Charchapatra

ભ્રષ્ટાચાર વલોવી મૈં તો  છાશ પીધી

નવી આધુનિક કહેવત ભ્રષ્ટાચાર વલોવી મેં તો છાશ પીધી…. ! જી હા…! ભ્રષ્ટાચાર વલોવી મેં તો છાશ પીધી…. ! આમ ઘણી જૂની રૂઢિઓ ભેંસ ભાગોળે, છાશ છાગોળે તેમજ દૂધથી દાઝેલાં લોકો છાશ પણ ફૂંક મારી મારીને પીવે છે… ! તથા છાશ લેવા જવું ને દોણી સંતાડવી એટલે કરવું છતાં તેની શરમથી સંતાડવું-છુપાવીને કરવું વિગેરે., ખેર, છાશ પીવાથી અનેક રોગોનો નાશ થાય છે પરંતુ છાશ ખાટી ન હોવી જોઈએ નહિતર તેની આડઅસર પણ થઈ શકે છે. પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે. પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4 વાર છાશ પીવી જોઈએ. ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે.

કિન્તુ ભ્રષ્ટાચાર વલોવી મેં તો કાળી ભેંસના શુદ્ધ દેશી દૂધનાં વલોણામાંથી ઉત્પાદિત સાદી છાશ ! હાહાહા ! મૂળે અને મુદ્દે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી ‘ સરદાર પટેલની પ્રતિમા પાસેના એક ખાનગી રેસ્ટોરાંમાં છાશનાં 200 મિલી લીટરનાં એક ગ્લાસનો ભાવ અધધધ…! ફક્ત અને માત્ર 200 રૂપિયા વસુલ કરવામાં આવ્યો ! તદુપરાંત જુદો 18 % લેખેનો બન્ને સરકારનો SGST અને CGST એ અલગ…! તે જાણી કોઈને પેટમાં વલોવાતું નથી. આ અંગેનો સકારણ ઉહાપોહ આજકાલ સોશ્યલ મિડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

અલબત, 10 – 15 રૂપિયાની સાદી છાશનાં 200 રૂપિયા વસુલતા રેસ્ટોરાંનો બચાવ કરવાનો નહીં હોય, પણ સહેજે બે ઘડી વિચાર તો કરો કે, દશ – પંદર રૂપિયાની છાશ છેક 200 રૂપિયા સુધી કેમ !? અને કઈ અને કેવી રીતે પહોંચી ગઈ !? આપણા દેશમાં કહેવત છે કે,તમે ખૂન કરો તો માત્ર પોલીસ ખાતું, તમારી પાછળ પડે પણ તમે કઈ વેપાર ધંધો કરવા માંગતા હો તો તમામ સરકારી ખાતાંઓ તમારી પાછળ પડી જાય ! આપણે ત્યાં કોઈ પણ બીલમાં વસ્તુ સેવાની કિંમત અને વેરાઓની કિંમત ઉમેરવામાં આવે છે પણ ભ્રષ્ટાચારની રકમ ઉમેરો ત્યારે ખબર પડે કે, ઘણી વાર લોખંડની ખીલીનો ભાવ સોનાના ભાવ બરાબર થાય છે.હોટલ, રેસ્ટોરાં, લારી કોઈ પણ ઠેકાણે મોજણી કરો કે, કેટલાક સરકારી અધિકારીઓ માલ / સેવાના બદલામાં રૂપિયા ચૂકવે છે !? ઘણી વાર તો એક અધિકારી તો શું !? સરકારી પટાવાળો કે, પોલીસ પણ પોતે મફતમાં જમીને જાય છે અને સાથે 5 જણાનું મફતમાં ટિફિન પણ ભરાવી જાય છે ! બલ્કે, જે તે ખાતાના ભ્રષ્ટ અધિકારીઓનાં ટેબલ પર હપ્તા પહોંચાડવા પડે એ અલગ… ! એ તો ભલું થજો સ્ટેટ્સનું કે, સમાજમાં એક એવી હવા ઊભી થઈ છે કે,ચારે બાજુથી પૈસાનો વરસાદ વરસતો હોય તેવા પરિવારનાં નબીરાઓને મિલ્ક પાર્લર ઉપર બટર મિલ્ક (છાશ) પીવા કરતાં ઝેર પીવાનું વધુ સારું લાગે !
સુરત    – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સ્મરણો સુરતનાં ઉનાળુ વેકેશનનાં
સુરજદાદા સોળે કળાએ ખીલ્યા હોય,એપ્રિલ મહિનાનો પ્રારંભ થાય,ધીમે ધીમે પરીક્ષા પતવા માંડે એટલે વેકેશનનો પ્રારંભ થાય. સુરતની શેરી મહોલ્લાઓ બાળકોથી ઉભરાવા માંડે.વેકેશનનો લ્હાવો બે મહિના લેવાનો.આમ પણ આપણાં સુરતીઓને શહેરમાં પિતાનું ઘર અને શહેરમાં મામાનું ઘર.એક પગ મામાના ઘરે તો બીજો પગ બાપાના ઘરે. મહોલ્લામાં કાચની મંજી (લખોટી),ભમરડાની રમત રમાતી. બપોરે તાપ પડે એટલે ઓટલા પર પત્તાં રમાતાં,આમલીના ચીચુકાની રમત રમાતી.નવો વેપાર,સર્પસીડી રમતો તો ખરી જ.

બપોરે બરફના ગોળાવાળો ઘંટા વગાડતો આવતો,બાળકો પંગ ખાઇને ગરમીમાં ટાઢક અનુભવતા. સલાબતપુરા પોલીસ સ્ટેશન પાછળની શાળાના મેદાનમાં કોઠા લડાવાની રમતની મજા જ કંઈ ઓર હતી. ઈંદરપુરાના ડુક્કર સ્ટેડિયમ અને સલાબતપુરાના ફુલવાડી ખાતે ક્રિકેટની ટુર્નામેન્ટ રમાતી હતી.મહોલ્લામાં વોલીબોલ,કબડ્ડી,ઇચો પીચો,જેવી રમતો કાયમ રમાતી.નવરા પડીએ તો સિનેમા રોડ પર પિક્ચરના ફોટા જોવા જતા. થિયેટરમાં જે ફિલ્મ ચાલતી હોય તેના ફોટા કાચની ફ્રેમમાં લગાવ્યા હોય તે જોવાની મજા આવતી. ફિલ્મ જોવા જેટલો આનંદ મળતો.રાત્રે સાંકળી,સંતાકુકડી,આગો પાટો,ઓગણીસ વીસ જેવી નાઈટ રમતગમતનો રંગ જામતો.સમય મળે તો ભાડાની સાયકલ લાવી ચલાવતા શીખતાં. સાયકલ મોટી હોવાથી બાળકો ત્રણ ચરણમાં શીખતાં,પ્રથમ ચરણ અંદર પાવડે,બીજું ચરણ નળી પર અને ત્રીજું ચરણ સીટ પર, શીખે ત્યારે પાક્કી સાયકલ શીખેલી કહેવાય. રાત સુધી મહોલ્લો ઉભરાતો રહેતો,જાણે ઓલિમ્પિકનું મેદાન. ઘરેથી મા બાપાની બૂમ પડે ત્યારે ઘરભેગા થતા.રાત્રે કઠેરામાં જ કુદરતના સાન્નિધ્યમાં ચાંદામામાના પ્રકાશમાં ઊંઘી જતા.જેવા ગાદલામાં પડ્યા એટલે સવાર પડી જાય.આમ બે મહિના વેકેશનની મજા મન મકીને માણતા.
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top