National

‘મેં કાંઈ ખોટું કર્યું નથી’, સિદ્ધારમૈયાએ CM પદ પરથી રાજીનામું આપવાનો ઈન્કાર કર્યો

કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શનિવારે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) પ્લોટ ફાળવણી કૌભાંડના સંબંધમાં રાજ્યપાલે તેમની સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપ્યા બાદ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે તેમણે કોઈ ખોટું કામ કર્યું નથી. સિદ્ધારમૈયાએ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના નિર્ણયને બંધારણ વિરોધી અને કાયદા વિરુદ્ધ ગણાવ્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ કોર્ટમાં કાયદાકીય રીતે તેનો સામનો કરશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર સિદ્ધારમૈયાએ પત્રકારોને કહ્યું કે ચૂંટાયેલી સરકારને હટાવવાનું આ એક મોટું ષડયંત્ર છે. તેઓએ (ભાજપ) દિલ્હી, ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં આ કર્યું છે. કર્ણાટકમાં પણ ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર, ભાજપ, જેડી(એસ) અને અન્ય આ ષડયંત્રમાં સામેલ છે.

સિદ્ધારમૈયાએ કહ્યું, ‘કોંગ્રેસનો હાઈકમાન્ડ મારી સાથે છે, સમગ્ર કેબિનેટ અને સરકાર મારી સાથે છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો, એમએલસી, લોકસભા અને રાજ્યસભાના સભ્યો મારી સાથે છે. મેં કંઈ ખોટું કર્યું નથી કે મારે રાજીનામું આપવું પડે. વિપક્ષી પાર્ટીઓ પર ગેરરીતિ અને ગેરકાયદેસર અને બંધારણ વિરોધી પગલાં લેવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે તેઓ રાજભવનનો ઉપયોગ રાજકીય પ્યાદા તરીકે કરી રહ્યા છે. રાજ્યપાલ કેન્દ્ર સરકારના હાથની કઠપૂતળીની જેમ કામ કરી રહ્યા છે.

નોંધનીય છે કે કર્ણાટકના રાજ્યપાલે પ્રદીપ કુમાર એસપી, ટીજે અબ્રાહમ અને સ્નેહમોયી ક્રિષ્નાની અરજીમાં ઉલ્લેખિત કથિત અપરાધો માટે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 17A અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023ની કલમ 218 હેઠળ મુખ્યમંત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમને રાજ્યપાલ પાસેથી આવા નિર્ણયની અપેક્ષા હતી. મુખ્યમંત્રીએ કહ્યું, ‘અમને આની અપેક્ષા હતી. જ્યારે રાજ્યપાલે 26 જુલાઈના રોજ અરજી મળી તેજ દિવસે મને કારણ બતાવો નોટિસ જારી કરી તેનો અર્થ શું છે.’

તેમણે જણાવ્યું કે નવેમ્બરથી, JD(S) નેતા (હવે કેન્દ્રીય મંત્રી) એચડી કુમારસ્વામી ઉપરાંત ભાજપના ભૂતપૂર્વ મંત્રીઓ શશિકલા જોલે, મુરુગેશ નિરાની અને જનાર્દન રેડ્ડી વિરુદ્ધ કાર્યવાહીની મંજૂરી માંગતી અરજી દાખલ કરવામાં આવી છે. આ બધું બાજુ પર મૂકીને, જો મને નોટિસ આપવામાં આવે તો તેનો અર્થ શું છે?’

મુખ્યમંત્રીએ કહ્યું, ‘નવેમ્બરમાં, ખાણકામ લાયસન્સ જારી કરવા સંબંધિત એક કથિત કેસની તપાસ બાદ લોકાયુક્ત દ્વારા કુમારસ્વામી (પૂર્વ મુખ્યમંત્રી) સામે મંજૂરી માંગવામાં આવી હતી. તેમને નોટિસ આપવામાં આવી ન હતી. તેનો અર્થ શું છે – કે મને નોટિસ (રાજ્યપાલ દ્વારા) જારી કરવામાં આવી છે? આ એક મોટું ષડયંત્ર છે.

જણાવી દઈએ કે અગાઉ એડવોકેટ-કાર્યકર ટીજે અબ્રાહમ દ્વારા દાખલ કરાયેલી અરજીના આધારે, રાજ્યપાલ ગેહલોતે 26 જુલાઈના રોજ કારણ બતાવો નોટિસ જારી કરી હતી, જેમાં મુખ્ય પ્રધાનને તેમની સામેના આરોપોનો જવાબ આપવા માટે સાત દિવસનો સમય અપાયો હતો.

Most Popular

To Top