શુક્રવારના રોજ રેશ્માબેન પોતાના ઘર નજીક આવેલી એક દરજીની દુકાને કાપડ લેવા ગયાં હતાં. જ્યાં એકાએક આવી ચડેલાં પતિ આશીષે ગમેતેમ અપશબ્દો બોલી રેશ્માબેન સાથે ઝઘડો કર્યો હતો. તુતુ…મેમે બાદ ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં આશીષે હું કોર્ટ મુદતે નહીં આવુ અને તને છુટાછેડા પણ નહી આપું અને તારા બીજે ક્યાંય લગ્ન પણ નહીં થવા દઉં, તારાથી થાય તે કરી લેજે. તેમ કહી પત્નિ રેશ્માબેનના ગાલ પર બે-ત્રણ લાફા ચોડી દીધાં હતાં. તેમજ જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી. આ બનાવ અંગે રેશ્માબેન પટેલની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે આશીષ મહેન્દ્રભાઈ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top