Comments

વરસાદ મને ખૂબ ગમે છે…!

મન મોર બનીને કેમ ટહુકે, મને ના પૂછ
મન ચોર બનીને કેમ ભટકે, મને ના પૂછ
મને તો કુદરતનો અવસાદ પણ ગમે છે
વરસ વર્ષ વરસ મને તો વરસાદ ગમે છે

વરસાદ પડે એટલે ડાઘિયા શ્વાન જેવાં ડાચાં નહિ બનાવવાનાં..!  ડોળા પણ નહિ કાઢવાના..! છોકરા બીએ..!વરસાદ પડે ને ચહેરાનો નકશો બદલાઈ જાય ત્યારે, એના આખા શરીરે ઉનાળો ઊગ્યો હોય તેવું  લાગે, ને  આપણી આંખમાં ચોમાસું ઊગે.   આંખ છલકાવા માંડે દાદૂ..?  તુંડે તુંડે મગજ ભિન્ના..! વરસાદનાં છાંટણાં થાય એટલે કાનમાં કવિ તુષાર શુક્લ બેઠાં બેઠાં ગાતાં હોય એમ ગુંજન થવા માંડે કે,

સાવ અચાનક મૂશળધારે, ધોધમાર ને નવલખ ધારે,
આ વાદળ વરસે છે કે તું ?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

બાળપણમાં,  વ વરસાદનો વ, અને વહાણનો વ, શીખીને જ મોટા થયેલા, એટલે સ્વાભાવિક છે કે, વરસાદ સાથે પ્રીતિ  વધારે હોય ને ગમે પણ બહુ. વરસાદ વિનાનો સાવ કોરોધાગડ દિવસ જ્યારે જાય, એ દિવસ હરિદર્શન  આપ્યા વગર ગયો હોય એવું લાગે.  દિવસો શાપગ્રસ્ત લાગે.  જો કે વરસાદ વગરનાં વર્ષો વાપીથી તાપીમાં આમ તો આવતાં નથી, પણ ધારો કે આવે તો, ખાબોચિયામાં વહેતી મૂકેલી કાગળની હોડી અને દરિયામાં સરતી તોતિંગ કૃઝ્ના ભવિષ્યની ચિંતા થાય ખરી..!  અને ધોધમાર તૂટી પડે તો, કાળમુખી લાગે..!

મેઘધનુષના સાતેય રંગને વારાફરતી ફટકારતી  હોય એમ, વર્ષારાણી પણ ક્યારેક તો ગમતી-નમતી ને ઉકળતી પણ વરસે. પોતીકો સ્વભાવ છે ને..? તાજા પરણેલાને, પરણ્યા પછી થોડાંક વરસોમાં પીઠીનો રંગ ઉતરતાં સંસાર અસાર લાગવા માંડે એમ, વરસાદની પહેલી રીમઝીમ ઝાકમઝોળ લાગે, પણ પછી તો મગજના દરવાજા પણ  ખખડવા માંડે.  બારણાં  ટાઈટ થાય તો માનવું કે, એ ચોમાસાનું સરનામું છે. તોરની વૃદ્ધિ થવા માંડે. લગન પછી વારસામાં મળેલા સંબંધો પૈકી, કોઈ  સંબંધ તીખા લાગે, મીઠા લાગે, તુરા લાગે, એમ વરસાદ પણ ખટાશ પકડવા માંડે..!  ફક્કડ બાવા બનીને કાઢેલી  જિંદગી યાદ આવે એટલે આકરા થાય.

પરણ્યા પછી, પાંજરે પુરાયેલા પોપટ કે ચિત્તા જેવો થઇ ગયાનું ભાન થાય. મધુર મધુર લાગતો વાઈફનો અવાજ, જૂની ઉધરસનો દર્દી ગળું ખંખેરતો હોય એવો લાગવા માંડે, જેને કોઈ પણ છેડેથી ‘સારો’ નહિ કહી શકાય એવો ‘સાળો’ ડ્રાઉં-ડ્રાઉં કરીને ગરિમાની ભાંગફોડ કરતો હોય એવો લાગે. વગર વરસાદે ટેહુક..ટેહુક  કરતી સાળી, સરકારી વકીલની માફક તરફદારી તો કરે, પણ પછી તો કપાયેલા પતંગ સાથે ભેરવાયેલી લેપળી જેવી લાગવા માંડે. અર્થાત…વગર વરસાદે RAIN DANCE કરે એનું નામ સાળી..!

ચોમાસાની બીજી એક ખાસિયત છે, ખાધ બહુ વધી જાય.  ગરમાગરમ ભજીયાં ખાવાની ઉપડે તો માની લેવું કે, ચોમાસું  માત્ર  આંગણામાં જ નહિ, મગજમાં પણ ઘુસી ગયું છે. પછી ભલે કેડ-કમ્મરના દુખણા હેરાન કરતાં હોય, એ દુઃખણાને પણ હાંસિયામાં ધકેલીને ભજીયાનો ઉપાડ કરે. વરસાદ પડે એટલે,  ભજીયા ઉલાળવાનો ચહકડો થવા જ માંડે. આવા ચહકડા પ્રેમથી સંતોષાય તો ઠીક, બાકી ઉધામા કરવા ગયા તો સામેથી વેલણ-આક્રમણ પણ થાય..!

