Charchapatra

હું ખાતો નથી પણ ખર્ચો બહુ કરાવું છું

તા.૧૩/૯/૨૪ નાં ગુ.મિત્રમાં ‘રાજકાજ ગુજરાત’ કોલમમાં લેખક કાર્તિકેય ભટ્ટ લખે છે, ‘સરકારના બિન ઉત્પાદક ખર્ચા (મોજશોખ) પ્રજાને મોંઘા પડે છે.’ સાચી વાત છે, હમણાં કેન્દ્ર સરકારનો જળસંચયનો કાર્યક્રમ સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાઈ ગયો. બે કલાકના કાર્યક્રમ માટે યજમાન એસએમસી એ પોણા બે કરોડનો ખર્ચ કર્યો. કાર્યક્રમની ફળશ્રુતિ શું? તો, કેવળ કાર્ય કર્યાનો દેખાડો. થોડાક વખત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવેલા, ત્યારે પણ એસએમસી એ એમની આગતાસ્વાગતામાં 25 કરોડનો ખર્ચ કરેલો, એવા અખબારી અહેવાલો હતા અને એ વખતે એમની સુરક્ષા માટે એક નહીં પણ બે હેલીપેડ બનાવવામાં આવેલા.

આમ આદમીના ભોગે ખાસ માણસની સુરક્ષા અને સુખાકારી માટે કેટલી બધી તકેદારી. એક સમયે સમૃદ્ધ ગણાતી એસએમસીની તિજોરીનું આજે તળિયું દેખાવા માંડ્યું છે. એટલું જ નહીં, મોદી જ્યાં જાય ત્યાંનું સમગ્ર સરકારી તંત્ર એમની તહેનાતમાં ખડે પગે હોય છે, એ દરમિયાન પ્રજાનાં કામો અટવાય કે ખોરવાય તો શું થઈ ગયું? આપણે વડાપ્રધાનને નહીં, રાજા અને શહેનશાહને ચૂંટેલા છે એટલે તો જ્યાં ત્યાં એમના ખર્ચાળ રોડ શૉ યોજાતા રહે છે. સરકારના આવા તાયફાયુક્ત કાર્યક્રમોને કારણે એક તરફ પ્રજાને માથે તોતિંગ ટેક્સ નાખીને પ્રજાનું લોહી ચૂસાઈ રહ્યું છે. ગાયને દોહીને કૂતરાને પીવડાવવા જેવો ઘાટ છે.
સુરત     – પ્રેમ સુમેસરા-  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top