મારે મન આઝાદી એટલે

આઝાદીની દરેક વ્યક્તિએ અલગ અલગ વિચારસરણી હોય છે. આઝાદી એટલે બંધનમુક્તિ,  સ્વતંત્રતા અથવા સ્વચ્છંદતા એવા સમાનાર્થી શબ્દો થઈ શકે છે. ઘણાં વ્યક્તિઓ કોઈ રોકટોક વગરની જિંદગીને આઝાદી માને છે. દરેક વ્યક્તિને બંધનમુક્ત રહેવું ગમે છે. પિંજરમાં પુરાયેલ પંખીને પણ ગગનમાં મસ્ત થઈ ઊડવાના ખ્વાબ હોય છે.  અહીં આપણે વાત કરવાની છે આપણા ભારત દેશની આઝાદી  વિશે. અંગ્રેજોએ ભારતમાં વેપાર કરવાના બહાને પગપેસારો કર્યો હતો અને તે વખતે આપણો દેશ અલગ અલગ પ્રાંતોમાં વહેંચાયેલો હતો. વળી આપણા જે રાજાઓ હતા તે બધા કુસંપી, એશઆરામી અને ઐય્યાશી હતા. અંગ્રેજોએ આ તકનો લાભ લઈ રાજા મહારાજાઓને અંદરોઅંદર લડાવીને પોતાની રોટલી શેકવા માંડી હતી. પછી લાગ જોઈને સત્તા પણ હાંસિલ કરી લીધી અને આપણા પૂર્વજોને ગુલામીની જંજીરોમાં જકડી લીધાં હતાં. અંગ્રેજોએ આપણા પૂર્વજો અને વડવાઓ ઉપર કાળો કેર વર્તાવ્યો હતો.

આપણા દેશમાં જ આપણી પ્રજા ગુલામ બની ગઈ હતી. ત્યાર પછી મોહનદાસ કરમચંદ ગાંધી નામનો એક વિરલો આગળ આવ્યો અને લોકોને ગુલામીમાંથી આઝાદી સુધી લઈ જવાની ટેક લીધી. પછી ધીમે ધીમે લોકો ગાંધીજીની વિચારધારાને સમજવા લાગ્યા અને એમની સાથે જોડાવા લાગ્યા. આઝાદી કાંઈ આપણને સસ્તામાં નથી મળી ગઈ, પરંતુ એના માટે લાખો લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. કેટલાંય લોકોએ કારાવાસ ભોગવ્યો છે તો કેટલાંય પોલીસની લાઠીઓ તથા ગોળીના શિકાર બન્યા છે. લોકોને સત્ય સમજાયું કે આઝાદીની કિંમત શું હોઈ શકે છે. આમ આપણા દેશને કરોડો લોકોનું લોહી વહાવ્યા પછીથી આઝાદીનાં ફળ ચાખવા મળ્યાં છે. ભારતના દરેક નાગરિકને દેશનું ગૌરવ હોવું જોઈએ અને જરૂર પડે તો મા ભોમ કાજે મરી ફીટવાની તમન્ના હોવી જોઈએ. ‘‘ઇન્સાનિયત કે સર પર ઈજ્જત કા તાજ (મુગટ) રચના, તનમન કી ભેટ દે કર ભારત કી લાજ રચના,  જીવન નયા મિલેગા અંતિમ ચિતા મેં જલ કે’’
પંચમહાલ – યોગેશ આર. જોષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top