Entertainment

ગુજરાતીમાં કામ કરવું છે પણ આજે બને છે તવી ફિલ્મોમાં નહીં : પ્રતિક ગાંધી

હવે વેબસિરીઝ પણ સ્ટાર્સ સર્જતી થઇ ગઇ છે. 2020-21નું વર્ષ આમ તો કોરોનાનું વર્ષ ગણાય જેમાં પોઝિટિવ શબ્દ ભય પમાડનારો બની ગયો પણ પ્રતિક ગાંધીની અભિનેતા તરીકેની કારકિર્દી માટે તે આનંદના અર્થમાં પોઝિટિવ બની ગયો. જે હર્ષદ મહેતા એક સમયે ખૂબ વગોવાયો હતો એજ હર્ષદ મહેતાના પાત્રએ પ્રતિકને અઢળક પ્રશંસા રળી આપી. અલબત્ત, તે પહેલાં નાટકો અને ગુજરાતી ફિલ્મોએ પ્રતિકની પ્રતિભાને આગવી રીતે ઓળખાવી આપી હતી. હવે ‘સ્કેમ 1992’ પછી હિન્દી ફિલ્મોના અનેકની નજરે તે ચડી ગયો છે સાથે જ બીજી વેબ સિરીઝમાં પણ તે જોવા મળશે. આ દરમ્યાન વિઠ્ઠલ તીરી વિષય અને પ્રતિકના અભિનયને કારણે ખાસ બની ગઇ છે. ઘણી ગુજરાતી ટી.વી. સિરીયલ, વેબ સિરીઝ રજૂ થઇ હોય તો તેને તેના નિર્માતા-દિગ્દર્શક, કલાકારો અને બીજા જે સંકળાયા હોય તેઓને જ તેની સૌથી વધુ જાણ હોય પણ ‘વિઠ્ઠલ તીરી’ને ખૂબ પ્રેક્ષક મળ્યા. તમે કહી શકો કે ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝને કશુંક જૂદું કરવા માંગતો અને અભિનયની અનેક શકયતા ભરેલો અભિનેતા મળ્યો છે.

મૂળ કડોદ (બારડોલી પાસે)ના પ્રતિક ગાંધીનો ઉછેર સુરતમાં અને અભિનેતા તરીકેનો વિકાસ મુંબઇમાં થયો. પ્રતિક નાટકમાં યા ફિલ્મોમાં એટલી સહજતાથી અભિનય કરે કે પ્રેક્ષકોમાં ભ્રમ સર્જાય કે પાત્ર તે પ્રતિક કે પ્રતિક તે પાત્ર? પરંતુ વાતચીતમાં પણ તે એવો જ સહજ છે. હમણાં આમ જ રવિવારની સવારે ગપ્પા-ગોષ્ઠિના મૂડમાં વાત થઇ. પ્રતિક સામે આ સવાલ કર્યો તો તેનો જવાબ સાદો હતો, ‘અભિનય જ મને આવડે છે અને અભિનેતા માટે અભિનય સિવાયનું પોલીટિકસ નથી હોતું- સંજીવકુમારને અભિનય સિવાયનું રાજકારણ નહોતું આવડતું ને અભિનયે જ તેમને સ્થાન અપાવ્યું. મને સ્ટાર બનવાની કોઇ ઉતાવળ નથી, સારા કામની જરૂર ઉતાવળ છે!

પ્રતિકને અમે પૂછયું, ‘તમારી મોટી ઓળખ ઊભી થઇ ત્યારે જ કોરોના હોવાથી પ્રસિધ્ધિનો પૂરતો લાભ લેવો મુશ્કેલ થયો, એવું ખરું? ‘અનેક ફિલ્મો અત્યારે લોકડાઉન ખૂલવાની રાહ જુએ છે અને 2022 તો તેમાં થઇ જ જશે. ઓટીટી પર રજૂ થયેલી ફિલ્મો મીસફાયર થઇ છે. ‘વો લડકી હે કહાં’ નામની મારી ફિલ્મ તાપસી પન્નુ સાથે આવી રહી છે ને બીજી ફિલ્મો હજુ ચર્ચાને સ્તરે છે. હું માનુ છું કે ઓટીટી પ્લેટફોર્મ પણ ખૂબ જ અગત્યનું છે. તેના કારણે તમે વિદેશમાં ય અનેક પ્રેક્ષકો પાસે પહોંચો છો.’ પ્રતિક પાસે તર્કબધ્ધ ઉત્તર હતો. અમે એક બીજો સવાલ કર્યો, ‘હર્ષદ મહેતાના પાત્રમાં લોકપ્રિયતા મળી તો શું એવા જ પાત્રોની ઓફર થાય છે? ફિલ્મો લેતી વેળા તમે શું કાળજી રાખો છો?’

અત્યારે કોરોનાને કારણે ફિલ્મોના શૂટિંગ બહુ ઓછા થઇ રહયા છે. પ્રતિકે પણ છેલ્લા ચાર મહિનાથી કશું શૂટ નથી કર્યું. ‘અત્યારનો પ્રેક્ષક ખૂબ બદલાઇ ગયો છે. તેને નવા વિષયો, નવા પ્રકારના પાત્રોમાં રસ પડે છે. ‘સ્કેમ…’ પછી મારી પાસે ઘણા નિર્માતા પોતાની ઓફર લઇને આવ્યા પણ તે બધા જ મોટા સેટઅપ વેચવા માંગે છે, જે ખતરનાક છે. ફિલ્મો મોટા નામોથી જ વેચાય એવું નથી. જેવી ફિલ્મો સલમાન યા શાહરૂખ કરતા હોય તેવી જ ફિલ્મો આપણે કરતા હોઇએ તો તેનો મતલબ છે. એટલે એવા ટ્રેપમાં ફસાવાની જરૂર નથી. ફિલ્મોમાં સફળતા મેળવવાનું કોઇ ગણિત જ નથી. મારે તો એજ જોવાનું કે પટકથા વાંચ્યા પછી મને મઝા આવી કે નહીં? આટલું કહયા પછી પ્રતિકે ઉમેર્યું, ‘મેં અત્યાર સુધી ગુજરાતીમાં જે ફિલ્મોમાં કામ કર્યું તે નવા દિગ્દર્શકોની જ હતી અને ઘણાની તો તે પહેલી જ ફિલ્મ હતી. પોતાની ફિલ્મ માટે દિગ્દર્શક કેટલો સિન્સિયર છે એ સમજવું જરૂરી છે. હિન્દીમાં પણ નવા નવા વિઝન સાથે એકદમ નવા દિગ્દર્શક આવી રહયા છે અને તેમની સાથે ફિલ્મો કરાવનું સાહસ ખેડવા હું તૈયાર છું.

 ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરવા વિશે પ્રતિક શું વિચારે છે? ‘ગુજરાતીમાં મારે કામ કરતા જ રહેવું છે પણ જેવી ફિલ્મો બનતી આવે છે તેવી નહીં, મારે પ્રયોગશીલ જ રહેવું છે. જેમ આપણા ગુજરાતી નાટકોમાં થ્રીલર હોય, ફેમિલી નાટક હોય કે ગમે તે હોય પણ કોમેડી તો બધામાં હોવી જ જરૂરી માનવામાં આવે છે. એવું ફિલ્મોમાં પણ છે. મારે ગુજરાતી પ્રેક્ષકને એવા નક્કી કરેલા માળખામાં પુરી રાખવો નથી. વળી કશુંક જૂદું કરવું હકીકતે તો ધંધાકીય રીતે પણ ફાયદાવાળું જ નીવડતું હોય છે.

Most Popular

To Top