SURAT

મારે મરવું નથી પણ મને કોઈ જીવવા નથી દેવાનું, પૈસાથી મોટું કઈ નથી લખી યુવાનનો આપઘાત

surat : ‘પૈસાથી મોટુ કોઇ નથી’તેમ કહી પાલનપુર પાટીયાની રાધાકૃષ્ણ સોસાયટીમાં માથાભારે ચાર લોકોના ત્રાસથી ઓનલાઇન (online) કાપડના વેપાર કરનારા યુવાને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો. મૃતકે પાંચ પાનાની સ્યુસાઇડ નોટ ( suicide note) માં ઉલ્લેખ કરીને કહ્યું છે કે, મારે મરવું નથી, પણ મને કોઇ જીવવા નથી દેવાનું.


પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર પાટીયા રાધાકૃષ્ણ સોસાયટીમાં ઘર નંબર 52માં રહેતા 33 વર્ષીય અલ્પેશ શંકરભાઇ પટેલ હાલ ઓનલાઇન ડ્રેસ મટિરિયલનો વેપાર કરે છે. તે આજે સવારે 10 વાગ્યે અડાજણ આનંદ મહલ રોડ પર ગુજરાત ગેસ્ટો હોસ્પિટલમાં પત્ની ટીનાને મુકવા ગયો હતો. ત્યારબાદ તેણે ઘરે રૂમમાં પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. અડાજણ પોલીસને જાણ કરાતા પોલીસની એક ટીમ અલ્પેશના ઘરે આવી પહોંચી હતી. જયાં પોલીસના હાથમાં સ્યુસાઇડ નોટ હાથ લાગી હતી. જેમાં જણાવાયું હતું કે, વેપાર કરવા માટે કેટલાક લોકો પાસેથી રૂપિયા લીધા હતા. ધંધામાં નુકશાન થતાં તે રૂપિયા ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હતો. બીજી તરફ જેમની પાસેથી રૂપિયા લીધા હતા, તેઓ રૂપિયા પરત લેવા માટે માનસિક ત્રાસ આપી રહ્યા છે. વિક્કી, કૈલાશભાઇ, વાસુ અને વિકાસ નામના યુવાનો છેલ્લા કેટલાક મહિનાથી માનસિક ત્રાસ આપતા હતા. માથાભારે લોકો સતત રૂપિયાની ઉઘરાણી કરવા માટે દબાણ કરતા હતા. મારી નાખવાની સતત ધમકી આપતા હતા. સોસાયટીમાં આવીને તારી ઈજ્જતના ધજાગરા ઉડાવી દઈશું એવી રીતે બ્લેકમેલ પણ કરવાની ધમકી આપતા હતા.



અલ્પેશે પત્નીને હેરાન નહીં કરવા વિનંતી કરી
અલ્પેશે પાંચ પાનાની સ્યુસાઇડમાં ઉલ્લેખ કરી જણાવ્યું છીએ કે પત્ની અને પરિવારની સ્યુસાઇડ નોટમાં માફી માંગી છે, આ ઉપરાંત મારા મર્યા પછી પત્નીને કોઇ પરેશાન નહીં કરવા પણ વિનંતી કરી છે. બાળકોને પણ સારા સંસ્કાર આપી મોટા કરવા પત્નીને વિનંતી કરી છે.

માથાભારે લોકોએ કાર લઇ તથા પત્નીના નામના ચેક લખાવી લીધા
અલ્પેશ પટેલે પોતાના પરિવારની અને પત્નીની માફી માંગી હતી અને સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, માથાભારે લોકોના માનસિક ત્રાસના પગલે તેની ગાડી અને વાઈફના નામના ચેક ઉઘરાણી કરનારાઓને આપ્યા છે. જે તેમણે જબરજસ્તીથી લખાવી લીધાં છે.

પોલીસની મદદ લેવા પણ પરિવારને જણાવ્યું
અલ્પેશે સ્યુલાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, મારા આપઘાત મામલે પોલીસની મદદ લેજો. પોલીસ પણ મારા પરિવારને મદદ કરે તેવી વિનંતી કરી છે.

Most Popular

To Top