Columns

આઈ ચેટબોટના અતિરેકથીમૌલિક વિચારો આવતા અટકે છે

તમને ખબર છે, માણસ અને બીજી બધી પ્રજાતિમાં મુખ્ય ફરક શું છે? તમે કહેશો કે માણસ બોલી શકે છે, માણસ પાસે ભાષા છે, માણસ હસી શકે છે વગેરે વગેરે.
તમારી વાત સાચી છે પણ એ બધા પાછળનું જે મુખ્ય ફેક્ટર છે એ જ્ઞાન સંબંધી ક્રિયાઓ છે. માણસ અને બીજી પ્રજાતિઓ વચ્ચે સૌથી મોટો ફરક જ્ઞાનને લગતી ક્રિયાઓનો. માણસ જ્ઞાન મેળવી શકે છે એટલે જ બાકીની બધી બાબતો કરી શકે છે. જ્ઞાનાત્મક ક્ષમતાઓ જ માણસને ભાષા-સાહિત્ય-કળા-સ્થાપત્યોનો વિકાસ કરવા પ્રેરે છે. હવે AIના કારણે માણસની જે કોર કમ્પિટન્સ ખતરામાં છે. સદીઓથી જે માણસની ખાસિયત રહી છે અને જેના કારણે માનવસભ્યતા અહીં સુધી પહોંચી છે એ જ ક્ષમતાને AI બુઠ્ઠી કરી નાખે તેવી ભીતિ છે.
તમને ખબર છે? 150 કરોડ લોકો AI ચેટબોટનો ઉપયોગ કરે છે. 250 કરોડ સવાલો AIને પૂછવામાં આવી રહ્યા છે. દર સેકન્ડમાં AIને 30 હજાર મેસેજ મળે છે. રોજિંદા જીવનમાં AI ચેટબોટ્સનો ઉપયોગ સામાન્ય થઈ પડયો છે. જેમિનાઈ, ગ્રોક, ચેટજીપીટી જેવા ચેટબોટ્સનો ઉપયોગ ખૂબ થાય છે. AIથી ઘણાં કામો સરળ બન્યાં છે પરંતુ એની સાઈડ ઇફેક્ટ્સ પણ સામે આવે છે.


અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ AI ચેટબોટના અતિરેકથી શું થાય છે તેનાં તારણો આપ્યાં છે. AI એક પેટર્ન પ્રમાણે જવાબ આપે છે એટલે તેનાથી સાવધાન રહેવું જોઈએ. એમઆઈટીના કહેવા પ્રમાણે AI ચેટબોટ્સ ખોટી માહિતી આપીને ભ્રમ પેદા કરે છે એ તો ખરું જ, પરંતુ તેનાથી આપણી વિચારવાની અને સમજવાની ક્ષમતાને પણ ફટકો પહોંચે છે. આપણાં નોલેજમાં પણ ઘટાડો થાય છે. જે બાબતો આપણે પહેલાં યાદ રાખતા હતા એ તુરંત AIને પૂછીએ છીએ, તેથી આપણું દિમાગ ચીજવસ્તુઓ યાદ રાખતું નથી.
યાદ છે? એક સમયે લોકો ફોન નંબર યાદ રાખતા. કેટલા ફોન નંબર મોઢે છે એ ગૌરવપૂર્વક કહેવામાં આવતું. વધુમાં વધુ નંબર યાદ હોય એના તો વખાણ થતાં. એક પ્રકારની આવડત ગણાતી. મોબાઈલ ફોનમાં નંબર સેવ થવા માંડ્યા અને આપણે એમાંથી તુરંત ડાયલ કરવાની સગવડ મળી તો નંબર યાદ રાખવાની પળોજણમાંથી મુક્તિ મળી ગઈ. મગજનો એટલો ભાગ ઘસાઈ ગયો. કટાઈ ગયો. દિવસો એવા આવ્યા છે કે હવે તો આપણો એક નંબર મોઢે રહી જાય તો પણ બહુ છે. બસ આવું જ હવે AIના કારણે થવાનું છે. AI ચેટબોટ્સનું વર્તન ચાપલુસ જેવું હોય છે. એ તમારી દરેક વાતમાં સહમત થાય છે. તેના પરિણામે આપણને કોઈ ટોપિકમાં ભ્રમ થઈ શકે છે. એ અંગે આપણી વિચારધારા બદલાઈ શકે છે. એક રિસર્ચ પેપરમાં એમઆઈટીના સંશોધકોએ કહ્યું હતું કે તેમણે ગાણિતિક મોડલ બનાવ્યું હતું. એમાં એક જ ટોપિકના સવાલો AIને જુદી જુદી રીતે પૂછાયા હતા. AIએ સવાલ પ્રમાણે તેનો જવાબ અપડેટ કર્યો હતો. તેની વાત કહેવાની રીત સવાલ બદલાય તે રીતે બદલાતી હતી. AI યુઝર્સના વિચારને યોગ્ય ઠેરવે છે. એ અસહમતિ ઓછી બતાવે છે, પરિણામે યુઝર એને પૂછે એવા ટોપિક પર કશું જાણતો ન હોય તો તેનાથી એના દિમાગમાં ભ્રમ ખડો થાય છે. યુઝર્સ AI ચેટબોટનું માનીને ધારણા બાંધે છે. AI ચેટબોટ નિષ્પક્ષ જવાબ આપતાં નથી. તે આપણા વિચારો વ્યક્ત થયા છે એને જ બીજા શબ્દોમાં ફરીથી રજૂ કરે છે. AIના અતિરેકથી તાર્કિક શક્તિ ઘટી શકે છે. નોલેજમાં ઘટાડો થઈ શકે છે. આપણી વિચારવાની પેટર્ન બદલાઈ શકે છે. એમઆઈટીના સંશોધકોએ ચેતવણી આપી તે પહેલાં બે વર્ષથી આવી ચેતવણીઓ મળી રહી છે. અમેરિકાની સરકારી સંસ્થા નેશનલ મેડિસિન લાઈબ્રેરીએ ચિંતા વ્યક્ત કરી હતી કે AI ચેટબોટ તમારા મૌલિક વિચારો પર ભારે પડી શકે છે. સતત એના પર નિર્ભર રહેવાથી તમારી મૌલિક વિચારવાની કે કોઈ બાબતને જુદી જુદી રીતે વિચારવાની દિમાગી કસરત સદંતર નાબૂેદ થઈ શકે. તમે છેલ્લે AIને શું પૂછ્યું હતું? યાદ આવે છે?

Most Popular

To Top