તાજા પરણેલાને LONG DRIVE ઉપર જવાની તાલાવેલી થાય.  તે વખતે  રસ્તાના ખાડા પણ આડા નહિ આવે. સડક PREGNANT થઈ હોય એમ BUMP ને પણ પંપાળે..!  ચોમાસાની એ BY DEFAULT મઝા છે દાદૂ..! સીનીયર સીટીઝનવાળાના તો ઠેકડા ટાઢા પડી ગયા હોય એટલે, ચોમાસું આકરું  લાગે એ સ્વાભાવિક છે. પણ કરે શું..? પાછું જુવાનીમાં તો જવાય નહિ..! ચમનિયો  ખીજાય..!  એ વખતે મઝા કરતાં હોય એની બળતરા કરીને, વૃદ્ધત્વમાં વધારો નહિ કરવાનો..!  સિનિયર સીટી-જનના માપમાં રહેવાનું, માપને પામવા નહિ જવાનું. એના કપાળમાં કાંદા ફોડું, ઘરનો ખૂણો પકડીને નાકના વાળ ખેંચ્યા કરવાના..!

ગઈ કાલનુો વઘારેલો ભાત મળે તો સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ સમજીને ઝાપટી લેવાનું. ને સાવ નવરાશ હોય તો, હનુમાન ચાલીસા વાંચવાની, શક્તિ પણ મળે, ને સહનશક્તિ પણ મળે. બહુ ખાબોચિયાં ઉલેચવા નહિ જવું. ધત્ત તેરીકી..!  કોઈને  હળી નહિ કરવાની. ટાઢક રહે બીજું શું..? આ વરસાદને પણ હવે જમાનો અડી ગયેલો છે મામૂ..! ‘ આવ રે વરસાદ, ઢેબરીયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક’ વાળું ગીત હવે નહિ ફાવે, પિત્ઝા બર્ગરનાં આમંત્રણ હોય તો જ ફરકે, નહિ તો વંટોળ કાઢે..!    સિનિયર સિટીજન તેને રે કહીએ જે ચીઢ ઘટાડી જાણે રે…! અર્થાત્ બહુ સીટી નહિ વગાડવાની..! ચોમાસાનો આદર કરવાનો.

અમારો ચમનિયો કહે એમ, ચોમાસું એ આવનારા સારા દિવસનો સીમંત સંસ્કારનો ઉત્સવ છે. એમાં ગાજ-વીજના ધડાકા ચમકારા બધું થાય, સહન કરી લેવાનું..! ઢગલેબંધ દેકારા સહન કરીએ છીએ, તો એક વધારે..! આકાશમાં જ ગાજવીજ થાય એવું ક્યાં છે..?  ઘરમાં પણ થાય જ છે ને..? ક્યારેક તો ઘરના ધડાકા, બહાર કરતાં પણ વધારે અસહ્ય હોય..!પેટ છૂટી વાત કરીએ તો મેલી ઝાપટમાં આવવા કરતાં, વરસાદના ઝાપટામાં આવવું ઉત્તમ..!  આશ્ચર્ય એ વાતનું થાય કે, જગતની એક પણ ફોઈએ કોઈ ફરજંદનું નામ ‘વરસાદ’ પાડ્યું નથી. વરસાદ તો ઠીક વાદળ પણ નહિ..! દીકરાનું નામ વરસાદ કે વાદળ હોય, ને પત્નીનું નામ વીજળી હોય તો, ઘર કેવું ભર્યુંભાદર્યું લાગે..? બારેય માસ ગાજ વીજ ને ચમકારાનો સધિયારો રહે, એ બોનસ..! જિંદગીમાં બારેય માસ ચોમાસું બેઠું હોય તેવું પણ લાગે, ને ખાબોચિયાં સાથે રમવાનો કે રમાડવાનો પણ આનંદ મળે..!  ચોમાસું એ કવિ થવા  માટેની ઉત્તમ ઋતુ છે.

ગાડીનું પંકચર બનાવનારો પણ કવિ બની જાય, કહેવાય નહિ..!  કવિ ‘પંક્ચર’ થી વિખ્યાત પણ થઈ જાય. કારણ કે વરસાદ-વાદળા-પૂનમ-બાગબગીચા-સ્મશાન, કબ્રસ્તાન. શમા, પતંગિયા, મેઘ અને ઝરણાં, બાપાનો માલ હોય એમ, આ લોકો છડેચોક વાપરે. એક વાત છે, કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, પણ ગાજ-વીજ ને વરસાદ રોકી શકતો નથી. બધી વાતમાં નાકાબંધી થાય, પણ વરસાદ સાથે નહિ થાય. ઢાંકણીમાં ડૂબી મરવા માટે પણ પાણી તો જોઈએ.બીજી વાત, વરસાદના જેટલું વફાદાર આ દુનિયામાં કોઈ નથી.  વરસાદમાં પૂરેપૂરી સમાજવાદી ભાવના..! ક્યારેય કોઈ સાથે ભેદભાવ નહિ કે, ફલાણા સાથે ફાવતું નથી એટલે એના ખેતરમાં એક ટીપું પણ નહિ વરસું..! સબ ભૂમિ ગોપાલકી સમજીને વરસી જ પડે..!

લાસ્ટ બોલ
ચોમાસામાં વાદળાં કાળાં કેમ હોય છે?
આખા ઉનાળામાં તડકામાં ફર ફર કરે પછી કાળાં જ પડી જાય ને..?
તારા કપાળમાં કાંદા ફોડું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top