Comments

દેશમાં મોંઘવારીનો વિરોધ કેમ ઠંડો પડી ગયો છે? એ સમજાતું નથી

માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણીમાં ગળાડૂબ ચેનલો મોંઘવારી ભૂલી ગઈ છે. તો રાજનીતિમાં મતદાર યાદીમાં ગરબડો મુદ્દે વિપક્ષનાં ઘટક દળો જુદા જુદા મત રજૂ કરી ટી.વી. ચેનલોને મસાલો પૂરો પાડી રહ્યા છે. ગુજરાતમાં જુદી જુદી જાહેર હિંસા અને વરસાદ પછીની તકલીફો ચર્ચામાં છે પણ આ બધાની વચ્ચે વિચારવાનું એ છે કે આજે ભારતીયોને માટે સૌથી અગત્યનો મુદ્દો કયો છે? ખરેખર ક્યા મુદ્દાની ચર્ચા થવી જોઈએ?

તો મોટા ભાગનાં લોકો કહેશે કે મોંઘવારી. બેશક ભારતીય જનતા પાર્ટીની સરકાર રચવામાં આ મોંઘવારીના પરિબળની અસર મોટી હતી અને માનનીય મોદી સાહેબનાં પ્રવચનોમાં પણ આ મોંઘવારીનો મુદ્દો છવાયેલો રહેતો હતો. એ વખતે ક્રુડ ઓઈલના ભાવ ૧૪૦ ડોલર પ્રતિ બેરલ અને ડોલર સામે રૂપિયો ૬૫ થી વધુનો ભાવ હતો ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવવધારા માટે ભાજપ દ્વારા ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. ડો. મનમોહનસિંહને અર્થશાસ્ત્રી તરીકે લલકારવામાં આવતા કે “આ ભાવ ઘટતા કેમ નથી’’ અને આજે ક્રુડ ઓઈલના ભાવ પહેલાં કરતાં ઓછા છે.

ડોલર સામે રૂપિયો ૮૦ વટાવી ગયો છે અને કંપનીઓએ ક્યારના ભાવ સ્થિર કરી દીધા છે. હવે તો રોજે રોજ બદલાતા પણ નથી? જો આ જગ્યાએ કોંગ્રેસ હોત તો? મિડિયા અને અર્થશાસ્ત્રીઓ આજે ચૂપ છે. એમને ચૂપ છે એમ પણ કહી શકાતું નથી. એ લોકો બિનજરૂરી મુદ્દાઓ ચર્ચ્યા કરે છે? ખરેખર તો આજે દેશના અર્થશાસ્ત્રીઓએ સરકારને પૂછવું જોઈએ કે દુનિયામાં જયારે ક્રુડ ઓઈલના ભાવ ઊંચા જાય ત્યારે માંગ પુરવઠાના આધારે હવે ભાવ નક્કી થાય છે એમ કહીને નેતાઓ છટકી જતા હતા એ તમામ નેતાઓ આજે ચૂપ કેમ છે? શા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં જે ઘટાડો થયો છે તેનો લાભ લોકો સુધી નથી પહોંચાડાતો?

આપણે આ કોલમમાં અગાઉ લખેલું કે ડીઝલના, પેટ્રોલના ભાવ ઘટ્યા તો દૂધના ભાવ કેમ નથી ઘટતા? જો દૂધની થેલીના ભાવનો ઘટાડો તો ખેડૂતને આપતાં દૂધનો ભાવવધારાનો બધો લાભ ડેરીવાળા લઇ જાય છે. આપણે સૌ એ તો જાણીએ જ છીએ કે દૂધની ૫૦૦ ગ્રામની થેલી પર એક રૂપિયો ઘટાડો તોપણ ગરીબ માણસોને ખૂબ ફાયદો થાય. આમ તો સરકારનું મુખ્ય કામ નીતિઓ નક્કી કરવાનું અને કાયદા ઘડવાનું હોય છે. આપણે એક વાર નક્કી કર્યું કે હવે પેટ્રોલ ડીઝલના ભાવ બજાર પરિબળ નક્કી કરશે તો એને વળગી રહેવું જોઈએ. ભાવ વધે ત્યારે રાતોરાત ભાવ વધારનારી કંપનીઓને ભાવ ગગડી ગયા ત્યારે ભાવ ઘટાડવામાં કેમ ચૂંક આવે છે.

