એક વિખ્યાત ચિત્રકાર હતા. તેમનો પુત્ર તેમનાથી પ્રેરિત થઈને રોજ ચિત્રો દોરે.સતત ચિત્રકળાની પ્રેક્ટીસ કરતો રહે અને ઘણી મહેનત બાદ તેને પોતાને એમ લાગે કે આ ચિત્ર સરસ છે તો તે ચિત્ર લઇ જઈને પિતાને બતાવે.પિતા કઈ બોલે નહિ;ખીજાય પણ નહિ બસ ચિત્રમાં જે જે ભૂલ જોય ત્યાં એક એક ટપકું કરે અને પછી પોતે હાથમાં પીંછી લઈંને જ્યાં જ્યાં ટપકા કર્યા હોય ત્યાં ત્યાં રેખાઓના વણાંક કે સપ્રમાણતા કે રંગ સંયોજન કે ભાવમુદ્રામાં જરૂરી ફેરફાર કરી આપે અને ચિત્ર હતું તેનાથી સો ગણું સુંદર બની જાય.
અને પિતાની આ રીત દીકરો બરાબર અવલોકન કરી પોતાની ભૂલ સમજે અને બીજા ચિત્રમાં તે ભૂલ દુર કરે.ધીમે ધીમે પુત્ર રોજ એક ચિત્ર દોરવા લાગ્યો અને પિતાને બતાવતો.ચિત્રકાર પિતા પોતાની રીત પ્રમાણે તેને ભૂલો દેખાડતા અને સુધારી બતાવતા.અને ચિત્ર નીરખી ઉઠતું.એક વાત હતી કે હવે ચિત્રમાં મુકાતા ટપકાની સંખ્યા ઘટતી જતી હતી.તેનો ચિત્રકાર પિતાને આનંદ હતો.તેમણે પોતાના દીકરાને કહ્યું, ‘સતત તારી ચિત્રકળા સુધરી રહી છે.આમ જ મહેનત કરતો રહે.’
આમ ઘણા મહિનાઓ સતત ચાલ્યું.દીકરો એક દિવસ એક ચિત્ર લઈને પિતા પાસે આવ્યો.અને ચિત્રકાર પિતાના હાથમાં ચિત્ર આપ્યું.પિતાએ તે ચિત્ર હાથમાં લીધું.પુત્રએ ભૂલ હોય ત્યાં ટપકા મુકવા પેન પિતાને ધરી.પિતાએ પેન હાથમાં લીધી.અને બારીકાઈથી ચિત્રનું નિરીક્ષણ કર્યું.જેમ જેમ ચિત્રનું નિરીક્ષણ કરતા ગયા તેમ તેમ પિતાના મોઢા પર ખુશી અને ગર્વની લાગણી વધતી ગઈ.તેઓ ઉભા થઇ ગયા.આડું ઉભું ચિત્ર કરીને પણ ચકાસી લીધું.બરાબર અવલોકન કર્યું પછી પુત્રની પીઠ થાબડીને બોલ્યા, ‘શાબાશ,દીકરા આ એકદમ સંપૂર્ણ સુંદર ચિત્ર છે.આમાં ક્યાંય પણ એક ટપકું મુકવાની જરૂર નથી.આ તારું બેસ્ટ ચિત્ર છે.બેટા તું જરૂર મહાન ચિત્રકાર બનીશ.આવતીકાલથી તારે કોઈ ચિત્ર મારી પાસે તપસાવવાની જરૂર નથી.’
પિતાના આ શબ્દો સાંભળી પુત્ર ખુશ થવાની બદલે દુઃખી દુઃખી થઇ ગયો.તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.’ પિતા ચમક્યા અને બોલ્યા, ‘અરે! આ શું દીકરા ‘યુ આર બેસ્ટ’ તારી ચિત્રકળામાં પૂર્ણતા આવી ગઈ છે.અને તું ખુશ થવાની બદલે રડે છે??’ પુત્ર બોલ્યો, ‘પિતાજી, મારે બેસ્ટ નથી બનવું..!! જો આ ચિત્ર મારું સૌથી સુંદર અને બેસ્ટ હોય તેમાં કોઈ સુધારો ન થઈ શકે તેમ હોય તો એનો અર્થ એમ થાય કે હવે આનાથી સારું ચિત્ર હું બનાવી શકીશ નહિ.તમે કહ્યું મારા ચિત્ર હવે તમે નહી તપાસો નહિ સુધારો તો હું નવું શીખીશ કઈ રીતે ?? પિતાજી. મારે સતત શીખતા રહેવું છે.બેસ્ટ બનીને અટકી નથી જવું.’ પિતા તેની પીઠ થાબડી બોલ્યા, ‘વાહ દીકરા,આ બેસ્ટ ન બનવાની ઈચ્છા જ તને હંમેશા બેસ્ટ બનાવશે અને તું સુંદરતમ ચિત્ર દોરી શકીશ.’– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
