Columns

આઈ લવ માય સેલ્ફ

૪૮ વર્ષની રાગિણીની ઘર, પતિ, બાળકોને સાચવતી એક ઘરેડમાં બંધાયેલી જિંદગી હતી.પણ છેલ્લા થોડા દિવસથી તેનામાં ઘણા બદલાવ દેખાઈ રહ્યા હતા.તેના મોઢા પર એક ખુશીની ચમક હતી, વધુ સુંદર લાગતી હતી, બધા કામ પહેલાં કરતાં વધુ ઉત્સાહ અને લગનથી કરતી હતી.મોઢા પર થાક ન હતો. તે ગમતું ગુજરાતી ગીત ગાતાં ગાતાં તે કામ કરતી. ક્યારેક એકલી જ ગરબા રમી લેતી.

તેના પતિ ધવલે આ બદલાવ જોયો અને તેના પુરુષ મનમાં એવો વિચાર આવ્યો કે ‘રાગિણી હમણાં હમણાં વધુ ખુશ રહે છે.વધુ સરસ તૈયાર થાય છે.વધુ સુંદર દેખાય છે નક્કી કૈંક કારણ છે આ બધા બદલાવનું, જે મારે જાણવું પડશે.બહુ વિચારતાં તેને મનમાં એમ પણ થયું કે કદાચ રાગિણીના જીવનમાં બીજું કોઈ તો નહિ આવ્યું હોય ને ….આ વિચાર આવતાં તે ચિંતામાં પડી ગયો.ભલે તે રાગિણી પર બહુ ધ્યાન નહોતો આપતો પરંતુ તેના વિનાનું જીવન પણ કલ્પી શકતો ન હતો.

રાગિણીમાં આવેલા આ બધા સુંદર બદલાવનું કારણ જાણવા ધવલ તેની સાથે વધુ વાતો કરવા લાગ્યો કે કૈંક જાણવા મળે.રોજ સાંજે તેની સાથે બેસીને ચા પીવા લાગ્યો.શનિવારે સવારે ધવલે રાગિણીને કહ્યું, ‘આજે સાંજે ડીનર પર જઈશું.રાગિણીએ ઉત્સાહથી કહ્યું, ‘હા, ચોક્કસ, પણ કયાં?’ ધવલે કહ્યું, ‘જ્યાં તને જવું હોય ત્યાં.’ આવું પહેલી વાર થયું હતું, બાકી તો તેઓ જયારે બહાર જતાં ધવલ જ બધું નક્કી કરતો.રાગિણીએ પોતાને ગમતી રૂફ ટોપ હોટલમાં સ્પેશ્યલ ટેબલ રીઝર્વ કરાવ્યું.ધવલના ફેવરીટ રંગની પિંક સાડી પહેરી તૈયાર થઇ.ધવલ રાગિણીની ચમકતી સુંદરતા જોઈ જ રહ્યો.

 ધવલે નક્કી કર્યું હતું કે તે આજે રાગિણીના મનની વાત જાણીને જ રહેશે.તેણે ધીમેથી રાગિણીના હાથ પર હાથ મૂકી પૂછ્યું, ‘રાગિણી, તું ઘણી બદલાયેલી અને બહુ જ સુંદર લાગે છે, આ બદલાવનું રહસ્ય શું છે?’ રાગિણી તેની સામે જોઇને હસી અને બોલી, ‘તું મારી સાથે મારા પસંદ કરેલા સ્થળે ડીનર માટે આવ્યો છે.આજુબાજુ કે ફોનમાં નહિ, મારી આંખોમાં જુએ છે.આજે કેટલા દિવસે તેં પ્રેમથી મારો હાથ પકડ્યો છે.આ બદલાવ પણ નવાઈ લાગે તેવો છે નહિ.’

આટલું બોલી રાગિણીએ સેલ્ફી ક્લિક કરી અને પોતાની પસંદની ફૂડ આઈટમ ઓર્ડર કરી.ધવલ બધું જોઈ રહ્યો. તેણે ફરી પૂછ્યું, ‘રાગિણી, તેં આ બધા બદલાવનું રહસ્ય ન કહ્યું, હું જાણવા આતુર છું.’ રાગિણી બોલી, ‘આ બધા સુંદર બદલાવનું કારણ છે પ્રેમ …..આઈ એમ ઇન લવ …’ જવાબ સાંભળી ધવલને આંચકો લાગ્યો, ગુસ્સો અને દુઃખની લાગણી સાથે થઇ કારણ તેના મનમાં રાગિણી પ્રત્યેનો પ્રેમ ફરી ખીલી ઊઠ્યો હતો.તે તેને ખોવા માંગતો ન હતો.

રાગિણી પોતાની મસ્તીમાં આગળ બોલી, ‘…..આઈ એમ ઇન લવ ….આઈ લવ માય સેલ્ફ ….મેં જયારથી પોતાને પ્રેમ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી હું ખુશ છું.બધા માટે બધાની પસંદથી જીવી, હવે હું મને મનગમતું કરું છું.મનગમતાં લોકોને મળું છું.મનગમતું કામ કરું છું અને જ્યારથી મેં મારી જાતને પ્રેમ કરવાનું શીખી લીધું ત્યારથી તું પણ મને વધારે પ્રેમ કરવા લાગ્યો છે.’ ધવલ ખુશ અને હાશની લાગણી સાથે રાગિણીને ભેટી પડ્યો.  

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top