National

‘હુમલા પછી હું આઘાતમાં હતી, પણ હવે…’, સીએમ રેખા ગુપ્તાનું હુમલા પછી પહેલું નિવેદન

આજે બુધવારે સવારે જાહેર સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલા પછી તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. જોકે, થોડા સમયમાં સ્વસ્થતા કેળવ્યા બાદ પોતાનું નિવેદન આપ્યું છે.

સીએમ ગુપ્તાએ તેને ફક્ત તેમના પર હુમલો નહીં પરંતુ જનતાની સમસ્યાઓના ઉકેલ માટેની તેમની પ્રતિબદ્ધતા પર ‘કાયર પ્રયાસ’ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ હુમલા પછી તેઓ આઘાતમાં હતા પરંતુ હવે તેઓ સ્વસ્થ અનુભવી રહ્યા છે.

સીએમ રેખાએ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, “આજે સવારે જાહેર સુનાવણી દરમિયાન મારા પર થયેલો હુમલો ફક્ત મારા પર જ નહીં પરંતુ દિલ્હીની સેવા અને લોકોના કલ્યાણ માટેના અમારા સંકલ્પ પરનો કાયર પ્રયાસ છે. સ્વાભાવિક રીતે, આ હુમલા પછી હું આઘાતમાં હતી, પરંતુ હવે હું સ્વસ્થ અનુભવી રહી છું. હું મારા બધા શુભેચ્છકોને વિનંતી કરું છું કે કૃપા કરીને મને મળવાની તસ્દી ન લો. હું ખૂબ જ ટૂંક સમયમાં તમારી વચ્ચે કામ કરતી જોવા મળીશ.”

મુખ્યમંત્રીએ આગળ લખ્યું, “આવા હુમલાઓ મારા ઉત્સાહ અને જનતાની સેવા કરવાના સંકલ્પને ક્યારેય તોડી શકશે નહીં. હવે હું પહેલા કરતાં વધુ ઉર્જા અને સમર્પણ સાથે તમારી વચ્ચે રહીશ. જાહેર સુનાવણી અને જનતાની સમસ્યાઓનું નિરાકરણ પહેલાની જેમ જ ગંભીરતા અને પ્રતિબદ્ધતા સાથે ચાલુ રહેશે. તમારો વિશ્વાસ અને સમર્થન મારી સૌથી મોટી તાકાત છે. તમારા અપાર પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

આરોપીઓએ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો?
આજે બુધવારે સવારે 8.15 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમના ‘જન સુનવાઈ’ કાર્યક્રમમાં જનતાની ફરિયાદો સાંભળી રહ્યા હતા. વાતાવરણ સામાન્ય હતું. લોકો પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા. પછી રાજેશભાઈ ખીમજી પોતાની ફાઇલો લઈને મુખ્યમંત્રીની સામે પહોંચ્યા.

શરૂઆતમાં તેઓ એક સામાન્ય ફરિયાદી જેવા દેખાતા હતા, પરંતુ અચાનક તેમણે મુખ્યમંત્રીનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો અને તેમને નીચે ધકેલી દેવાનો ઈરાદો દર્શાવ્યો. સ્થળ પર હાજર સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીને પકડી લીધો. થોડી જ વારમાં વાતાવરણમાં અરાજકતા ફેલાઈ ગઈ. જાહેર સુનાવણી માટે આવેલા કેટલાક લોકોએ દાવો કર્યો કે મુખ્યમંત્રીને થપ્પડ મારી હતી, જ્યારે બાદમાં પોલીસે સ્પષ્ટતા કરી કે મામલો ફક્ત ધક્કામુક્કી અને હાથ પકડવા સુધી મર્યાદિત હતો.

આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયો
આરોપી રાજેશ વિરુદ્ધ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 109(1)/132/221 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જાહેર સેવક પર હુમલો કરવા બદલ BNS ની કલમ 132, જાહેર કાર્યો કરવામાં સરકારી સેવકને અવરોધવા બદલ BNS ની કલમ 221 અને હત્યાના પ્રયાસ માટે કલમ 109 હેઠળ કેસ નોંધ્યો છે.

આરોપી રાજેશભાઈ ખીમજી વિરુદ્ધ પહેલાથી જ 5 ગુનાહિત કેસ નોંધાયેલા છે. આમાંથી 3 કેસ દારૂની દાણચોરી સાથે સંબંધિત છે જ્યારે 2 હુમલા સાથે સંબંધિત છે. કેટલાક કેસોમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ હવે તેની સંપૂર્ણ ગુનાહિત પૃષ્ઠભૂમિની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓ એ પણ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ હુમલા પાછળ કોઈ સંગઠન કે રાજકીય જૂથ કાવતરું ઘડી રહ્યું છે.

Most Popular

To Top