બહુ તાપ છે, નહીં!’ ચહેરા પરથી પસીનોના રેલા ઊતરતા હતા તેને રૂમાલથી લુછતાં સલોની બોલી. ’પિયરના મોહ સામે ગરમી તો પાણી ભરે.’ સૌરભ હસીને બોલ્યો. એના કટાક્ષ પર સલોની હસી પડી. નમતી પોરે ચારેક વાગે ભાવનગરથી રાજકોટ જતી એસ.ટી. બસમાં બન્ને બેઠાં હતા. એક લગ્નમાં છેક વલસાડથી ભાવનગર આવવાનું થયું હતું એટલે સલોનીએ રાજકોટ પોતાના પિયર જવાની તક ઝડપી લીધી. અચાનક પ્રોગ્રામ બન્યો હતો એટલે એસ.ટી. બસ સિવાય જવા માટે કોઈ વિકલ્પ ન હતો. રાજકોટ–ભાવનગર વચ્ચે ચાર કલાક જેટલો ટ્રાવેલ ટાઈમ હતો એટલે બન્નેએ ચાર વાગ્યાની બસ પસંદ કરી હતી જેથી રાતે આઠ સુધીમાં પહોંચી જવાય. ગરમી ઓછી લાગે અને રાતે બહુ મોડું પણ ન થાય.
શિહોર આવ્યું અને બસમાં મુસાફરોની ચડ–ઉતર ચાલુ થઈ. એક બહેન નાના બાળક સાથે બસમાં ચડ્યા. કન્ડકટરે મુસાફરોને એ ચડે પહેલાં જ કહેતો હતો કે બસ ફૂલ છે, પાછળ સાડાચારની બસ આવે છે તે ખાલી જ છે. એટલે કેટલાક ચડ્યા કેટલાંક પાછા ઉતરી ગયા. પણ પેલી બાળક તેડેલી સ્ત્રી નીચે ન ઉતરી. કન્ડકટરે બસમાં આગળ ઊભેલાં લોકોને પાછળ ખસેડ્યા, ’પાછળ જાવ…આગળ જગ્યા ખાલી રાખો…લોકોને ચડતાં–ઊતરતાં ફાવે.’ પેલી બાળકવાળી ભિખારી જેવી સ્ત્રી સામે સલોની જોઈ રહી, એક હાથમાં બાળક અને બીજા હાથમાં સામાન હતો. જે એણે બસની સેલ્ફ પર મૂકી દીધો. સલોનીએ સૌરભ સામે જોયું. એની આંખમાંની લાચારી જોઈને કશું ન બોલી. સૌરભને પેલી સ્ત્રી માટે જગ્યા ખાલી કરવાનું મન થયું હતું પણ દુ:ખતા પગ સામે એ લાચાર હતો. કારણ કે કાલે જ તેઓ ભાવનગરથી ખોડિયાર અઢાર કિલોમિટર ચાલ્યાં હતા. એના મનમાં થોડી ગિલ્ટ થઈ આવી.
શિહોરથી બસ ઉપડી એટલે કન્ડક્ટર બધાંની ટિકિટ કાપતાં કપાતાં પેલી સ્ત્રી સુધી પહોંચ્યો. એણે ક્યું ગામ કહ્યું તેનો સૌરભને ખ્યાલ ન આવ્યો. કેટલો સમય બિચારી ઊભી રહેશે? જ્યાં જવાની હોય તે, પોતે મદદ કરી શકે તેમ નથી પછી તે વિશે વિચારવું નહી. એણે સલોની ટાઈમપાસ માટે ટેબ્લેટમાં મૂવી જોતી હતી તેમાં મન પરોવ્યું. પણ થોડી થોડીવારે સૌરભનું ધ્યાન પેલી સ્ત્રી તરફ જતું હતું. એક સીટના ટેકે એ અડીને ઊભી હતી જેથી ડ્રાઈવર બ્રેક મારે તો બાળક કે તે પડી ન જાય. સૌરભે સહેજ પાછળ ફરીને આખી બસમાં નજર ફેરવી. બસમાં પ્રમાણમાં મહિલા મુસાફરો ઓછા હતા. એટલે સ્વાભાવિક છે પહેલી બાળકવાળી સ્ત્રી તરફ મોટાભાગના પુરુષ મુસાફરોનું ધ્યાન ખેંચાયું જ હશે. એટલે આ સ્ત્રીને બેસવા માટે જગ્યાની ઓફર કરવા માટે તે એકલો જિમ્મેદાર નથી. આ વિચારથી એને માનસિક રાહત થઈ. વળી કેટલાંય પુરુષો પણ ઊભા જ હતા ને. એમાંથી ઘણાં તો મોટીવયના પણ હતા. એટલે જો આ જમાનામાં બધાં લોકો સ્ત્રી–પુરુષ સમાન જ હોય તેવું માનતા હોય તો બધાંને જ બધું મળી રહે તે શક્ય નથી હોતું.