સરકારનું એ દાયિત્વ બને છે કે તે ન્યાય કરે અને જી. એસ. ટી. માં ફેરફારની જેમ એક્સાયીઝની કમાણીનો લોભ છોડી પ્રજાને ભાવઘટાડાના ખરા લાભ આપે. જો ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થાય તો શાકભાજી,દૂધ સહિતની વસ્તુઓ સસ્તી થાય. રિઝર્વ બેંક પર વ્યાજ દર ઘટાડવા દબાણ કરનારા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, અત્યારે કેમ બોલતા નથી? ક્યાંક એવું તો નથી ને કે ખાનગી પેટ્રોલ કંપનીઓને ભાવ ઘટાડવા ના પડે એટલે સરકારી કંપની ભાવ નથી ઘટાડતી?

કોન્ગ્રેસ હવે ૯૯ બેઠકો પછી સંસદમાં મજબૂત છે પણ આ ઓઈલ ભાવના મુદે્ તે પણ ચૂપ છે? ખરેખર તો આ મુદ્દો તેણે હાલ સંસદમાં જ ઉઠાવવો જોઈએ. મિડિયામાં ચર્ચાવો જોઈએ. સરકાર પર ભાવ ઘટાડવા દબાણ થવું જોઈએ. રાજનીતિમાં સત્તા મેળવવા બધું જ થાય છે પણ સત્તા મેળવવા પ્રજાના પ્રશ્નો પણ ઉપાડી શકાય. ભાજપ વિપક્ષમાં હતું ત્યારે જે કરતું હતું તે કરવાની હવે જવાબદારી કોંગ્રેસની છે.

પેટ્રોલ ડીઝલના ભાવની જેમ જ મહત્ત્વનો મુદ્દો ટોલટેકસનો છે. દેશમાં જીવનજરૂરી ચીજોના ભાવ વધવા પાછળ આ ટોલ બુથની ઉઘાડી લૂંટ પણ જવાબદાર છે. ગુજરાતમાં હમણાં આમ આદમી પાર્ટીએ આ માટે દેખાવો કર્યા પણ આ કામ આમ તો કોંગ્રેસે કરવું જોઈતું હતું. હમણાં જ ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓ વખતે આપણે લખ્યું હતું કે કોન્ગ્રેસે વિપક્ષ તરીકે મહેનત કરવાની જરૂર છે. એક જ મુદ્દા પર લોકો તેને સત્તા નહિ આપે. જીવનની તકલીફોના દરેક મુદ્દા પર તેમણે બોલવું પડશે. દેશમાં ઘર ખરીદવું સામાન્ય માણસની પહોંચ બહાર છે. છોકરાં ભણાવવા દેવું કરવું પડે છે.

પગારો ઓછા છે. સરકારી નોકરીઓ નથી. કુટુંબના એક સભ્યની બીમારી કુટુંબને ગરીબી રેખા નીચે લાવી દે છે ત્યારે દેશના અત્યંત અપેક્ષા જગાવનાર વડાપ્રધાન શ્રી દેશની પ્રજાના મનની વાત સાંભળે અને બીજી બધી વાતો બાજુ મૂકીને મોંઘવારી ઘટાડવા પર ધ્યાન આપે એમ હવે સૌ ઈચ્છે છે. ક્રુડ ઓઇલના ભાવ ઘટ્યા છે ત્યારે આ કામ ઝડપથી થાય એમ છે. આછે દિન કંપનીઓના આવ્યા છે એનો લાભ પ્રજા સુધી પહોંચાડવાની જવાબદારી સરકારની છે. દેશના ૮૦ કરોડ હિંદુઓનું ખરું ભલું આમાં જ છે એ વાત હિન્દુવાદી નેતાઓએ સમજવી જોઈએ અને બીજું નહીં તો ‘હિંદુ હિત’ આર્થિક પણ હોઈ શકે એ સમજવું જોઈએ.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top