’તને અચાનક પિયર જવાનું કેમ મન થઈ ગયું? ભાવનગર આવ્યાં ત્યાં સુધી તો કોઈ પ્લાન જ નહતો? ઘરેથી પણ તું બોલી ન હતી?’ સૌરભે પૂછયું એટલે સલોનીએ કાનમાંથી ઇયર પ્લગ કાઢયા, ‘બસ એમ જ. પપ્પા–મમ્મીનો આગ્રહ હતો તો થયું કે જઈ આવીએ. થોડી ગરમી લાગશે…પણ ચાલે…કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હે.!’ સલોનીનો ફિલ્મી ડાયલોગ સાંભળીને સૌરભ હસી પડ્યો, ‘સાચે પુરુષોને પિયર શું છે તે નહીં સમજાય…કારણ કે એને લગ્ન પછી પોતાનો પરિવાર છોડવો નથી પડતો.’ સલોની એના હાસ્યથી પોતાનો બચાવ કરવા પ્રેરાઈ. ‘પુરુષ કદાચ પોતાનાં માતા–પિતા સાથે રહેતો હોય એટલે એને પિયરનું સ્ત્રી જેટલું આકર્ષણ ન હોય. પણ આપણાં કેસમાં એવું નથી. હું ને તું એકલાં જ રહીએ છીએ તો ય મને તારા જેટલું મારા મમ્મી–પપ્પા પાસે જવાનું મન નથી થતું. હા ફરજના ભાગરૂપે જાવ છું, જેથી એમને ગમે!’ સૌરભે નિખાલતાથી કહ્યું. ‘જિનેટિક્લી પુરુષ પોતાનો પરિવાર બને એટલે માતા–પિતાથી થોડો અગળો થઈ જતો હશે. વળી તારા કેસમાં તો એવું છે કે તું કોલેજકાળથી તારા મમ્મી–પપ્પાથી અલગ રહેતો થયો છે, એટલે ટેવાઈ ગયો હોઈ શકે.’ સલોનીએ એને શંકાનો લાભ આપ્યો.
‘હા…એ ખરું!’ સૌરભે એની વાતમાં હામી ભરી. બાબરા ગામ આવ્યું ત્યાં બપોર નમી ગયો હતો અને હવે સાંજ ઊગી રહી હતી. સૌરાષ્ટ્રની ધરતીની આ ખુમારી કહો કે અજાયબી પણ સાંજે છ સુધી સુરજે જે ધરતીને તપીને ભજિયા જેવી ગરમ કરી દીધી હોય તે રાત પડતાં તો દક્ષિણના વાયરાથી બરફના ગોલા જેવી ઠંડી પડી જાય. ગરમ લૂની જગ્યાએ હવે ઠંડક અનુભવાતી હતી, ત્યાં કન્ડકટરે બેલ મારીને કહ્યું, ‘દસ મિનિટનો હોલ્ટ છે…’ મોટાભાગના મુસાફરો પગ છૂટો કરવા માટે નીચે ઊતરી ગયા. સૌરભ નીચે ઊતરીને કોલ્ડડ્રિંક્સ લઈ આવ્યો, ત્યારે પેલી બાળકવાળી સ્ત્રી એની જગ્યા પર બેઠી હતી. સૌરભ કશું કહે તે પહેલાં તો એ ઊભી થઈને પાછળની ખાલી સીટ પર બેસી ગઈ. બસ ઉપડી એટલે સૌરભે નજર કરી તો બસમાંથી પેસેન્જર ઘટવાના બદલે વધ્યા હતા. હજુ પણ પેલી બાળકવાળી સ્ત્રીને સીટ મળી ન હતી. ‘હવે તો માત્ર દોઢ કલાકમાં રાજકોટ આવી જશે.’ સૌરભે મન મનાવ્યું. ‘આટકોટમાં બસ ખાલી થઈ જશે.’ સલોનીએ એનું મન વાંચીને કહ્યું, બન્ને એ ફરી પાછા ટેબ્લેટમાં મૂવી જોવા લાગ્યા. આટકોટ આવ્યું પણ બસ ખાલી ન થઈ. પેલી સ્ત્રી હજુ ય ઊભી હતી ત્યાં પાછળથી એક પુરુષનો અવાજ આવ્યો,
‘બેન બેસી જા.’ એક મધ્યમ વયના માણસે પેલી સ્ત્રીને પોતાની જગ્યા ખાલી કરતાં મોટેથી કહ્યું. પછી કન્ડક્ટર સામે જોઈને બોલ્યો, ‘મને હતું કે આ બહેન આટકોટ ઊતરી જશે. પણ હવે તો બસ રાજકોટ જ ઊભી રહેશે….આટલા પુરુષો બેસી રહ્યા છે પણ કોઈને આ બાઈની દયા ન આવી. કોઈની આશા રાખવા જેવી જ નથી!’ એ પુરુષે ધિક્કારભરી નજર બસમાં બેઠેલાં બધા પુરુષો સામે ફેરવી. સૌરભ શરમથી સંકોચાઇ ગયો. ‘તું કેમ ગિલ્ટ ફિલ કરે છે? તે એના માટે સીટ ન આપી કારણ કે તારી પાસે રિઝન હતું. પુરુષને ય થાક લાગે. એને ય આરામની જરૂર હોય શકે. વળી આ બહેન પાસે ય ઓપ્શન હતો ને. એણે આ બસમાં જગ્યા ન હતી તો કન્ડક્ટરે કહ્યા મુજબ પાછળ આવતી ખાલી બસની રાહ જોવી જોઈએ ને? ને આ ભાઈ મોટી માનવતા દેખાડીને અભિમાન લઈ રહ્યા છે એ પોતે ય શિહોરથી અત્યાર સુધી બેસી રહ્યા ને? હવે રાજકોટ આવવાને અડધો કલાક બાકી રહ્યો ત્યારે એને માનવતા યાદ આવી? હું આ સ્ત્રીની જગ્યા પર હોત તો બેઠી જ ન હોત. સો ડોન્ટ બ્લેમ યોર સેલ્ફ!’ સલોની સામે સૌરભ આશ્ચર્યથી તાકી રહ્યો.
(શીર્ષક પંક્તિ: અશરફ ડબાવાળા)